જોઈ લો આ ફોટો...શું રાજકોટ ગેમ ઝોન પર આ ઉચ્ચ અધિકારીઓની હતી મહેરબાની?

વડોદરા બાદ રાજકોટમાં પણ તપાસના નામે શરૂ થઈ ગયું છે એવું તરકટ કે માત્ર કડક તપાસનાં ભજન ગવાશે અને છેલ્લે અસલી જવાબદારો બચી જશે. કેમ કે, રાજકોટ આગકાંડમાં ભ્રષ્ટ બાબુઓને બચાવવાનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે. 

જોઈ લો આ ફોટો...શું રાજકોટ ગેમ ઝોન પર આ ઉચ્ચ અધિકારીઓની હતી મહેરબાની?

Rajkot Game zone Fire: રાજકોટના ગેમિંઝ ઝોનમાં 28 લોકો જીવતા સળગી ગયા અને તેમના સગા-વહાલાઓ રોઈ રોઈને થાકી ગયા પરંતુ ન્યાય કેવી રીતે મળશે તે એક મોટો સવાલ છે. કેમ કે, વડોદરા બાદ રાજકોટમાં પણ તપાસના નામે શરૂ થઈ ગયું છે એવું તરકટ કે માત્ર કડક તપાસનાં ભજન ગવાશે અને છેલ્લે અસલી જવાબદારો બચી જશે. કેમ કે, રાજકોટ આગકાંડમાં ભ્રષ્ટ બાબુઓને બચાવવાનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે. 

જી હા...રાજકોટ પોલીસે નોંધેલી ફરિયાદમાં એક પણ અધિકારીનું નામ લખવામાં આવ્યું નથી. ગુજરાતના જે લાખો લોકો ZEE 24 કલાક જોઈ રહ્યા છે તે દર્શકો ફરીથી સાંભળે. રાજકોટની પોલીસે નોંધેલી ફરિયાદમાં કોઈ પણ સરકારી અધિકારી કે સરકારી વિભાગનું નામ નથી. જ્યારે કે ગેમ ઝોનના સંચાલકોને પોલીસ અને ભ્રષ્ટ તંત્રએ જ પરવાનગી આપી હતી. જેમણે પરવાનગી આપી હતી તે ભ્રષ્ટ બાબુઓ સામે ફરિયાદ કેમ ના થઈ તે એક મોટો સવાલ છે. 

રાજકોટના પોલીસ કમિશનરે જ કબૂલ્યું છે કે ગયા વર્ષે જ પોલીસે મોતના ગેમઝોનને પરવાનગી આપી હતી તો પછી પરવાનગી આપનારા ભ્રષ્ટ અધિકારીઓ અને પોલીસ સામે ફરિયાદ કેમ નથી નોંધવામાં આવી? ફાયર વિભાગના અધિકારી, પોલીસ વિભાગના અધિકારી, કલેક્ટર ખાતાના અધિકારી, મહાનગર પાલિકાના અધિકારીઓ આ ગેમઝોન ચાલતો હતો ત્યારે તેઓ શું કરતા તે પણ જુઓ. ZEE 24 કલાક પર જુઓ. અમે એ અધિકારીઓને બતાવી રહ્યા છીએ જે અધિકારીઓ TRP ગેમ ઝોનમાં પરિવાર સાથે મજા માણવા માટે જતા હતા. ત્યારે ZEE 24 કલાક રાજકોટ આગકાંડ કેસમાં પૂછે છે સીધો સવાલ. કલેક્ટર, RMC કમિશનર અને પોલીસ કમિશનર જવાબ આપે. 

કેમ ભ્રષ્ટ સરકારી ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ નથી નોંધી? શા માટે ભ્રષ્ટ અને લાંચિયા બાબુઓને ક્લિનચીટ આપી દીધી? જનતા જાણવા માગે છે તપાસના નામે તમાશો કરવાનું કારણ શું છે. રાજકોટના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે આ ભ્રષ્ટ બાબુઓના પાપે લોકો મર્યા છે. પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ પણ કહ્યું અધિકારીઓની મીઠી નજર હતી. તો પછી ઝી 24 કલાક પૂછે છે સવાલ કેમ જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં નથી આવી. 

શું આવી રીતે મૃતકોના પરિવારજનોને ન્યાય આપવાનો છે? ભ્રષ્ટ બાબુઓને બચાવવાનો આવો જ ખેલ વડોદરાના હરણી બોટકાંડમાં પણ થયો હતો. વડોદરા બોટકાંડમાં પણ પોલીસે તંત્ર સામે FIR નોંધી નહોતી. જે બાદ હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો અને આખરે પોલીસે પોતાનું નાક કપાવીને જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધી. જો કે માત્ર ફરિયાદ જ નોંધાઈ છે. કાર્યવાહીના નામે કોને ફાંસી થાય છે અને કોણ આજીવન જેલમાં સડે છે તે હજુ જોવાનું બાકી છે. અને હવે રાજકોટમાં પણ ભ્રષ્ટ સરકારી વિભાગોમાં જનતાના ટેક્સમાંથી લાખો રૂપિયાનો પગાર લેતા અને એસીમાં બેસીને હપ્તારાજ ચલાવતા ભ્રષ્ટ બાબુઓને બચાવી લેવા માટે પોલીસે આકાશ પાતાળ એક કરી નાખ્યું છે. કેમ કે, કમિશનર ખુદ કહી રહ્યા છે કે પોલીસે જ પરવાનગી આપી હતી. તો હવે પોલીસ સામે પોલીસ ખુદ ફરિયાદ કેવી રીતે નોંધે? 

મંજૂરી આપનાર પર પોલીસ જ છે અને તપાસ કરનાર પણ પોલીસ જ છે. તો સ્વાભાવિક છે અત્યારે જે રાજકોટમાં તપાસ થઈ રહી છે તે માત્ર તપાસના નામે તરકટ ચાલી રહ્યું છે. કેમ કે, જવાબદાર અધિકારીઓ અને સરકારી વિભાગો સામે કોઈ પણ જાતની ફરિયાદ નોંધાઈ નથી. સમ ખાવ માટે પણ એકેય સરકારી અધિકારી કે કર્મચારીનું નામ ફરિયાદમાં લખવામાં આવ્યું નથી. હવે ગુજરાતની જનતા ખુદ વિચારે કે મૃતકોના પરિવાજનોને કેવી રીતે ન્યાય મળશે? જે લોકો ખુદ જવાબદાર છે તેમની સામે ફરિયાદ જ નથી નોંધાઈ તો તેઓ કોર્ટમાં શા માટે જાય અને તેમને કઈ અદાલત સજા આપશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news