ગુજરાતી ‘પટલાણી’ને અમેરિકામાં થઈ શકે છે 30 વર્ષની જેલ, ફ્લોરિડામાં મોટા કેસમાં ભરાઈ
Gujarati Women arrested in Florida : ગુજરાતીઓને અમેરિકા જવાનો મોટો મોહ હોય છે. હાલમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જેમાં અમેરિકાના ફ્લોરિડામાં ગુજરાતી શ્વેતા પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે એ શોધી રહી છે કે જ્યોર્જિયાની રહેવાસી શ્વેતા પટેલ કોના કહેવા પર સોનાનું કન્સાઈનમેન્ટ લેવા ફ્લોરિડા આવી હતી? જો શ્વેતા આ કેસમાં દોષી સાબિત થશે તો તેને 30 વર્ષ સુધીની જેલ થઈ શકે છે
Trending Photos
Ahmedabad News : અમેરિકા અને ગુજરાતમાં હાલમાં આ કેસ ચર્ચાને એરણે છે. આ કેસમાં એક ગુજરાતી મહિલા કેવી રીતે સંડોવાઈ એ મામલો પોલીસ તપાસ ચાલી રહી છે. ફ્લોરિડા પોલીસે (Bradenton police department) દોઢ મિલિયન ડોલર (રૂ. 1.25 કરોડ)ની છેતરપિંડીના કેસમાં શ્વેતા પટેલ (42) નામની ગુજરાતી મહિલાની ધરપકડ કરી છે. એપ્રિલ માસમાં ફ્લોરિડા પોલીસને ફરિયાદ મળી હતી કે એક 80 વર્ષીય અમેરિકન વ્યક્તિ સાથે $1.5 મિલિયનની છેતરપિંડી થઈ છે.
શ્વેતા પટેલ સામેના આરોપો એ પ્રથમ શ્રેણીનો સીધો ગુનો છે, જેમાં દોષિત ઠરે તો 30 વર્ષ સુધીની જેલ અને $10,000નો દંડ થઈ શકે છે. પોલીસને આશંકા છે કે આ રેકેટ અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાંથી ચલાવવામાં આવી રહ્યું હોવાની સંભાવના છે. તાજેતરમાં અમેરિકાના વિવિધ રાજ્યોમાં આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં વૃદ્ધોને નિશાન બનાવી તેમની પાસેથી લાખો ડોલરનું સોનું પડાવી લેવામાં આવ્યું હતું અને આવા અનેક કેસમાં ગુજરાતીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
એક ગુજરાતી મહિલાની વૃદ્ધો સાથે ઠગાઈના કેસમાં ધરપકડને પગલે આ કેસ ગુજરાતમાં પણ ચર્ચાસ્પદ બન્યો છે. આ પ્રકરણમાં બીજા ગુજરાતીઓના નામ પણ ખૂલે તો નવાઈ નહીં. આ કેસમાં ફ્લોરિડાની પોલીસ વધુ વિગતો એકત્ર કરી રહી છે. આ માત્ર એક કેસ નથી પોલીસને આશંકા છે કે આ પ્રકારના ઘણાબધા કેસો સામે આવી શકે છે. જો પોલીસે આ કેસમાં ગોળિયો મજબૂત કર્યો તો ગુજરાતી શ્વેતા પટેલની મુશ્કેલીઓ વધી શકે છે.
એક અમેરિકન વૃદ્ધ વ્યક્તિના ઘરે ફેડરલ એજન્ટ બનીને 2 વ્યક્તિ પહોંચી હતી અને તેમને ડરાવી ધમકાવીને ધરપકડ વોરંટ દેખાડીને 1.5 મિલિયન ડોલર પડાવી લીધા હતા. આ કેસમાં પીડિતાના ઘરે આવેલા બે નકલી એજન્ટોએ શંકા ટાળવા માટે તેમના સુપરવાઈઝરને ફોન કરવાનું નાટક કર્યું હતું.
બનાવટી ફેડરલ એજન્ટની સુપરવાઇઝર તરીકે બોલતી એક મહિલાએ સોદો કર્યો હતો કે પીડિત જેલમાં જવા ન માંગતા હોય તો તેઓ શું કરી શકે. ત્યારબાદ તે જ મહિલા દ્વારા પીડિત વૃદ્ધને દિવસમાં બેથી ત્રણ વખત ફોન કરવામાં આવ્યો હતો, જેણે પીડિતાને ખાતરી આપી હતી કે તે સામાજિક સુરક્ષા કૌભાંડ કરનારા લોકોને પકડવામાં પોલીસને મદદ કરી શકશે. આ માટે છેતરપિંડી કરનાર ટોળકીએ 'બનાવટી સ્ટિંગ ઓપરેશન'ની સ્ટોરી બનાવી અને પીડિત પાસેથી 1.5 મિલિયન ડોલરનું સોનું ખરીદ્યું અને અલગ-અલગ સ્થળોએ તેમના માણસો પાસેથી સોનું પણ વસૂલ્યું હતું. આ એક ટોળકીનો પ્લાન હતો.
શ્વેતા પટેલ આ ઠગાઈના કેસમાં કેવી રીતે ફસાઈ
પીડિતના નિવૃત્તિ ફંડમાંથી આ સોનું ખરીદવામાં આવ્યું હતું, જે પીડિત ફ્રોડ ગેંગના લોકોને આપતો હતો એ સમયે વૃદ્ધને ખાતરી આપવામાં આવી હતી કે તેઓને પૈસા રિટર્ન મળી જશે. પરંતુ છેતરપિંડી કરનાર ગેંગે $1.5 મિલિયનનું સોનું મેળવીને પીડિતનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું. ત્યારબાદ વૃદ્ધે પોલીસને જાણ કરી હતી. આ કેસમાં પોલીસની એન્ટ્રી બાદ પોલીસે પીડિતે જ્યાં સોનું આપ્યું હતું તે સ્થળોના સર્વેલન્સ ફૂટેજની તપાસ કરી હતી. કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ, પોલીસે પીડિત પાસેથી સોનું એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતી કારને ટ્રેસ કરી હતી અને તેની તપાસ દરમિયાન શ્વેતા પટેલનું નામ બહાર આવ્યું હતું.
શ્વેતા પટેલ પર એક લાખ ડોલર ચોરીનો આરોપ
આ કેસમાં શ્વેતા પટેલ કેવી રીતે સંડોવાઈ એ પણ રસપ્રદ છે. જ્યોર્જિયામાં રહેતી શ્વેતા પટેલે તેની ધરપકડ બાદ કબૂલી લીધું છે કે આ કેસમાં તેનું કામ માત્ર બેગ લઈ જવાનું હતું. કિંગ નામનો વ્યક્તિ તેને આ કામ માટે ફોન પર સૂચના આપતો હતો. શ્વેતાએ એ પણ કબૂલાત કરી હતી કે થોડા દિવસો પહેલા તેણે નોર્થ કેરોલિનાના એક વૃદ્ધ પાસેથી 25 હજાર ડોલર લીધા હતા. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પકડાયેલી એકમાત્ર આરોપી શ્વેતા પટેલ પર એક લાખ ડોલરથી વધુની ચોરીનો આરોપ લગાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે