શિક્ષણ વિભાગ આટલુ પણ કરી શક્તુ નથી, કોના વાંકે ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા બાળકો

વિકાસના મોટા મોટા દાવાઓ કરતી ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારમાં એક શાળાના ઓરડા પણ બનાવી શકતી નથી, તેનો તાદ્રશ્ય પુરાવો છોટાઉદેપુરના સરહદી ગામ દિયાવાંટમાં જોવા મળ્યો છે. 
શિક્ષણ વિભાગ આટલુ પણ કરી શક્તુ નથી, કોના વાંકે ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા બાળકો

છોટાઉદેપુર :વિકાસના મોટા મોટા દાવાઓ કરતી ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારમાં એક શાળાના ઓરડા પણ બનાવી શકતી નથી, તેનો તાદ્રશ્ય પુરાવો છોટાઉદેપુરના સરહદી ગામ દિયાવાંટમાં જોવા મળ્યો છે. 

શિક્ષણ મેળવવું બાળકોનો જન્મસિદ્ધ અધિકાર છે. એક બાજુ સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના સરહદી ગામોમાં શાળાના ઓરડા પણ બનાવી શકતી નથી. આનો તાદ્રશ્ય પુરાવો દિયાવાંટ ગામમાં જોવા મળ્યો. દિયાવાંટ પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણની શાળા આવેલી છે અને 98 બાળકોની રજીસ્ટર સંખ્યા છે અને ૩ શિક્ષકો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી શાળાના બે ઓરડા જર્જરિત થઈ ગયા છે. શાળામાં બાળકોને બેસાડી શકાય તેવી સ્થિતિ નથી. શાળા ઓરડાની દિવાલોમાં આરપાર દેખી શકાય તેવી તિરાડો જોવા મળે છે. દરવાજાની બારસાક ઉખડી ગઈ છે. તળિયું ઉખડી ગયેલું જોવા મળે છે, તો એક ઓરડામાં તો દિવાલમાં એવું ગાબડું પડી ગયું છે કે જાણે મોટું ટીવી મૂક્યું હોય તેવું લાગે. 

શાળાના ઓરડા બનાવવા માટે પાંચ વર્ષ પહેલાં દરખાસ્ત કરતા નવા ઓરડા મંજુર ન થાય ત્યાં સુધી જુના ઓરડા તોડવા નહિ તેવી શરતી મંજૂરી મળી હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું. 

હાલ તો શિક્ષકો દ્વારા બાળકોને વડલાના ઝાડ નીચે બેસળીને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે ચોમાસુ શરૂ થશે ત્યારે બાળકોને ક્યાં બેસાડવા તે પ્રશ્ન હાલ શિક્ષકો અને ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યો છે. 

આ વહીવટી તંત્રના અનગઢ વહીવટને કારણે આદિવાસી બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. જેથી દિયાવાંટ શાળાના ઓરડા ક્યારે બનશે તે આવનારો સમય જ બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news