રૂબેલાની રસી મુક્યા બાદ 4 વિદ્યાર્થીઓની તબિયત લથડી, ઇડરની એક વિદ્યાર્થીનીનું મોત

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશ માં ૯ મહિના થી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને મીઝલ્સ –રૂબેલા આ બે બીમારીથી રક્ષણ મેળવી શકે તે હેતુસર મીઝલ્સ રૂબેલા રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. 

રૂબેલાની રસી મુક્યા બાદ 4 વિદ્યાર્થીઓની તબિયત લથડી, ઇડરની એક વિદ્યાર્થીનીનું મોત

જયેંદ્ર ભોઇ/ દેવ ગોસ્વામી : ભારત સરકાર દ્વારા સમગ્ર દેશ માં ૯ મહિના થી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને મીઝલ્સ –રૂબેલા આ બે બીમારીથી રક્ષણ મેળવી શકે તે હેતુસર મીઝલ્સ રૂબેલા રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓને રૂબેલાની રસી કરણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યભરમાં ચાલી રહેલા ઓરી રૂબેલા વિરોધી રસીકરણ કાર્યક્રમ દરમિયાન બાળકોમાં રસી મુક્યા બાદ ગભરામણ, ચક્કર આવવા જેવી ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર કન્યા શાળાની બાળકીઓને રસી મુક્યા બાદ ૪ બાળકીઓની પણ તબિયત લથડી હતી. 

જ્યારે ઇડરના ખોડમ ગામની ૧૧ વર્ષીય સ્નેહા રાઠોડને ઘેન ચઢ્યું હતું ત્યારબાદ ચક્કર,ઉબકા અને ઉલટી થવાની ફરિયાદ વધતા સ્નેહાના પરિવારે સારવાર માટે ઇડર લઇ જઇ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં જ તેનું મોત થયું હતું. પરિવારજનોએ પણ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રસી આપ્યા બાદ સ્નેહા બેચેન અને અસ્વસ્થ લાગતી હતી અને ગઈકાલ સાંજે વધુ ઉલટી થતા અમે સારવાર માટે લઇ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેનું મોત થયું છે.

એક વિદ્યાર્થીના વાલી યાસ્મીન પઠાણે જણાવ્યું હતું કે આજે સ્કુલમાં મારી છોકરીને રસી મુક્યા બાદ ચક્કર આવતા હતા ત્યારે હું તેને ઘરે લઇ ગઈ હતી પણ સારું ના થતા વેજલપુર દવાખાને લઇ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ અમને મોકલવામાં આવ્યા છે અને હાલ મારી છોકરીની તબિયત સારી છે . 

આ તમામ બાળકીઓને વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી જેમાં ૪ બાળકીઓ પૈકી ૧ બાળકીની હાલત ગંભીર થતા તે બાળકીને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં આ બાળકીને બાળરોગ નિષ્ણાત દ્વારા સારવાર આપવામાં આવી હતી. હાલ આ બાળકીની તબિયત સુધારા પર છે. ત્યારે રસી મુક્યા બાદ બાળકોમાં આ પ્રકારની ફરિયાદો કેમ ઉઠવા પામે છે તે યક્ષ પ્રશ્ન છે. 

વેજલપુર કન્યાશાળાના આચાર્ય ફતેસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આજે અમારી શાળામાં ઓરી રૂબેલા રસીકરણનો કાર્યક્રમ હતો. વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ આ રસી મુકવા માટે આવ્યો હતો. લગભગ ૬૦ બાળકોને રસી મુક્યા બાદ ૨ થી ૩ બાળકીઓને ચક્કરની અસર લાગી હતી, જેથી અમે તાત્કાલિક પી.એચ.સી માં કોલ કર્યો અને ડોકટરને બોલાવ્યા અને ત્યાં સારવાર આપી એક બાળકીને છાતીમાં ગભરામણ જેવું લાગ્યું જેથી વાલી સાથે પી.એચ.સી લઇ ગયા અને ત્યાંથી ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, હાલ બાળકીની તબિયત સારી છે. 

સમગ્ર ઘટના બાબતે જીલ્લા આરોગ્ય અધિકારીને પૂછતાં તેમને જણાવ્યું હતું કે ઓરી રૂબેલાની રસી મુકવાથી કોઈપણ પ્રકારની આડ અસર થતી નથી. આ રસીની એક બોટલમાંથી ૧૦ બાળકોને રસી મુકવામાં આવે છે. જો રસીની દવાથી જ આડ અસર થતી હોય તો બાકીના ૯ બાળકોને પણ આડ અસર થાય જ. પરંતુ આ રસી મુકાવવા માટે આવતા ૧૦ થી ૧૫ વર્ષના બાળકોની આ ઉમરે તેમનામાં ખાસ પ્રકારના હોર્મોન ના બદલાવ થતા હોય છે જેને લઈને તેઓ ઇન્જેકશનની સીરીઝને જોઇને ગભરાઈ જતા હોય છે. માટે માત્ર ગભરાઈ જવાથી જ આ પ્રકારે ચક્કર આવવા ગભરામણ થવાની ફરિયાદો ઉઠવા પામે છે. 

જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી એસ જી જૈને જણાવ્યું હતું કે પંચમહાલ જીલ્લામાં ઓરી રૂબેલા રસીકરણ અભિયાન હાલ ચાલી રહ્યું છે અત્યાર સુધી ૬૨૦૦૦ ઉપરાંત બાળકોને આ રસી મુકવામાં આવી છે આજે વેજલપુર ખાતે જે ઘટના બની તેમાં કોઈ દવાની આડ અસર નથી. માત્ર ગભરાઈ જવાથી બાળકીઓમાં ચક્કર આવવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેઓને સારવાર આપવામાં આવી છે અને હાલ તેઓની તબિયત સારી છે. આ પ્રકારનું થવાનું કારણ માત્ર ૧૦ થી ૧૫ વર્ષના બાળકોમાં જ જોવા મળે છે. જેનું કારણ છે આ ઉમરે તેમનામાં થતા હોર્મોન્સના બદલાવ અને આ સમયગાળા દરમિયાન તેઓ ગભરાઈ વધારે જતા હોય છે અને જેને લઈને જ આ ઘટનાઓ બને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news