કોરોનામાં મહિલાઓની માસિક ધર્મની સાયકલ થયા ફેરફાર, સરવેમાં મહિલાઓએ આપ્યા ચોંકાવનારા જવાબ

કોરોનામાં મહિલાઓની માસિક ધર્મની સાયકલ થયા ફેરફાર, સરવેમાં મહિલાઓએ આપ્યા ચોંકાવનારા જવાબ
  • સરવેમાં 54% સ્ત્રીઓએ સ્વીકાર્યું કે છેલ્લા એક વર્ષમાં સતત ચિંતા વધી
  • સ્ત્રીઓને ચિંતા, તનાવ, કામના બોઝને કારણે સફેદ સ્રાવની પરેશાની પણ વધી
  • 45% સ્ત્રીઓએ હોર્મોનલ ચેન્જિઝ થયાનું સ્વીકાર્યું 
  • 522 સ્ત્રીઓનું કાઉન્સેલિંગ કરતા ચોંકાવનારા તારણો આવ્યા સામે

ગૌરવ દવે/રાજકોટ :શરીર પર વ્યક્તિના મનની બહુ અસર પડતી હોય છે. છેલ્લા ઘણા સમયથી જે નિષેધક વાતાવરણ થયું છે, લોકોએ જે તણાવનો સામનો કર્યો છે તેની શરીર પર ખૂબ નિષેધક અસર થઈ. સ્ત્રીને હમેશા સહનશક્તિની એક મૂર્તિ તરીકે જોવામાં આવી પરંતુ આ સમયમાં સ્ત્રીઓની શારીરિક અને માનસિક દશા બગડી હોવાનું તારણ મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કાઢી શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હિરપરા ધારાએ અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં કાઉન્સેલિંગ માટે આવેલ ફોન અને રૂબરૂ સ્ત્રીઓની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો તો તેમાં સ્ત્રીઓએ કેવી સમસ્યાઓ અનુભવી અને કઈ સમસ્યાઓનો સામનો કરે તેનુ વિશ્લેષણ 522 સ્ત્રીઓ સાથેની વાતચીતમાં કરવામાં આવ્યું હતું. 

ચિંતામાં વધારો

હાલની પરિસ્થિતિને કારણે મહિલાઓ ચિંતાનો ભોગ બનેલ છે. તેમને પોતાના ઘરની ચિંતા, બાળકોની ચિંતા, દિવસ દરમિયાન કામ કરવું સાથે નોકરિયાત સ્ત્રીને બેવડી ચિંતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં આર્થિક મુશ્કેલીને કારણે પણ તે ચિંતા અનુભવે છે.કોઈ સ્વજનના મૃત્યુને કારણે સામાજિક અમે આર્થિક ચિંતામાં વધારો થયો. ઘર કઈ રીતે ચલાવવું એ આ સમયે એક ચેલેન્જ બની ગયું. 54% સ્ત્રીઓએ સ્વીકાર્યું કે છેલ્લા એક વર્ષમાં સતત ચિંતા વધી છે. 

માસિક સ્ત્રાવમાં પરિવર્તન

આ સમયે સ્ત્રીઓની માસિક ધર્મની સાયકલમાં ખૂબ પરિવર્તન જોવા મળ્યું. અનિયમિત પિરિયડ્સને કારણે તેનું કામમાં પણ ચિત્ત લાગતું નથી. તણાવ અને ચિંતાની સૌથી નિષેધક અસર સ્ત્રીના માસિક ધર્મ પર થઈ. 18% સ્ત્રીઓમાં આ સમસ્યાઓ જોવા મળેલ.

  • કિસ્સો 1 

એક કોલેજની યુવતી લોકડાઉનમાં ઘરે ગયા પછી સતત 2 મહિના સુધી માસિકધર્મમાં ન બેસતી. તેના ઘરના સભ્યોને એના પર શંકા બેઠી કે નક્કી એ છોકરીએ ન કઈક સંબધો બાંધ્યા છે પછી છોકરી સાથે ને ઘરના સભ્યોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. છોકરી સાથે વાત કરતા જણાવ્યું કે એને સતત ભય લાગે છે કે ઘરના સભ્યોને કોરોના થઈ જશે તો? કાઉન્સેલિંગ પછી તેનો ભય ઓછો થયો અને માસિકધર્મ શરૂ થયા. 

PCOS અને PCOD ની સમસ્યાઓ

ઘણી સ્ત્રીઓ આ સમયે પોલીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અને પોલીસ્ટિક ઓવરી ડિસઓર્ડરનો પણ ભોગ બની. આ બન્ને સમસ્યાઓ સ્ત્રીઓની ઓવરી (ગર્ભાશય)  સાથે સંકળાયેલ છે. 18% સ્ત્રીઓમાં આ પ્રકારની સમસ્યાઓ જોવા મળી.

  • કિસ્સો 2 

સતત ચિંતા અને ભય, તણાવને કારણે એક બહેનને PCOS ની સમસ્યા થઈ. શરીરમાં અનિયમિત ફેરફારો જોવા મળ્યા

સફેદ સ્રાવનું વધુ પ્રમાણ

સ્ત્રીઓને ચિંતા, તનાવ, કામના બોજને કારણે સફેદ સ્રાવની પરેશાની પણ વધી હોય તેવું જોવા મળી રહ્યું છે. જેને કારણે કમરનો દુઃખાવો સ્ત્રીઓને થઈ હોવાનું પણ જાણવા મળે છે. 522 માંથી 28% સ્ત્રીઓએ આ ઘટના બન્યાનું સ્વીકાર્યું હતું. 

  • કિસ્સો 3 

કોલેજની વિદ્યાર્થીની ને સતત ભયને કારણે સફેદ સ્ત્રાવ પડતો વાતચીત કરતા જણાવ્યું કે તેના પરિવારના ઘણા સભ્યોને કોઈક કે કોઈક બીમારી રહેતી. જેને લીધે કમરનો દુખાવો અને સફેદ સ્રાવનું પ્રમાણ વધ્યું.

હોર્મોન્સ પરિવર્તન

સ્ત્રીઓના હોર્મોન્સમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો. જેને કારણે શરીરમાં વધઘટ, પેટનો ભાગ ફુલાવો, સ્વભાવ ચીડિયો બનવો, બેચેની અનુભવવી, વાળ ખરવા, પરિણીત સ્ત્રીઓને જાતિયતામાં અરુચિ જેવી બાબતો સામે આવી. 45% સ્ત્રીઓએ હોર્મોનલ ચેન્જીઝ થયા હોય તેવું અનુભવ્યું.

  • કિસ્સો 4 

એક છોકરી જેનું પેટ સતત ફુલાતું ને ડોક્ટરને બતાવવા છતાં કઈ ફેર ન પડતો. વાત કરતા ખબર પડી કે તે ટીવી સિરિયલ જોતા અને ઇતિહાસના પાત્ર જોઈ તેને લાગતું કે મને પણ આશીર્વાદ મળ્યા છે અને હું ગર્ભવતી છું. આ બધું હોર્મોન પરિવર્તનને કારણે થયેલ જોવા મળ્યું. આવેગ અને વિચારોની અસર હોર્મોન્સ પર પડતી હોય છે.

સ્ત્રીઓમાં  જાતિય બાબતમાં વ્યાધિઓ

હાલની સ્થિતિમાં ઘણી પરિણીત સ્ત્રીઓને શારીરિક સંબંધ બાંધવામાં પણ અરૂચિ જોવા મળે છે. ડર અને ભય સાથે કામનું ભારણ સ્ત્રીઓને શારીરિક સંબધ બાંધવામાં અરુચિ ઉભી કરે છે. 63% સ્ત્રીઓએ જાતિય જાતિય બાબતમાં અરુચિ અને ચિંતા વ્યક્ત કરી.

  • કિસ્સો 5 

મારી પત્ની ખબર નહિ મારાથી ખૂબ જ દૂર રહે છે. એવું નથી કે એ મને પ્રેમ નથી કરતી પણ કારણ વગર જ કંઈક મુંજાતી હોય એવું લાગે છે. કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે એને બસ બીક લાગે છે. કારણકે એ બહેન પોતે કોવિડ ડ્યુટી કરતા હતા ને એને ભય હતો કે ક્યાંક તેના પતિને ચેપ લાગશે તો એ શું કરશે?

સતત માથું દુઃખવાની ફરિયાદ

આ સમયે સ્ત્રીઓની સતત માથું દુઃખવાની ફરિયાદો પણ સામે આવી. માથું દુઃખવાને કારણે ચીડિયાપણું અને બેચેનીનો અનુભવ પણ સ્ત્રીઓ કરી રહી છે. 67% સ્ત્રીઓએ માથું દુખવાની ફરિયાદ કરી.

  • કિસ્સો 6 

મારી મમી બસ સતત એક જ રટણ કરે છે કે એને બસ માથું દુઃખે છે. એ ટીવી, મોબાઈલ, શેનો પણ ઉપયોગ કરતી નથી. ગમે એટલી દવા લે પણ માથામાં કઈ ફેર નથી પડતો.

ભોજનમાં અવ્યવસ્થિત અને ચયાપચયમાં ગરબડ

ક્યારેક અતિશય ભૂખ અને ક્યારેક ભોજન અરુચિ વચ્ચે સ્ત્રીઓ પીસાતી જોવા મળી જેને કારણે શરીરના વજન અને ચયાપચયમાં પણ ફેરફાર થયો હોવાનું જાણવા મળ્યું. 27% સ્ત્રીઓને ભોજન બાબતમાં ગરબડ લાગી.

  • કિસ્સો 7 

એક 45 વર્ષની સ્ત્રીને સતત બસ ભૂખ લાગ્યા કરે અને જ્યારે જમે ત્યારે કન્ટ્રોલ બહારનું જમીને પછી સતત ઊલટીઓ કરે. વળી ફરી પાછું જમવાનું શરૂ કરી દે. વાત કરતા ખબર પડી કે એને બસ એવું હતું કે ભૂખ્યા રહીએ તો નબળાઈ આવે ને જમ્યા પછી જો પચે નહિ તો શરીર વધી જાય એટલે સતત બસ ભોજન પાછળ જ સમય જતો રહે.

મોનોપોઝ સમયમાં ફેરફાર 
કોરોનાના ભયને કારણે યુવાન સ્ત્રીઓમાં મોનોપોઝનું પ્રમાણ પણ વધ્યું છે. 522 સ્ત્રીઓ સાથેની વાતચીતમાં તેમજ કોલસેન્ટરમાં આવેલ ફોન મુજબ 13% સ્ત્રીઓને  મોનોપોઝ સમય પહેલા મોનોપોઝ અવસ્થામાં પહોંચી છે અથવા એવા લક્ષણો અનુભવ્યા. સતત ભય,  અસલામતી અને લાગણીઓ માં સંઘર્ષને કારણે સ્ત્રીઓ વેલી મોનોપોઝમાં આવી શકે છે. ઘણી સ્ત્રીઓ ભયને કારણે આનો શિકાર બની છે. 

માનસિક રીતે મજબૂત રહેવું જરૂરી

  • મહિલાઓએ આવી સમસ્યાઓનો સામનો કરવા માટે શુ કરવું જોઈએ.
  • સ્વસ્થ આત્મ વ્યુહ
  • રચના બનાવી જોઈએ. જે તેના માનસિક કારણોનું સંચાલન કરે છે જેથી શારીરિક રીતે થતા ફેરફારો પર નિયંત્રણ મૂકી શકે.
  • તણાવ ઉતપન્ન કરનાર ઘટકો વિશેની ઓળખ કરી તેની અસર ન થાય તે કાળજી રાખો
  • કોઈ પડકારને તક તરીકે સ્વીકારો
  • વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો
  • જેને બદલી ન શકાય તે સ્વીકારો અને જે બદલી શકાય છે તેને બદલો
  • તમે અન્ય ની સંભાળ રાખો છો તેમ તમારી જાત પર દયા રાખી તેની સંભાળ રાખો
  • કસરત કરવા સમય કાઢો
  • ફળો અને શાકભાજી ખાઓ 
  • તમારી જાતને નકારાત્મક બાબત પર ધ્યાન આપવાની મંજૂરી આપશો નહીં
  • વિધાયક અભિગમ કેળવો
  • પરિણીત સ્ત્રીઓએ માત્ર ઘરકામ પૂરતું સીમિત ન રહેતા પોતાના પર પણ ધ્યાન દેવાની જરૂર
  • નોકરી કરતી સ્ત્રીઓએ બધું મેનેજ કરવાની સાથે જાતનું પણ મેનેજમેન્ટ શીખવું
  • ખૂબ હસો અને હસાવો
  • થોડી તમારી પોતાની અંગત બચત રાખો
  • ગમતું કામ કરો જે તમને માનસિક સ્વસ્થ રાખે...
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news