અમેરિકા જવા પાટીદાર યુવકનો જબરો ખેલ! નકલી પાસપોર્ટ પર 13 વર્ષ અમેરિકા રહી આવ્યો, અમદાવાદ આવતા જ પકડાયો

Fake Passport : SVP એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે આવેલો મુસાફર ઝડપાયો... કતાર એરવેઝની ફ્લાઈટમાં કતારથી અમદાવાદ આવ્યો યુવક... નરહરીકુમાર પટેલ નામનાં યુવકની બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ... તેણે અમેરિકા જવા માટે મોહંમદ વાસીદ ગોરીના નામના પાસપોર્ટનો કર્યો હતો ઉપયોગ... ઈમીગ્રેશન વિભાગે ઝડપી એરપોર્ટ પોલીસને સોંપ્યો
 

અમેરિકા જવા પાટીદાર યુવકનો જબરો ખેલ! નકલી પાસપોર્ટ પર 13 વર્ષ અમેરિકા રહી આવ્યો, અમદાવાદ આવતા જ પકડાયો

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : ફરી એક વખત નકલી પાસપોર્ટને આધારે અમદાવાદથી અમેરિકા ગયેલા યુવકની ધરપકડ કરવામાં આવી છે. બે વર્ષ બાદ જ્યારે યુવક અમેરિકાથી અમદાવાદ પરત આવ્યો ત્યારે એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લીયરન્સ દરમિયાન નકલી પાસપોર્ટ હોવાનું સામે આવતા યુવક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કોણ છે આ યુવક અને કઈ રીતે પહોંચ્યો અમેરિકા જોઈએ આ અહેવાલમાં.

વર્ષ 2011 માં અમેરિકા ગયો હતો 
રાજ્યમાં ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે લોકો અલગ અલગ રસ્તાઓ અપનાવી રહ્યા છે, જેમાંથી અનેક લોકો પકડાઈ પણ ચૂક્યા છે. એજન્ટો મારફતે લોકો લાખો રૂપિયા ખર્ચી ગેરકાયદેસર અમેરિકા પહોંચી જતા હોય છે. રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોથી કબૂતરબાજીના અને કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના પલાસણા ગામમાં રહેતો નરહરીન કુમાર પટેલ વર્ષ 2011 માં અમેરિકા ગયો હતો. જે ફરીથી અમદાવાદ આવતા એરપોર્ટ ઉપર ઈમીગ્રેશન કલિયરન્સ દરમિયાન તેનો પાસપોર્ટ નકલી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને જેની વધુ તપાસ અમદાવાદ sog કરી રહી છે. sog પોલીસે સમગ્ર મામલે નરહરિનકુમાર પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બીજાના પાસપોર્ટ પર અમેરિકા ગયો યુવક 
નરહરીન કુમારની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે તેનો પાસપોર્ટ નકલી છે. નરહરીનકુમારનો પાસપોર્ટ રાજસ્થાનના ગોલસર ગામના મોહંમ્મદ વાસીદ ગોરીનો હોવાનું સામે આવ્યું છે અને તેનો પાસપોર્ટ ખોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે પકડાયેલો આરોપી નરહરીનકુમાર વર્ષ 2011 માં પોતાના નામના ડુપ્લીકેટ પાસપોર્ટના આધારે અમેરિકા ગયો હતો અને ત્યાં અલગ અલગ જગ્યાએ નોકરી કરતો હતો. બે વર્ષ બાદ તેને પોતાના વતન પરત આવવાનું હોવાથી તે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો અને ત્યાં ઇમિગ્રેશન દરમિયાન તેને ડુપ્લીકેટ પાસપોર્ટ હોવાનું સામે આવ્યું હતું. 

હાલ તો એસઓજી પોલીસ સમગ્ર મામલે નરહરીનકુમારની વધુ પૂછપરછ હાથ ધરી રહી છે. નરહરીન કુમારે આ પાસપોર્ટ કોની પાસે બનાવડાવ્યો હતો અથવા તો સમગ્ર કબૂતરબાજીના કૌભાંડમાં કોઈ એજન્ટ સામેલ છે કે કેમ તે સમગ્ર મુદ્દાઓને લઈને એસ.ઓ.જી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news