PM મોદી ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન કરશે આ મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત

આ પ્રસંગે, ત્રણ અગ્રણી બહુરાષ્ટ્રીય બેંકો – ડોઇશ બેંક એજી, જેપી મોર્ગન ચેઝ બેંક અને MUFG બેંકના IFSC બેંકિંગ યુનિટ્સ (IBUs)ની કામગીરી શરૂ કરવા અંગેની જાહેરાત કરવામાં આવશે. તેમજ GIFT-IFSCમાં બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર (GIC)ની ક્ષમતામાં વધારા અંગેની જાહેરાત કરાશે.

PM મોદી ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન કરશે આ મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ એટલે કે આજે ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-ગિફ્ટ સિટી ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ અને કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA)ના મુખ્યાલયનું ભૂમિપૂજન તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSE IFSC-SGX કનેક્ટનું લોકાર્પણ કરશે.

આ ઉપરાંત IFSCAની નિયમનકારી પહેલ હેઠળ સ્થાપિત GIFT-IFSC સંબંધિત અન્ય મહત્વના માઈલસ્ટોન અંગે અગત્યની જાહેરાતો કરશે. આંતર-નિયમનકારી સહયોગને મજબૂત કરવા માટે સિંગાપોર, લક્ઝમબર્ગ, કતાર અને સ્વીડનની રેગ્યુલેટરી ઑથોરિટી સાથે IFSCA દ્વારા સમજૂતી કરાર (MoU) કરાશે તથા ફિનટેક અને સ્પેસટેકના સમન્વયથી કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારના સ્પેસ વિભાગ સાથે પણ MoU કરાશે.

આ કાર્યક્રમ અંતર્ગત ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB) દ્વારા ભારતીય પ્રાદેશિક કાર્યાલય (IRO)ની સ્થાપના કરવામાં આવશે. આ પ્રાદેશિક કાર્યાલય ભારતીય ઉપખંડમાં ન્યુ ડેવલપમેન્ટ બેંકના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે, જે વિકાસલક્ષી પરિયોજનાઓને ઓળખી તેને નાણાંકીય મદદ પૂરી પાડશે, જેનાથી સરકારી સંસ્થાઓની ક્ષમતામાં વધારો થશે.

આ પ્રસંગે, ત્રણ અગ્રણી બહુરાષ્ટ્રીય બેંકો – ડોઇશ બેંક એજી, જેપી મોર્ગન ચેઝ બેંક અને MUFG બેંકના IFSC બેંકિંગ યુનિટ્સ (IBUs)ની કામગીરી શરૂ કરવા અંગેની જાહેરાત કરવામાં આવશે. તેમજ GIFT-IFSCમાં બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર (GIC)ની ક્ષમતામાં વધારા અંગેની જાહેરાત કરાશે.

આ કાર્યક્રમમાં IFSCAના નિયમનકારી સેન્ડબોક્સ હેઠળની ચાર કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સિંગ સર્વિસીસ (ITFS) પ્લેટફોર્મના સંચાલન અંગેની જાહેરાત કરાશે. આ પ્લેટફોર્મ GIFT-IFSCમાં વૈશ્વિક વેપાર ધિરાણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે MSMEs અને અન્ય કંપનીઓના વૈશ્વિક વેપાર ધિરાણના નવા વિકલ્પો ખોલશે, જે ભારતની નિકાસ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે.

વધુમાં, GIFT-IFSCમાં ફિનટેક એન્ટિટીઝ માટે IFSCAના માળખા હેઠળ પાંચ ફિનટેક કંપનીઓના ઉદઘાટન કરીને તેની નિયમનકારી અધિકૃતતાઓ અંગેની જાહેરાત કરવામાં આવશે. આ ફિનટેક કંપનીઓ એગ્રીટેક, ઇન્સ્યોરટેક, ક્વોન્ટમટેક, ડિજિટલ આઇડેન્ટિટી અને બ્લોકચેન આધારિત બિઝનેસ જેવા ક્ષેત્રોમાં નવીન ઉકેલો શોધવા માટે કામ કરશે. તેમજ GIFT-IFSCમાં કામગીરીનું સંચાલન શરૂ કરવા માટે ૧૦૦થી વધુ બ્રોકર-ડીલરો વતી એસોસિયેશન ઑફ નેશનલ એક્સચેન્જીસ મેમ્બર્સ ઑફ ઇન્ડિયા (ANMI) તથા કોમોડિટી પાર્ટિસિપન્ટ્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા(CPAI) દ્વારા ‘લેટર ઑફ ઇન્ટેન્ટ’ અંગેની જાહેરાત કરવામાં આવશે, જે GIFT-IFSCમાં મૂડી બજારોની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

આ ઉપરાંત, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ઈન્ડિયા INX સ્ટોક એક્સચેન્જ પર ૭૫માં બોન્ડનું લિસ્ટીંગ થશે. તેમજ વડાપ્રધાનશ્રી ‘ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મ (ISX)’ની શરૂઆત કરાવશે. જેનો હેતુ ભારત અને અન્ય દેશોમાં આબોહવા સંબંધી અને સંયુક્ત રાષ્ટ્રોના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો માટે કોર્પોરેટ, સરકારી અને સંસ્થાકીય ભંડોળની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો તથા મૂડી પ્રવાહને યોગ્ય દિશામાં લઈ જવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news