હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ
સુરત માસમા ગામની નવી વસાહતમાં રહેતા રણછોડ ઇચ્છુભાઇ પટેલ જહાંગીપુરા જીન કેમ્પસમાં આવેલ તળાદ કોટન મંડળીમાંથી નિવૃત થયા બાદ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા.
Trending Photos
ચેનત પટેલ, સુરત: ઓલપાડ-સુરત ફોર લેન્ડ ઉપર માસમા ગામના પાટીયા સામે એક અજાણ્યા ટેમ્પા ચાલકે રોડ ક્રોસ કરી રહેલા માસમા ગામના આધેડ બાઇક ચાલકને અડફતે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.
સુરત માસમા ગામની નવી વસાહતમાં રહેતા રણછોડ ઇચ્છુભાઇ પટેલ જહાંગીપુરા જીન કેમ્પસમાં આવેલ તળાદ કોટન મંડળીમાંથી નિવૃત થયા બાદ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. તેઓ સોમવાર, તા-21 ના રોજ સાંજે 4:30 કલાકના સુમારે તેમની હીરો હોન્ડા બાઇક નં: જીજે-૫, જીકે-2790 ઉપર સવાર થઇ ઓલપાડથી ઘરે આવી રહ્યા હતા. તેઓ માસમા ગામના પાટીયા નજીક પહોંચતા મહાકાળી માતાના મંદિર સામેના રોડ પરથી ગામ તરફ બાઇક ક્રોસ કરતા હતા તે સમયે સુરત તરફથી પુરપાટ ઝડપે દોડતા મહેન્દ્ર કંપનીના અજાણ્યા ટેમ્પા ચાલકે રણછોડ પટેલને અડફતે લેતા સર્જાયેલા અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.
જો કે ઘટના સ્થળે દોડી આવેલા પરિવારજનોએ ઇજાગ્રસ્તને 108 મોબાઇલ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ઓલપાડ ખાતેના સરકારી દવાખાનામાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ મામલે મૃતકના ભાઇ અમૃત પટેલે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટેમ્પા ચાલક વિરૂધ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે