રાતદિવસ દરિયો ખુંદતા માછીમારો માટે પોરબંદરના પ્રોફેસરે બનાવી એપ, સૌથી વધુ માછલીઓ ક્યા છે તે શોધી આપશે

Fish Finder App : માછીમારોને મદદ થવા માટે પોરબંદરના પ્રોફેસર ઝલક ઠકરાર એક ફિશ ફાઈન્ડર નામની એપ્લિકેશન તૈયાર કરી. દરિયામાં ક્યા માછલીઓ વધુ છે તે બતાવશે એપ. આ એપ કોઇપણ પ્રકારના ચાર્જ વગર કાયમી માટે ફ્રી ઓફ કોસ્ટ વાપરી શકાશે.....ભારતીય જળસીમાની પણ આપશે માહિતી

રાતદિવસ દરિયો ખુંદતા માછીમારો માટે પોરબંદરના પ્રોફેસરે બનાવી એપ, સૌથી વધુ માછલીઓ ક્યા છે તે શોધી આપશે

Porbandar News અજય શીલુ/પોરબંદર : માછીમારો દરિયામાં જ્યારે માછીમારી કરવા જાય છે ત્યારે તેઓને સૌથી વધુ માછલીઓનો જથ્થો ક્યાંથી મળશે તેની તેઓ સતત શોધખોળ કરતા હોય છે. માછલીઓ ક્યાં વધુ મળશે તેની જાણકારી ન હોવાથી સમય અને નાણાં બંનેનો વધુ માત્રામાં વ્યય થતો હોય છે. આવામાં નફાને બદલે નુકસાની સહન કરવાનો વારો છે. પોરબંદર સહિત રાજ્યના માછીમારોની આ સ્થિતિમાં સુધારો આવે અને તેને મદદરૂપ થઇ શકાય તે માટે પોરબંદરના એક પ્રોફેસર દ્વારા માછીમારો માટે ખૂબ જ મદદરૂપ એપ બનાવી છે. જે હાલમાં ટેસ્ટીંગ પિરિયડમાં છે. પરંતુ તે બહાર આવ્યા બાદ માછીમારોને મોટો ફાયદો થશે તે વાત નક્કી છે. 

કેટલાય દિવસોની મહેનત બાદ પણ ફિશ મળતી નથી 
ઉંચા ડીઝલના ભાવ અને દરિયામાં સતત ઘટતી માછલીઓની સંખ્યાને કારણે બોટ માલિકોને નફાને બદલે નુકસાની કરવાનો વારો આવી રહ્યો છે. ચાલુ સીઝનમાં પણ પોરબંદર બંદરમાં હાલમાં 80 ટકા બોટો માછીમારી માટે દરિયામાં જવાને બદલે બંદર પર લાંગરેલ જોવા મળી રહી છે. તેનું કારણ છે બોટ માલિકોની આર્થિક દયનીય સ્થિતિ. ઉંચા ડીઝલના ભાવ વચ્ચે માછીમારો આજે જ્યારે માછીમારી કરવા જાય છે ત્યારે તેઓને માછલીઓની શોધખોળ માટે 20 દિવસ જેટલો સમય લાગી જતો હોય છે. આમતેમ દરિયામાં દોડધામ કર્યા બાદ પણ પુરતો માછલીઓનો જથ્થો મળતો નથી. જેથી આ માછીમારી ઉદ્યોગ પડી ભાંગ્યો છે, તેમ કહીએ તો ખોટું નથી. 

એપની મદદથી માછલી શોધી શકાશે 
પોરબંદર સહિત રાજ્યના માછીમારોની આ સ્થિતિમાં સુધારો આવે અને તેઓને માછલીઓની શોધખોળ માટે દિવસો સુધી દરિયામાં રઝળપાટ કરવાને બદલે સહેલાઈથી વધુમાં વધુ માછલીઓનો જથ્થો મળી રહે તે માટે પોરબંદરના કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા પ્રોફેસર ઝલક ઠકરારે કમર કસી છે. આ પ્રોફેસરે વર્ષો સંશોધન અને સેટેલાઈટની મદદથી ‘ફિશ ફાઇન્ડર’ નામનું એક એપ્લીકેશન તૈયાર કર્યુ છે. જે આગામી સમયમાં માછીમારો માટે ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આ એપ વડે દરિયામાં કઇ જગ્યા પર માછલીઓ સૌથી વધુ જથ્થો છે તેની જાણકારી માછીમારોને મળશે. જેથી માછીમારોનો સમય અને ખર્ચ બંને ઘટશે અને તેઓને મોટો આર્થિક ફાયદો થશે. 

ક્યા સૌથી વધુ માછલીઓ છે તે જણાવશે એપ
પ્રોફેસર ઝલક ઠકરાર હાલમાં આ વિષય પર જ પીએચડી પણ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રોફેસર ડો.અતુલ ગોસાઇ કે જેઓ પ્રોફેસર ઝલક ઠકરારના ગાઇડ છે. તેઓની માર્ગદર્શન હેઠળ તેઓએ આ વિષય અંગે થીસીસ પણ તૈયાર કર્યું છે. તો સાથે જ તેઓએ જે માછીમારોને મદદરૂપ થવા માટે ફિશ ફાઇન્ડર એપ્લિકેશન તૈયાર કરી છે. 

જળસીમાનું પણ એલર્ટ આપશે એપ
આ એપ્લીકેશનમા માછલીઓનો જથ્થો ક્યાં સૌથી વધુ છે તે તો જાણી જ શકાશે, સાથે જ માછીમારો ભારતીય જળસીમા આગળ ન જાય તે માટે બાઉન્ડ્રી એલર્ટ વડે તેઓને સંદેશ આપશે. પ્રાથમિક ધોરણે આ એપમા પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઇ વિસ્તારના ડેટા માછીમારોને મળશે. માછીમારો તેને સહેલાઈથી વાપરી શકે તે માટે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા આ એપમા રાખવામાં આવી છે. આ એપ કોઇપણ પ્રકારના ચાર્જ વગર કાયમી માટે ફ્રી ઓફ કોસ્ટ વાપરી શકાશે. હાલમાં આ એપ ટેસ્ટીગ પીરીયડમાં છે. પરંતુ આગામી થોડા સમયમાં જ માછીમારો આ એપને વાપરી શકશે તેઓ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

ઉંચા ડીઝલના ભાવ વચ્ચે માછીમારો જે રીતે રાત દિવસ માછલીઓ માટે દરિયો ખુંદતા હોવા છતાં તેઓનાં હાથમાં માછલીઓનો જથ્થો નહીં આવતો હોવાથી તેઓ નુકસાની સહન કરી રહ્યા છે.આ એપ જો વહેલીતકે ઉપયોગમાં આવે અને માછીમારોને તેના ઉપયોગથી ફાયદો થશે તો મંદિની જાળમાં ફસાયેલ આ ઉદ્યોગ માટે આ એપ એક વરદાનરૂપ સાબિત થશે તેમ કહીએ તો જરાપણ ખોટું નથી તેમ કહી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news