ડેન્ગ્યુના કારણે 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન સાક્ષી રાવલનું મોત, તબીબની બેદરકારીનો પરિવારનો આક્ષેપ

Updated By: Aug 5, 2021, 03:26 PM IST
ડેન્ગ્યુના કારણે 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન સાક્ષી રાવલનું મોત, તબીબની બેદરકારીનો પરિવારનો આક્ષેપ

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરામાં ડેન્ગ્યુના કારણે 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન યુવતી સાક્ષી રાવલનું મોત નીપજ્યું છે. પરિવારનો આક્ષેપ છેકે, તબીબની બેદરકારીને કારણે તેમના સંતાનનું મોત થયું છે. સાક્ષીના અકાળે અવસાનને કારણે હાલ તેમના પરિવારમાં શોકનો મહોલ છવાઈ ગયો છે. તબીબે ડેન્ગ્યુના બદલે ટાઈફોઇડના રોગની સારવાર કરતાં સાક્ષીનું મોત નિપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો..

શહેરના આજવા રોડ ખોડીયાર નગર વિસ્તારમાં આવેલ સયાજી ટાઉનશિપમાં રહેતી અને ઝારખંડ ખાતે રમાયેલ રાષ્ટ્રીય કક્ષાની જુડો કોમ્પીટીશનમાં બ્રોન્જ મેડલ મેળવનાર 19 વર્ષિય સાક્ષી રાવલનું ડેંગ્યુ તાવમાં મોત નીપજતાં રમત-ગમત ક્ષેત્રે ભવિષ્ય બનાવી રહેલા ખેલાડીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. સાક્ષી રાવલ માતા ગાયત્રીબહેન રાવલ સાથે રહેતી હતી. મા-દીકરી નોકરી કરીને સુખમય જીવન પસાર કરી રહ્યા હતા.

ડેંગ્યુ તાવમાં મોતને ભેટેલી સાક્ષીના મામા ભાવિન રાવલે જણાવ્યું હતું કે, તાજેતરમાં સાક્ષી રાવલ એન.સી.સી. કેમ્પ પૂરો કરીને ઘરે આવી હતી. ઘરે આવ્યા બાદ તેણે તાવ આવવાનું શરૂ થયું હતું. આથી તેઓએ તેમના ફેમિલી ડોક્ટર સાથે દવા લીધી હતી. તબિયત વધુ બગડતા ફેમિલી ડોક્ટરે બોટલ ચઢાવ્યો હતો. બોટલ ચઢાવ્યા બાદ રિએક્સન આવ્યું હતું. તબિયત વધુ લથડતા તેણે સંગમ હોસ્પિટલમાં રવિવારે સાંજે લઇ ગયા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ સાક્ષીની તબિયત વધુ ખરાબ છે. સયાજી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવતા અમે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં એક કલાકની રઝળપાટ બાદ દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. 

ભાવિન રાવલે આક્ષેપ કર્યો હતો કે, ફિમીલી ડોક્ટરે ઘરે જવાની ઉતાવળમાં સાક્ષીનો ભોગ લીધો હતો. સામાન્ય રીતે દર્દીને ચઢાવવામાં આવતો બોટલ એક  કલાકમાં પૂરો થાય. પરંતુ, ડોક્ટરને ક્લિનીક બંધ કરવાનું હોવાથી સાક્ષીને ચઢાવેલ બોટલ અડધો કલાકમાં પૂરો કરી તેઓ ક્લિનીક બંધ કરી રવાના થઇ ગયા હતા. સાક્ષીને ઘરે લાવ્યા બાદ તેની તબિયત લથડવા માંડી હતી. જેથી તુરત જ તેણે સંગમ હોસ્પિટલમાં લઇ ગયા હતા. અને ત્યાં સારવાર આપ્યા બાદ સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. મારી ભાણી સાક્ષીનું મોત તબીબોની નિષ્કાળજીથી થયું છે.

સાક્ષીના જુડો કોચ વાસુદેવભાઇ કદમે જણાવ્યું હતું કે, સાક્ષી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એફ.વાય. બીકોમમાં અભ્યાસ કરતી હતી. અને અભ્યાસની સાથે નોકરી પણ કરતી હતી. નોકરીમાંથી મળતી આવકમાંથી તે માતાને મદદરૂપ થવા સાથે જુડોમાં આગળ વધવા માટે ખર્ચ કરતી હતી. પહેલવાન નારાયણ ગુરૂ આદ્ય વ્યાયામ શાળામાં છેલ્લા સાત વર્ષથી હું તેને જુડોની તાલિમ આપી રહ્યો છું. હાલ તે જુડોમાં માર્શલ આર્ટ (કુરશા) સુધી પહોંચી ગઇ હતી. વર્ષ-2019માં ઝારખંડ ખાતે યોજાયેલ નેશનલ જુડો ચેમ્પીયનશિપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત તેણે સ્ટેટ લેવલની જુડો કોમ્પીટીશનમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેની ઇચ્છા ઓલિમ્પીકમાં રમવાની હતી. અને તે તેના માટે રાત-દિવસ મહેનત કરતી હતી. જુડોમાં તેનું અદભૂત ટેલેન્ટ હતું. 

મળેલી માહિતી પ્રમાણે ગાયત્રીબહેન રાવલે સાક્ષી એક વર્ષની હતી ત્યારથી એકલ હાથે મોટી કરી હતી. કોન્ટ્રક્ટમાં નોકરી કરતા ગાયત્રીબહેનને દીકરી સાક્ષી ઓલિમ્પીકમાં રમે અને દેશનું નામ રોશન કરે તેવી ઇચ્છા હતી. પરંતુ, તાવ અને તબીબોની નિષ્કાળજીના કારણે એકની એક દીકરી સાક્ષીનું મોત નીપજતાં ગાયત્રીબહેનની ઈચ્છા અધૂરી રહી ગઈ છે.