પાવાગઢ શક્તિપીઠને લાગ્યું કોરોનાનું ગ્રહણ, પ્રવેશદ્વારથી દર્શનાર્થીઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું

આજે વૈશાખ સુદ પૂનમનો (બુધ પૂર્ણિમા) પવિત્ર દિવસ છે. ત્યારે શક્તિપીઠો સહિત તમામ ધાર્મિક સ્થાનો પર આ દિવસે દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. કેટલાય શ્રદ્ધાળુઓ મહત્વના ધાર્મિક સ્થાનો પર નિયમિત પૂનમ દર્શનની માનતા કે આસ્થા રાખતા હોય છે

પાવાગઢ શક્તિપીઠને લાગ્યું કોરોનાનું ગ્રહણ, પ્રવેશદ્વારથી દર્શનાર્થીઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું

જ્યેન્દ્ર ભોઈ/ પંચમહાલ: આજે વૈશાખ સુદ પૂનમનો (બુધ પૂર્ણિમા) પવિત્ર દિવસ છે. ત્યારે શક્તિપીઠો સહિત તમામ ધાર્મિક સ્થાનો પર આ દિવસે દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. કેટલાય શ્રદ્ધાળુઓ મહત્વના ધાર્મિક સ્થાનો પર નિયમિત પૂનમ દર્શનની માનતા કે આસ્થા રાખતા હોય છે જેઓ દર પૂનમે અચૂક દર્શન કરવા માટે નિયમિત આવતા જ હોય છે. પરંતુ આ કોરોના મહામારીના કપરા સમયે ભક્તોને ભગવાનથી પ્રત્યક્ષ રીતે ભલે દૂર કર્યા હોય તે છતાં અડગ વિશ્વાસ ધરાવનાર ભક્તો પરોક્ષ રીતે તો દર્શનનો લ્હાવો મેળવી જ લેતા હોય છે.

વાત છે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢની. પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે સામાન્ય દિવસોમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો રહેતો હોય છે. ત્યારે વાર તહેવાર અને ખાસ કરી પૂનમ અને આઠમે તો અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. પરંતુ હાલ ચાલી રહેલ કોરોના મહામારીને કારણે તબક્કા વાર અનેક વખત યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ મંદિર ખાતે ભક્તો માટે માતાજીના પ્રત્યક્ષ દર્શન બંધ રાખવામાં આવ્યા હતા.

જે હજી પણ આગામી 1 જૂન સુધી બંધ રહેનાર છે. જેથી પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે નિયમિત પૂનમ અને આઠમના રોજ આવતા ભક્તો સહિત તમામ દર્શનાર્થીઓને વિલા મોઢે પરત ફરવું પડતું હતું. ત્યારે મહાકાળી માતાજીના ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો પણ વૈકલ્પિક માર્ગ શોધી ડુંગરની નીચે આવેલા ચાંપાનેર ખાતે મુખ્ય પ્રવેશદ્વાર પાસે બનાવેલ મહાકાળી માતાજીના અખંડ જ્યોત અને મૂર્તિની પ્રતીકાત્મક તસ્વીરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

નિજ મંદિર ખાતે જવાનો માર્ગ હાલ માચી પ્રવેશદ્વારથી બંધ કરાયો છે. ત્યારે હાલ કેટલાય ભક્તો સુરત, ભાવનગર સહિત દૂર દૂરના સ્થળોએથી પાવાગઢ આવી પોતાની આસ્થા મુજબ માંચી પ્રવેશદ્વાર પાસે ઉભા કરાયેલા માતાજીના મંદિરે આવી પોતાની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને નીચેથી જ દર્શન કરી પરત ફરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news