VIDEO રથયાત્રા: CM રૂપાણી અને DYCM પટેલે કરી પહિંદ વિધિ, જાણો આ વિધિનો અર્થ અને આગવું મહત્વ

આજે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગત વખતની જેમ આ વખતે પણ પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથને નગર યાત્રા પર રવાના કર્યા.  

VIDEO રથયાત્રા: CM રૂપાણી અને DYCM પટેલે કરી પહિંદ વિધિ, જાણો આ વિધિનો અર્થ અને આગવું મહત્વ

અમદાવાદ: આજે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. રથયાત્રા પહેલાં મંદિરના મહંત દિલિપદાસજી મહારાજના હસ્તે ભગવાનની મંગળા આરતી સંપન્ન થઈ. સૌથી પહેલાં ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો અને પછી ભગવાન નીજરથમાં બિરાજ્યા હતા અને રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગત વખતની જેમ આ વખતે પણ પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથને નગર યાત્રા પર રવાના કર્યા.  

ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણી નીજ મંદિર પહોંચ્યા હતા.જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતાં ભગવાનની પૂજા બાદ CM રૂપાણીએ સોનાની સાવરણીથી ભગવાનના ચાલવાનો રસ્તો સાફ કરી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વખતે અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના માનમાં 141મી રથયાત્રાની થીમ હેરિટજ રખાઈ છે અને  ગુજરાતી-કાઠિયાવાડી થીમ પર  ડેકોરેશન કરવામાં આવ્યું છે. 

રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે. રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થયા એ માટે અમદાવાદ પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે એ માટે વીસ હજાર કરતા વધારે પોલીસ કર્મચારીઓ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

શું છે પહિંદ વિધિ

પહિંદ વિધિ વિશે ખુબ ચર્ચા થાય છે. આવો તો  જાણીએ તેનો શું અર્થ છે.

શુ છે આ પહિંદ વિધિ અને ત્યારથી થઈ તેની શરૂઆત?

અમદાવાદથી જે રથયાત્રા નીકળે છે તેમાં છેલ્લા 28 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી જ કેમ કરાવે પહિંદ વિધિ?

રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્ત પહિંદ વિધિ કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.

પહિંદ વિધિ કેવી રીતે કરાય છે?

સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યાર પછી સવારે રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

કોણે કેટલી વખત કરાવી છે પહિંદ વિધિ

રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિંદ વિધિ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિંદ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિંગ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે પહિંદ વિધિ કરી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news