છકડાચાલક હનુમાનભક્તની ઈમોશનલ કહાની: રિક્ષા, પત્નીના દાગીના પણ વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ!
જોકે આ કથામાં કેટલાક લોકો નિઃસ્વાર્થ ભાવે સેવા પણ કરી રહ્યા છે. તેમાંના એક છે છકડોરિક્ષાના ચાલક પાચાભાઈ ભરવાડ. જેઓ દરરોજ કથામાં આવતા હજારો લોકોને 200-250 લિટર દૂધની ચા નિઃસ્વાર્થ ભાવે પીવડાવે છે અને તેમની સેવાને ખુદ હરિપ્રકાશદાસ સ્વામીએ વ્યાસપીઠ પરથી બિરદાવી હતી.
Trending Photos
રાજકોટ: રેસકોર્સ મેદાનમાં હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે, જેમાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા વ્યાસપીઠ પરથી રોજ હજારો લોકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે કથાનો પાંચમો દિવસ છે અને અત્યારસુધી ચાર દિવસમાં કુલ 80 હજારથી વધુ લોકોએ આ કથા સાંભળી છે.
જોકે આ કથામાં કેટલાક લોકો નિઃસ્વાર્થ ભાવે સેવા પણ કરી રહ્યા છે. તેમાંના એક છે છકડોરિક્ષાના ચાલક પાચાભાઈ ભરવાડ. જેઓ દરરોજ કથામાં આવતા હજારો લોકોને 200-250 લિટર દૂધની ચા નિઃસ્વાર્થ ભાવે પીવડાવે છે અને તેમની સેવાને ખુદ હરિપ્રકાશદાસ સ્વામીએ વ્યાસપીઠ પરથી બિરદાવી હતી. પાચાભાઈએ સ્વામીને કહ્યું હતું કે પત્નીના દાગીના, છકડોરિક્ષા વેચી દઈશ, બાકી ચા તો પીવડાવીશ જ.
રિક્ષા ચલાવનાર પાચાભાઈએ જણાવ્યું હતું કે હું હનુમાન દાદા પર શ્રદ્ધા ધરાવું છું. દાદાએ મને સુઝાડ્યું છે, દાદાએ મને અહીં મોકલ્યો છે. દાદાએ કહ્યું કે તું સેવા કરવા જા, તારી સેવા થઈ જશે. માટે હું અહીં સેવા આપવા આવ્યો છું. અહીં રોજ 200થી 250 લિટર દૂધ આવે છે, જેમાં સાથે ચા-ખાંડ પણ અમે લાવીએ છીએ. હું રિક્ષા ચલાવીને મારું ગુજરાન ચલાવું છું. હું દાદાનું નામ લઈને સેવા કરી રહ્યો છું. એમાં દાદા પણ મને સાથ આપી રહ્યા છે.
આ પણ વાંચો:
પાચાભાઇની સેવાભાવના જોઈને સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ સ્વામીએ પાચાભાઈની સેવાની પ્રસંશા કરતાં વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે અહીં એક ભરવાડ બાપા આવ્યા છે, તેઓ દરરોજ બધાને ચા પીવડાવે છે. તેમની પાસે કંઈ નથી, છકડોરિક્ષા ચલાવે છે. તેમણે એવું કહ્યું હતું કે મારા ઘરવાળાના દાગીના અને છકડો વેચી દઈશ, બાકી ચા તો હું જ પીવડાવીશ.
કથા શરૂ થઈ એ પહેલાં અન્ય લોકોએ તેમને એવું કહ્યું કે દૂધ અને ચા-ખાંડ અમે આપીશું તો તરત જ તેમણે કહ્યું કે તો નથી પીવડાવી. બધું જ મારું હોય તો ચા પીવડાવીશ. મને ખાલી જગ્યા આપો. તપેલાં, ગેસ, ચા-ખાંડ અને માણસો પણ મારા અને પીવડાવીશ પણ હું.
સ્વામીજીએ કહ્યું હતું કે સેવા કરવા માટે માત્ર પૈસા જ મહત્ત્વવના નથી, પણ વ્યક્તિનો ભાવ ઉત્તમ હોવો જોઈએ અને એનું જીવતું ઉદાહરણ આપણી સામે રાજકોટના સામાન્ય પરિવારના વૃદ્ધ આ રિક્ષાચાલક છે.
ઉલ્લેખનીય છે કે ચોથા દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયો હતો, જેમાં હરિભક્તો તેમજ શ્રાવકો પોતાના ઘરે બનાવેલી વાનગીઓ બનાવીને આ ભવ્ય અન્નકૂટ ભગવાનને ધરાવ્યો હતો. જ્યારે આજે પાંચમા દિવસે શનિવારના રોજ સાંજે કથામાં ભવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે