'કોંગ્રેસને ઔરંગઝેબ રાજ મુબારક', ધરમપુરમાં પીએમ મોદીના પ્રહાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાની મેરેથોન રેલીઓ દ્વારા ભાજપના પ્રચારમાં લાગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચારમી ડિસેમ્બરે ચાર રેલીઓ યોજાઈ.

'કોંગ્રેસને ઔરંગઝેબ રાજ મુબારક', ધરમપુરમાં પીએમ મોદીના પ્રહાર

વલસાડ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાની મેરેથોન રેલીઓ દ્વારા ભાજપના પ્રચારમાં લાગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચારમી ડિસેમ્બરે ચાર રેલીઓ યોજાઈ. પીએમ મોદીએ પહેલી રેલી વલસાડના ધરમપુરમાં કરી. જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા ગુજરાતનું અપમાન કર્યુ છે. મોરારજી દેસાઈએ સરકાર બનાવવાની વાત કરી તો ઈન્દિરા ગાંધીએ તેમને જેલમાં મોકલી દીધા. ગુજરાતને લૂંટનારાઓને લૂંટ ચલાવવા દઈશું નહીં, સહન કરીશું નહીં. પીએમ મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસની આંખોમાં શરમ નથી, જે વ્યક્તિ જામીન પર છે તેને કોંગ્રેસે અધ્યક્ષ બનાવ્યાં છે. તેમણે કહ્યું કે જેના પર ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે, જે વ્યક્તિને જિલ્લા સ્તરે પણ કોઈ પદ આપતા પહેલા અનેકવાર વિચારવું પડે છે, જેને કોર્ટે જામીન આપ્યાં છે. પરંતુ કોંગ્રેસે તેને અધ્યક્ષ બનાવવાનું વિચાર્યું છે. 

કોંગ્રેસ વંશવાદી પાર્ટી

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ માને છે કે કોંગ્રેસ પાર્ટી નથી પરંતુ એક પરિવાર છે. તેમણે કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરના તે નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ઐય્યરે કહ્યું હતું કે જ્યારે જહાંગીરે સત્તા છોડી તો તેમનો પુત્ર શાહજહાં સત્તા પર બેઠો હતો. વડાપ્રધાને કહ્યું કે જ્યારે પહેલેથી જ ખબર હતી કે બાદશાહના સંતાનને જ સત્તા મળશે. તો તેમાં કઈ નવી વાત છે? તેમણે કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પોતે માને છે કે કોંગ્રેસ એક પાર્ટી નહીં પરંતુ પરિવાર છે. તો તે પરિવારમાંથી જ કોઈ સત્તા પર બેસે તો તે એવું કહેવાય કે જે રીતે બાદશાહના વંશજ ગાદી પર બેસે. વડાપ્રધાને કોંગ્રેસ ઉપાધ્યક્ષના અધ્યક્ષ તરીકે નામાંકન દાખલ કરવા પર કટાક્ષ કરતા કહ્યું કે 'કોંગ્રેસને આ ઔરંગઝેબ રાજ મુબારક'.

નોટબંધીથી ફક્ત કોંગ્રેસને પરેશાની

વડાપ્રધાને નોટબંધીને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર પર સતત હુમલાના પણ જવાબ આપ્યાં. તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશને કોલસા, ટુજી, હેલિકોપ્ટરથી લઈને અનેક સ્કેમ દ્વારા લૂંટ્યો. સમજી શકાય છે કે કોંગ્રેસને નોટબંધીથી સૌથી વધુ કેમ પરેશાની થઈ રહી છે. ત્યારબાદ વડાપ્રધાને રેલીમાં આવેલી જનતાને પૂછ્યું કે શું તમને નોટબંધીથી કોઈ મુશ્કેલી થઈ? તેમણે કહ્યું કે મેં નોટબંધી તમારા માટે કરી, પરંતુ તમને કોઈ મુશ્કેલી નથી, દેશની ઈમાનદાર જનતાને કોઈ મુશ્કેલી નથી. હાં બેઈમાનોને જરૂર મુશ્કેલીઓ છે. દેશને લૂંટનારાઓને જરૂર મુશ્કેલીઓ છે. ગરીબનો રૂપિયો મારી ખાનારાઓને જરૂર મુશ્કેલીઓ છે. આથી કોંગ્રેસને પણ નોટબંધીથી એટલી મુશ્કેલીઓ થઈ કે મને રાત દિવસ કોસી રહી છે. કારણ કે તેમનું કાળું નાણું બેકાર થયું. તેમણે કહ્યું કે નોટબંધીથી કોંગ્રેસને એટલા માટે પરેશાની છે કારણ કે હર્યાભર્યા નોટોની ખેતી કોંગ્રેસે કરી છે. આપણા દેશની પાઈ પાઈ પર દેશના ગરીબોનો હક છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના ગરીબો માટે  કામ કરવાની જવાબદારી મોદીએ સંભાળી છે. અમે દેશના દરેક ગરીબને લૂંટનારાઓને સજા આપીશું. 

લડાવવાનું કામ કરે છે કોંગ્રેસ

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપની 22 વર્ષ જૂનાી સરકાર પર હુમલાના જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરમપુરની જનતાને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જાતિવાદના નામે લોકોને લડાવવાનું કામ કરે છે. આદીવાસીઓને સવર્ણો સાથે લડાવવાનું હોય, ગ્રામીણોને શહેરવાસીઓ સાથે લડાવવાનું કામ હોય, કોંગ્રેસને આ જ ગમે છે. પરંતુ હવે ગુજરાતના મુસલમાનો પણ કોંગ્રેસને સમજી ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ધર્મનિરપેક્ષતાના નામે શું  શું કરી રહી છે તે તમારી સામે છે. 

ઓબીસી વિરોધી છે કોંગ્રેસ

ઓબીસી અનામત મામલે પીએમ મોદીએ કહ્યું કે જ્યારે યુપીએની સરકાર હતી તો લોકો ઓબીસી કમિશન બનાવવા માટે તત્કાલિન પીએમ મનમોહન સિંહ પાસે ગયા પરંતુ તેમણે કશું કર્યુ નહીં. હવે અમારી સરકારે ઓબીસી કમિશન બનાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર ઓબીસી વિરોધી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની જ્યારે કેન્દ્રમાં સરકાર હતી તો તેમણે ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો કેમ ન આપ્યો. ગુજરાતની જનતાએ ઓબીસી વિરોધી કોંગ્રેસ પાર્ટીને કડક સજા આપવી જોઈએ. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાની સરકાર બનતા પહેલાના દિવસો યાદ કરતા કહ્યું કે વર્ષ 2001 અગાઉ ગુજરાતના ગામડાઓમાં શાળાઓ નહતી. આજે દરેક ગામમાં શાળા છે. ગુજરાતના વિકાસ સાથે કોંગ્રેસને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. 

અત્રે જણાવવાનું કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 9 અને 14 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતગણતરી 18 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે મતદાન થશે. સોમવારે એટલે કે 4 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી વલસાડના ધરમપુર બાદ સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં રેલીઓને સંબોધશે. આ અગાઉ રવિવારે પીએમ મોદીએ ગુજરાતમાં 3 રેલીઓને સંબોધી હતી. 

નોંધનીય છે કે ચૂંટણી આચરસહિતા લાગુ થયા બાદથી અત્યાર સુધીના બે દિવસોમાં પીએમ મોદી આઠ રેલીઓ કરી ચૂક્યા છે. જ્યારે ચૂંટણી આચાર સંહિતા લાગુ થતા પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં 16 કાર્યક્રમો કર્યા હતાં. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અત્યાર સુધીમાં 17 રાજ્યોમાં ચૂંટણી થઈ છે. કુલ મળીને 170થી વધુ રેલીઓ કરી ચૂક્યાં છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news