હરણીકાંડ : ગુજરાત પોલીસનું એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ! બોટ કરુણાંતિકાની FIR માં મૃતકનું નામ, બે આરોપીનું એડ્રેસ ખોટું
Vadodara Boat Tragedy : વડોદરા બોટ દુર્ઘટનામાં થયેલી FIRમાં પોલીસની ગંભીર બેદરકારી...બિનીત કોટિયા અને હિતેશ કોટીયાનું સાચું એડ્રેસ જ પોલીસ પાસે નથી....FIRમાં નોંધાયેલા સરનામા વાળો 10 નીલકંઠ બંગલો 2021માં વેચી નાખ્યો હતો...બીજી બાજુ હિતેશ કોટિયા નામના આરોપીનું કોરોનાથી થયું છે મોત..
Trending Photos
Vadodara Boat Tragedy : ‘મજબૂત FIR દાખલ કરવા મુખ્યમંત્રીની સૂચના, કોઈને છોડવામાં નહીં આવે’ મસમોટી વાતો કરીને જનારા નેતાઓને મોંઢા પર તમાચા સમાન વાસ્તવિકતા બહાર આવી છે. સાહેબ કોઈકે લાડકવાયા ગુમાવ્યા છે, તમારી પર એ લોકોનાં આંધળો વિશ્વાસ છે કે તમે એમને ન્યાય અપાવશો પણ તમારી પોલીસે તો પહેલા બોલે જ છક્કો ફટકારી એવોર્ડ વિનિંગ પર્ફોમન્સ આપ્યું છે. ખરેખર ગુજરાત પોલીસે તો હવે હદ કરી દીધી. તમે શું કરશો તપાસ અને બાળકોને શું અપાવશો ન્યાય, થોડી તો ગંભીરતા રાખવી હતી. હરણી બોટ દુર્ઘટનામાં થયેલી FIR માં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. આ દુર્ઘટનાની ફરિયાદમાં બિનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું એડ્રેસ જ પોલીસ પાસે નથી. આ FIR માં નોંધાયેલા સરનામાવાળો નીલકંઠ બંગલો 2021માં જ વેચી દીધો હતો. આ બંગલામાં અત્યારે કોઈ બીજુ જ રહે છે. બે વર્ષ પહેલા જે બંગલો વેચાઈ ગયો તેનું એડ્રેસ FIRમાં લખવામાં આવ્યું છે. 2 નંબરના આરોપી હિતેશ કોટિયાનું કોરોનામાં મોત થયું છે. બતાવેલા એડ્રેસ પર આરોપી રહેતો જ નથી. જે એડ્રેસનો પોલીસ FIRમાં ઉલ્લેખ કરતા ખોટું હોવાથી પોલીસ કેવી રીતે આરોપીને પકડશે? તે મોટો સવાલ છે.
શું આ રીતે કાર્યવાહી કરશે પોલીસ
ગઈકાલે તો ગુજરાત સરકારે બડાશો હાંકી હતી કે, જવાબદારોને પકડવા પોલીસે 9 ટીમ બનાવી છે અને 2 આરોપી પૈકી 1 આરોપી હોસ્પિટલમાં દાખલ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યનો પ્રત્યેક પરિવાર એક-એક બાળકનો જીવ બચે તે માટે ઘરે બેઠા જેમાં આસ્થા હોય, પૂજા-અર્ચના-દુવા માગે. તળાવમાં બોટ ચલાવતી એજન્સી અને બોટ ચલાવનારાની ક્ષતિ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે. અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું, શું તમારી પોલીસ આ કાર્યવાહી કરી રહી છે. તમે ફરિયાદમાં જ પાક્કા નથી તો તમે ચાર્જશીટમાં કેટલા પાક્કા હશો એ સૌથી મોટો સવાલ ઉભો થયો છે. તમારી પર એ 12 બાળકો અને 2 શિક્ષિકાના પરિવારો કેવી રીતે ભરોસો મૂકશે. એમના લાડકવાયા પાણીમાં ડૂબી ગયા છે.
સાવ આવું, પોલીસે ઉતાવળમાં ફરિયાદ લખી નાંખી
આ દુર્ઘટના નથી પણ સદોષ માનવ વધ છે. તમે ઉતાવળમાં ફરિયાદ તો કરી દીધી છે પણ શું તમે ન્યાય અપાવી શકશો. વડોદરા હાલમાં માતમમાં ડૂબ્યું છે લોકોની આંખોમાંથી આંસુ સૂકાઈ રહ્યાં નથી. તમે એ ઘરે જુઓ જેમના પરિવારના લાડકવાયા આજે હયાત નથી. કાલે હોંશે હોંશે પિકનિક માટે મૂકીને ગયેલા વાલીઓના ઘર આજે સૂના બની ગયા છે. એ પરિવારો એમનો અવાજ સાંભળવા માટે તલસી રહ્યાં છે. મા બાપના ડૂસકાં સંભળાઈ રહ્યાં છે અને તમારી પોલીસ પર્ફોમન્સ પર પર્ફોમન્સ આપી રહી છે. ગઈકાલે એમ જ મુખ્યમંત્રી સયાજી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કેટલાકે ‘હાય હાય’ના નારા લગાવ્યા નહોતા. તમારે એ વિશ્વાસ જીતવો પડશે પણ તમારી પોલીસ પ્રથમ પ્રયાસમાં જ ફેલ થઈ ગઈ છે. અમે જાણીએ છીએ FIRનો મતલબ પણ તમારી પોલીસ સામે હવે સવાલો ઉભા થશે.
બે આરોપીઓની ધરપકડ કરાઈ
હર્ષ સંઘવીએ કાલે ભરોસો આપ્યો હતો કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તંત્રને કડક સૂચના આપી દેવામાં આવી હતી. વડોદરા હોડી દુર્ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. મુખ્યમંત્રીએ મજબૂત FIR દાખલ કરવા સૂચના આપી છે. કોઇ બચી ના શકે તેવી FIR નોંધવા આદેશ આપ્યા છે. શું આવી સૂચના અપાઈ હતી. બાળકોના ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ ઘટનામાં IPC 304, 308 અને 114 મુજબ ફરિયાદ દાખલ કરી લેવામાં છે. ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાઈ છે. જ્યારે બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. એક આરોપી હાલ હોસ્પિટલમાં દાખલ છે. તો અન્ય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસની અલગ અલગ 9 ટીમો બનાવાઈ ચૂકી છે અને કામે લાગી ચૂકી છે. અન્ય ફરાર આરોપીઓને પણ પકડી પાડીશું.' સાહેબ આ કાર્યવાહી કરવાનો સમય છે. હાલમાં એક જ માંગ હોય અને એક જ પ્રાર્થના હોય શકે કે બાળકોના ગુનેગારોને કડકમાં કડક સજા થાય. હોડીના કોન્ટ્રાક્ટર કે પેટા કોન્ટ્રાક્ટરને નહીં છોડીએ, કોન્ટ્રાક્ટર નહીં બચે, એની જવાબદારી છે તો એ જવાબદારી નિભાવો એવી ગુજરાતીઓની પણ આશા છે..
કોના વિરુદ્ધ ગુનો દાખલ?
મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો
(૧)બીનીત કોટીયા ઉ.વ.૩૨ રહે.૧૦, નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
(ર) હિતેષ કોટીયા ઉ.વ.૫૫ રહે. ૧૦,નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
(૩) ગોપાલદાસ શાહ ઉ.વ.૫૮ રહે.પી/૩ વૈકુઠ ફલેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા
(૪)વત્સલ શાહ ઉ.વ.૨૫ રહે એન/૨૦ પાર્વતીનગર સોસાયટી સ્વામીનારાયણ નગર -૪ સામે હરણી રોડ વડોદરા શહેર
(૫) દિપેન શાહ ઉ.વ.૨૪ રહે.૬૪,પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા
(૬)ધર્મીલ શાહ ઉ.વ.૨૭ રહે. ૬૪, પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા
(૭)રશ્મિકાંત સી. પ્રજાપતિ ઉ.વ.૪૬ રહે.૩૮,કર્મવીરવિલા સંતરામ ડેરી રોડ વડોદરા
(૮)જતીનકુમાર હરીલાલ દોશી ઉ.વ.૬૪ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા
(૯)નેહા ડી.દોશી ઉ.વ.૩૦ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા
(૧૦)તેજલ આશિષકુમાર દોશી ઉ.વ.૪૬ રહે. ૨૪, વ્રજવિહાર સોસાયટી એરપોર્ટ, હરણી રોડ વડોદરા
(૧૧) ભીમસિંગ કુડિયારામ યાદવ ઉ.વ.૩૬ રહે.બી/૧૪ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગરઆજવારોડ વડોદરા
(૧૨)વૈદપ્રકાશ યાદવ ઉ.વ.૫૦ રહે.એ/૩ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગર, આજવારોડ વડોદરા
(૧૩) ધર્મીન ભટાણી ઉ.વ.૩૪ રહે.૩૪,અંબે સોસાયટી સનસાઇન હોસ્પિટલ,દિવાળીપુરા વડોદરા
(૧૪)નુતનબેન પી.શાહ ઉ.વ.૪૮ રહે.એન/૨૦, પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર- ૪,હરણી રોડ વડોદરા
(૧૫)વૈશાખીબેન પી.શાહ ઉ.વ.૨૨ પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર-૪,હરણી રોડ વડોદરા
(૧૬) મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી તથા (૧૭)બોટ ઓપરેટર નયન ગોહિલ તથા
(૧૮)બોટ ઓપરેટર અંકિત નામનો માણસ જેના પુરા નામ સરનામાની ખબર નથી તેની સામે પણ કાર્યવાહી કરાઈ છે.
કોઈ પણ એડવોકેટ આરોપીનો કેસ નહીં લડે
વડોદરાના વકીલ મંડળએ મહત્વનો નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ કે, કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહી લડે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ગોઝારી દૂર્ઘટનાના પગલે વકીલ મંડળે સરાહનીય નિર્ણય કર્યો છે. વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહી લડે તેવો એકાત દર્શી નિર્ણય લેવાયો છે
કઈ કઈ કલમ લગાવાઈ
IPCની કલમ 304 – હત્યા ન ગણાય તેવા ગુનામાં મનુષ્યવધ માટે સજા. આ ગુનામાં 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 308 – ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ જેમાં સાત વર્ષ ની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 337 – પોતાની ભુલથી બીજા લોકોના જીવ જોખમમાં મૂકવા. આ કલમ હેઠળ વધુમાં વધુ 6 મહિનાની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 338 – કોઈ ભયજનક પ્રવૃત્તિ કરીને બીજાના જીવને જોખમમાં મુકવો. આ કલમ હેઠળ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 114 – ગુનાના સમયે વ્યક્તિની હાજરી હોવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે