એક સમયે મજૂરી માટે જતા હતા દુર-દુર આજે ખેતી કરીને થાય છે કરોડોની કમાણી
Trending Photos
ધવલ પારેખ/નવસારી : રોજગારી માટે પોતાનું ઘર છોડીને અન્યત્ર જતા નવસારીના પર્વતીય વિસ્તાર વાંસદાના આદિવાસીઓને આંબાની નવીન કલમ બનાવવાના ઉદ્યોગને કારણે ઘર બેઠા રોજગારી મળી છે. આંબા કલમને કારણે વાંસદાનું નાનુ એવુ ગામ લાછકડી ભારતભરમાં જાણીતું બન્યુ છે. નવસારીનો આદિવાસી પટ્ટાનો વાંસદા તાલુકો પહાડી વિસ્તાર છે. અહીં ખેતી પણ મુશ્કેલીથી થાય છે, જેથી વાંસદાના આદિવાસીઓ રોજગારી માટે આસપાસના તાલુકા તેમજ જિલ્લાઓમાં હિજરત કરતા હોય છે.
વાસંદાના લાછકડી ગામના ખેડૂત રાજેશ ગાંવિતે દસ વર્ષ અગાઉ બાયફ સંસ્થામાંથી આંબાની નવીન કલમ બનાવવાની તાલીમ મેળવ્યા બાદ આંબા કલમ બનાવવાનો પ્રારંભ કર્યો હતો. રાજેશ ગાંવિતના આત્મવિશ્વાસે આંબા કલમ બનાવવામાં નવી તક જોઈ અને 500 આંબાની નવીન કલમ બનાવવાનો વ્યવસાય આજે 30 હજારથી વધુ કલમ બનાવવા પર પહોંચ્યો છે. આજે ગામના 20 થી વધુ લોકોને રાજેશ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કલમ બનાવવામાં સારી રોજગારી આપે છે. ત્યારબાદ પણ પોતાની 5 એકરની જગ્યામાં ઉગાડેલા 800 આંબાના ઝાડ પર આવતી કેરીને બેડવાની સાથે કલમ બનાવવા માતૃ વૃક્ષમાંથી ડાળી પણ કાઢીને રોજગારી આપી રહ્યા છે.
આજે રાજેશની આંબા કલમ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ લાછકડી આવી લઈ જાય છે. સાથે જ પહાડી અને સૂકી જમીનમાં ઉગેલા આંબાની કેસર, દશેરી, રાજપુરી, તોટાપુરી જેવી કેરીઓના પણ સારા ભાવ મેળવી વર્ષે દહાડે 20 લાખથી વધુ આવક મેળવી રહ્યા છે. રાજેશ ગાંવિતથી પ્રેરિત થઈ લાછકડીના અન્ય ખેડૂતો પણ આંબાની નવીન કલમ બનાવી રહ્યા છે. વર્ષોથી નવસારી, વલસાડની આંબા અને ચીકુ વાડીઓમાં મજૂરી કરતા આદિવાસીઓને જ્યારે પોતાના વિસ્તારમાં જ પશુપાલન કે ખેતી કરવાની તક મળી, તો આદિવાસીઓ પણ પોતાના અનુભવને કામે લગાડી પહાડી વિસ્તારમાં પણ વાડી બનાવી મજૂરમાંથી માલિક બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે