રમેશચંદ્ર ફેફરનો કલ્કી અવતારના દાવા વિશે ડોક્ટર કહે છે, આવા લોકોને મહાનતાનો ભ્રમ થાય છે

રમેશચંદ્ર ફેફરનો કલ્કી અવતારના દાવા વિશે ડોક્ટર કહે છે, આવા લોકોને મહાનતાનો ભ્રમ થાય છે
  • આ એક પ્રકારનો મનોરોગ છે, જેને મેડિકલ સાયન્સની ભાષામાં પેરાનોઇડ ડીસઓર્ડર કહેવાય છે
  • ગામડાના તાંત્રિકો તેમજ નારાયણ સાંઈ અને રાધે મા જેવા લોકો પણ આ રોગના શિકાર હોવાનું મનોચિકિત્સકો માને છે

ગૌરવ પટેલ ઝી મિડિયા :છેલ્લા કેટલાક દિવસથી સિંચાઇ વિભાગના નિવૃત્ત અધિકારી રમેશચંદ્ર ફેફર (Rameshchandra Fefar) ચર્ચામાં છે. કારણ કે તેઓ પોતાની જાતને ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર તરીકે ઓળખાવે છે. તેમણે સિચાઇ વિભાગને પત્ર લખી વરસાદને રોકી રાખ્યો હોવાની જાણ કરી છે. જ્યારે તેઓ સિચાઇ વિભાગમાં નોકરી કરતા હતા, ત્યારે પણ સરકારને પત્ર લખી ધમકી આપી હતી કે જો તેમને પગાર ચૂકવવામાં નહિ આવે તો દુષ્કાળ લાવી દેશે. પત્રમાં તેઓએ લખ્યું હતું કે, મારો 16 લાખ રૂપિયા જેટલો લેવાનો બાકી રહેલો એક વર્ષનો પગાર અને મારા ગ્રેજ્યુટી રોકેલા રૂપિયા 16 લાખ રૂપિયા મને સત્વરે ચૂકવો. ત્યારે તેમના આ વલણ વિશે ઝી 24 કલાકે સાઈકોલોજિસ્ટ સાથે વાત કરીને જાણ્યું.

આવા લોકોને લાગે છે કે, હું જ સર્વસ્વ છું 
સાઇકોલોજીસ્ટ પ્રશાંત ભિમાણીએ રમંશચંદ્ર ફેફરને મનોરોગી ગણાવ્યા છે. પ્રશાંત ભિમાણીના કહેવા પ્રમાણે, આ એક પ્રકારનો મનોરોગ છે, જેને મેડિકલ સાયન્સની ભાષામાં પેરાનોઇડ ડીસઓર્ડર કહેવાય છે. આ રોગથી પીડાતા દર્દીને વ્યક્તિને મહાનતાનો મતીભ્રમ થાય છે. હું જ સર્વસ્વ છું અને મને ઇશ્વરે લોકોના કલ્યાણ માટે મોકલ્યો છે. મારા થકી ઇશ્વર લોકો સાથે વાત કરે છે. હું જે કહુ છુ તે થાય છે તેવા ભ્રમમાં તે રાચતો હોય છે. દર્દીના મગજમાં ખોટા વિચાર ભ્રમ વિશદવંશ તરીકે મનમાં રહેતા હોય છે. ખરેખર આ વ્યક્તિ દયાને પાત્ર છે, તેને સારવારની જરૂર છે.

આ એક પ્રકારનો માનસિક રોગ છે 
આ પ્રકારનો રોગ થવા અંગે પ્રશાંત ભીમાણી કહે છે કે, ન્યુરો ટ્રાન્સમીટરમાં ફેરફાર થતા, મનો રસાયણો અને ચેતા રસાયણોમાં ફેરફાર થતાં આ પ્રકારનો રોગ થાય છે. ઘણીવાર બાળપણમાં કેટલાક આઘાતજનક બનાવ બન્યા હોય અથવા આનુવંસિગ કારણ હોઇ શકે અથવા સ્ટ્રેસના કારણે લઘુતાગ્રંથી અનુભવાથી રિએક્શન સ્વરૂપે ઘટના બને. જેને ડિફેન્સીવ મિકેનિઝમ કહેવાય છે. જેમાં દર્દી પોતાને ભગવાન જગદગુરૂ અને ઉધ્ધારક તરીકે ઓળખાવે.

તાંત્રિકો અને બાબા પણ આવા રોગના શિકાર 
વધુમાં પ્રશાંત ભિમાણી કહે છે કે, આવા લોકોની સારવાર થઇ શકે છે. સાઇકો થેરાપી અને કાઉન્સેલિંગથી તેમની સારવાર થઇ શકે છે. તેમને સારવારની જરૂર નથી, પણ દુનિયાને સારવારની જરૂર છે. સમાજના લોકોને અપીલ કરતાં ભિમાણી કહે છે કે કોઇ અંધશ્રધ્ધામાં આવવાની જરૂર નથી. સમાજે આવા લોકોની ચુંગલમાં ફસાવવું નહિ. આ પ્રકારના લોકોને મનોચિકિત્સક પાસે લઇ જઈને સારવાર કરાવવી. કલ્કી અવતારના નામે માત્ર રમેશચંદ્ર ફેફર જ નહિ, પણ ગામડાના તાંત્રિકો તેમજ નારાયણ સાંઈ અને રાધે મા જેવા લોકો પણ આ રોગના શિકાર હોવાનું મનોચિકિત્સકો માને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news