ઉત્તરાયણ પછી સલામ કરો પક્ષીઓનું રેસ્ક્યુ કરતી ઇમરજન્સી સેવાને, કર્યું ગજબનું પુણ્યકામ
રાજ્યભરમાં ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. જોકે આ ઉત્તરાયણમાં કાચવાળી અને નાઈલોન દોરી ઘણાં પક્ષીઓ માટે મોતનું કારણ બની અને ઘણાં પક્ષીઓ આ દોરીના કારણે ઘાયલ થયા.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ : રાજ્યભરમાં ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. જોકે આ ઉત્તરાયણમાં કાચવાળી અને નાઈલોન દોરી ઘણાં પક્ષીઓ માટે મોતનું કારણ બની અને ઘણાં પક્ષીઓ આ દોરીના કારણે ઘાયલ થયા. ઘાયલ થયેલા પક્ષીઓને રાજ્યમાં વનવિભાગની ટીમ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સારવારની સુવિધા ઉભી કરાઈ હતી. આંકડાઓની વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે 108 ઇમરજન્સી સેવાને 1062 પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરવા કોલ આવ્યા આવ્યા હતા. આમ, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 54.59% કોલમાં વધારો નોંધાયો છે.
આ કોલની સંખ્યા પર એક નજર નાખીએ તો સૌથી વધુ કોલ અમદાવાદમાંથી 239, સુરતમાંથી 110, વડોદરામાંથી 89, ગાંધીનગરમાંથી 65 અને મહેસાણામાંથી 51 કોલ રેસ્ક્યુ માટે 108ને આવ્યા હતા. ગતવર્ષે 108 ઈમરજન્સી સેવાને રેસ્ક્યુ માટે માત્ર 687 કોલની સામે ચાલુ વર્ષે 1062 કોલ આવ્યા હતા જેમાં સૌથી વધુ કોલ ઘાયલ શ્વાન માટે આવ્યા છે. ઘાયલ શ્વાનના રેસ્ક્યુ માટે 431 અને કબુતર તેમજ બતકના રેસ્ક્યુ માટે 404 કોલ નોંધાયા હતા. આ સિવાય બિલાડીના રેસ્ક્યુ માટે પણ 30 કોલ તેમજ રખડતા ઢોર-ઢાંખરના રેસ્ક્યુ માટે 135 જેટલા કોલ 108 ઈમરજન્સી સેવાને આવ્યા હતા. આ તમામ કોલમાં 108 દ્વારા પશુ-પક્ષીઓને જરૂરી સારવાર આપવામાં આવી હતી.
ઉત્તરાયણમાં પતંગોની ઘાતક દોરી મુંગા પશુઓ માટે જીવલેણ સાબિત થાય છે. ત્યારે વિવિધ પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા ઘાયલ પશુઓની સેવા સારવાર માટે સેવા કેન્દ્રો શરૂ કરાયા છે. અમદાવાદમાં ઘાયલ પક્ષીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે વિવિધ સ્થળો પર રેસ્ક્યુ ફાઉન્ડેશન દ્વારા કેમ્પ શરૂ કરાયા હતા. ગુજરાતના અનેક વિસ્તારોની વાત કરીએ તો પંચમહાલમાં પક્ષીઓની સારવાર માટે ખાસ ટીમ કાર્યરત રહી હતી. આ દરમિયાન ઘણાં પક્ષીઓની સારવાર કરીને તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, અમદાવાદ, રાજકોટ, સુરતમાં પણ પક્ષીઓની સારવાર માટે વિવિધ કેમ્પ શરુ કરવામાં આવ્યા હતા. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન અહીં ઘાયલ પક્ષીઓની સારવાર કરીને તેમને પશુ દવાખાનામાં મોકલવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે