આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન પીએમ મોદીના હાથમાં, 5 દિવસમાં 20 સભા સંબોધશે

Gujarat Elections 2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલથી 5 દિવસ ગુજરાતના પ્રવાસે... વાપીમાં ચૂંટણી પ્રચાર સાથે 5 દિવસમાં ગુજરાતમાં સંબોધશે 20થી વધુ જનસભાઓ... સોમનાથ મહાદેવ ખાતે PM મોદી ઝુંકાવશે શીશ..

આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન પીએમ મોદીના હાથમાં, 5 દિવસમાં 20 સભા સંબોધશે

Gujarat Elections 2022 : મિશન 150 પ્લસના ટાર્ગેટ સાથે પ્રથમ તબક્કાની તમામ બેઠકો ભાજપના સ્ટાર પ્રચારકો ખુંદી વળ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, યોગી આદિત્યનાથ, અનુરાગ ઠાકુર, સ્મૃતિ ઈરાની સહિત અને કેન્દ્રના નેતાઓ તેમજ ભાજપના રાજ્યના ધારાસભ્યો પણ અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે પ્રધાનમમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી પાંચ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પાંચ દિવસ તેઓ ગુજરાતભરમાં 20 થી વધુ જનસભાઓ સંબોધશે. વાપીના ચલા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શો કરશે. દિલ્હીથી દમણ એરપોર્ટ પીએમ મોદી ઉતરાણ કરશે. જે બાદ દાબેલ ચેકપોસ્ટથી મુક્તાનંદ માર્ગ સુધી તેમના રોડ શોનું આયોજન છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે.

ભાજપના સૌથી દિગ્ગજ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ પ્રધાનમંત્રી મોદી સંભાળવાના છે. પીએમ મોદી 19 નવેમ્બરથી ગુજરાતમાં પ્રચારનો પ્રારંભ કરશે. ચૂંટણી પ્રચારના શ્રીગણેશ થઈ ગયા છે, ત્યારે 19 નવેમ્બરે PM મોદી ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી વલસાડ, સોમનાથ, વેરાવળ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં રોડ શો કરશે. જેમાં તેઓ 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરશે. વલસાડમાં પ્રધાનમંત્રી મોદી જનસભાને સંબોધન કરશે. તો 20 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદી ચાર જનસભા કરશે. 

વલસાડમાં ઝંઝાવાતી પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે વલસાડ જિલ્લામાં ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર કરશે. વાપીના ચલા વિસ્તારમાં પીએમનો ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાનના આગમનને લઈને વાપીમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. વાપીનો ચલા વિસ્તાર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો છે. સાંજે 7:00 વાગે વાપીના ચલામાં પીએમ મોદીનો રોડ શો નીકળશે. તો  સાંજે 8:00 વાગે વલસાડના જુજવામાં જંગી જાહેરસભા ગર્જાવશે. હાલ પીએમના કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરી ઓપ અપાઈ રહ્યાં છે. પીએમના રોડ શો અને જાહેરસભા વખતે લોખંડી સુરક્ષા બંદોબસ્ત રહેશે, જેમાં 9 એસપી, 17 ડી.વાય.એસ.પી, 40 પીઆઇ, 90 પી.એસ.આઇ સહિત 1500 પોલીસ કર્મીનો કાફલો તૈનાત રહેશે. 

ઉલ્લેખનીય છે કે, પીએમ સતત બીજી વખત ચૂંટણી પ્રચાર માટે વલસાડ જિલ્લાથી શરૂઆત કરી રહ્યાં છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારનો આરંભ પણ કપરાડાના નાનાપોંઢાથી કર્યો હતો. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતના દક્ષિણ તરફથી શરૂ થશે.

પીએમ મોદીનો ત્રણ દિવસનો પ્રચાર
19 નવેમ્બર, 2022
વાપીમાં રોડ શો, તેના બાદ સાંજે 7:30 વાગ્યે વલસાડમાં જનસભાને સંબોધશે. તેઓ રાત્રી રોકાણ વલસાડમાં કરશે.

20 નવેમ્બર, 2022
બીજા દિવસે રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે.
રવિવારે સવારે 11 વાગ્યે વેરાવળમાં, 12:45 વાગ્યે ધોરાજીમાં, બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને 6:15 વાગ્યે બોટાદમાં સભાને સંબોધન કરશે
રાત્રે ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે

21 નવેમ્બર, 2022
સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે

23 નવેમ્બર, 2022
મહેસાણા અને દાહોદમાં જનસભા, વડોદરા અને ભાવનગરમાં જનસભા

24 નવેમ્બર, 2022
બનાસકાંઠાના પાલનપુરમાં જનસભા, ગાંધીનગરના દહેગામમાં જનસભા, ખેડાના માતરમાં જનસભા અને અમદાવાદમાં જંગી જનસભા

અમિત શાહ પણ ગુજરાતમાં 
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પ્રચંડ પ્રચાર કરવાના છે. 20 અને 21મી નવેમ્બરે અમિત શાહ ગુજરાત આવશે. 20 નવેમ્બરે અમિત શાહ તાપીના નિઝર અને નર્મદાના ડેડિયાપાડામાં સભા કરવાના છે. આ આદિવાસી પટ્ટા પર ભારતીય જનતા પાર્ટી ખાસ ફોકસ કરી રહી છે. એટલે કે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અહીં પ્રચાર કરવાના છે. ડેડિયાપાડાથી હિતેશ વસાવા તો નિઝર બેઠક પર જયરામ ગામિત ભાજપના ઉમેદવાર છે. આ સાથે 21મી નવેમ્બરે અમિત શાહ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રચાર કરશે. જામ ખંભાળિયા, કોડીનાર, રાજુલા અને ભૂજમાં અમિત શાહની સભા રાખવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news