અયોધ્યા જવા ખાસ ટુર પેકેજ ઓફર કરાયા, 25 માર્ચ સુધીનું બુકિંગ ફુલ
Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં જવા માટે ટૂર ઓપરેટરો પ્રવાસીઓને કરી રહ્યા છે ખાસ પેકેજની ઓફર...પ્રવાસીઓમાં અયોધ્યાના પેકેજ બુક કરાવવા ભારે ઉત્સાહ...5 રાત્રિ અને 6 દિવસનું ફ્લાઈટ સાથેનું 25 હજાર સુધીનું પેકેજ...
Trending Photos
Ayodhya Ram Mandir Prana Pratishtha : હાલ સૌ કોઈ અયોધ્યા જવા આતુર છે. ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ બાદ પરત ફર્યા હતા તે સમયે દેશમાં દિવાળી જેવો માહોલ હતો. બસ, એ જ ઉત્સાહ ફરીથી દેશમાં જોવા મળ્યો છે. અયોધ્યમા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા હાલ સૌ કોઈ તૈયાર છે. આ માટે જ ટુર્સ એન્ડ ટ્રાવેલ સંચાલકોએ પણ વિવિધ પેકેજની જાહેરાત કરી છે.
5 રાત્રિ અને 6 દિવસનું ફ્લાઈટ સાથેનું 25 હજાર સુધીનું પેકેજ
અયોધ્યામાં રામ મંદિરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રવાસન ક્ષેત્ર માટે ઉજળી તકો લાવ્યું છે. પ્રવાસીઓને આકર્ષવા ટુર ઓપરેટરો અયોધ્યા માટે ખાસ પેકેજ ઓફર કરી રહ્યા છે. રામ મંદિર વૈશ્વિક ઓળખ બની હોવાથી સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓમાં પણ અયોધ્યાના પેકેજ બુક કરાવવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદથી અયોધ્યાની સિધી ફ્લાઈટ હોવાથી માર્ચ સુધીના બુકિંગમાં ધરખમ વધારો નોંધાયો છે. 5 રાત્રિ અને 6 દિવસનું ફ્લાઈટ સાથેનું 25 હજાર સુધીનું પેકેજ છે. જેમાં 25 જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીના બુકિંગમાં વધારો થયો છે. 2 નાઈટ અયોધ્યામાં અને 2 નાઈટ કાશીમાં હોવાના પેકેજની પણ માગમાં વધારો જોવા મળી રહ્યો છે. શિવ અને રામના ભવ્ય મંદિર સાથે હવે પ્રવાસનને પણ વેગ મળી રહ્યો છે. સનાતન ધર્મ સાથે જોડાયેલા સ્થળ હોવાથી વિદેશના લોકોમાં પણ ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
સનાતન ધર્મ સાથે સંકળાયેલ સર્કિટ હોવાના કારણે વિદેશના લોકો પણ જોડાયા
અમદાવાદથી અયોધ્યાની સીધી ફ્લાઇટ જાહેર કરાઈ છે. તેથી ગુજરાતથી અયોધ્યા જવાના માર્ચ સુધીના બુકિંગ થઈ ગયા છે. અયોધ્યામાં રામ અને કાશીમાં શિવ મંદિરના કારણે સનાતન ધર્મની નવી સર્કિટ ઉભી થઈ છે. આ વિશે ટુર ઓપરેટર મનીષ શર્માનું અયોધ્યા ટુર પેકેજ અંગે જણાવ્યું કે, હાલ અયોધ્યા સાથે વારાણસી સર્કિટની માંગ વધુ જોવા મળી રહી છે. 2 નાઇટ અયોધ્યા 2 નાઇટ કાશીના પેકેજ બૂક કરાઈ રહ્યાં છે. અયોધ્યા-કાશી માટે માર્ચ સુધીનો ધસારો જોવા મળી રહ્યો છે. શિવ અને રામ બંને મંદિરની આ સર્કિટ બની રહી છે. ભૌગોલિક સ્થિતિના કારણે ચારધામ માટે વધુ લોકો જતા હોય છે. સનાતન ધર્મ સાથે સંકળાયેલ સર્કિટ હોવાના કારણે વિદેશના લોકો પણ જોડાઈ રહ્યા છે.
22મી જાન્યુઆરીના કાર્યક્રમની તૈયારીઓ સમગ્ર દેશમાં
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ દેશભરમાં આ માટેનો ઉત્સાહ વહી રહ્યો છે. 22મી જાન્યુઆરીના કાર્યક્રમની તૈયારીઓ સમગ્ર દેશમાં થઈ રહી છે. ઐતિહાસિક મહોત્સવ માટે અયોધ્યામાં અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન પ્રધાનમંત્રીના એક ટ્વિટથી લોકોના ઉત્સાહમાં વધારો થયો છે. દેશભરમાં લોકોને આમંત્રણ મોકલાઈ રહ્યાં છે. સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું તિર્થધામ બની રહેનારા અયોધ્યા રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ આગામી તારીખ 22મી જાન્યુઆરી 2024 ના રોજ યોજાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્યાતિભવ્ય સમારોહમાં ફક્તને ફક્ત આમંત્રિતો જ ઉપસ્થિત થઇ શકશે. અયોધ્યા રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે દેશના ખૂણેખૂણામાંથી ગણ્યમાન્ય વ્યક્તિઓ તેમજ રામ મંદિર નિર્માણ કાર્યમાં રૂ.25 લાખ કે તેનાથી વધુનું દાન આપનારા દાતાઓને જ આમંત્રણ કાર્ડ પાઠવવામાં આવી રહ્યા છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 25 અગ્રગણ્ય સાધુ સંતોને પણ અયોધ્યા ખાતેથી સત્તાવાર રીતે નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદો, રાજ્યસભાના સાંસદો, ભાજપના વરિષ્ઠ નેતાગણ વગેરેને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે. સુરતમાંથી 4 જાન્યુઆરી સુધીમાં કુલ 13 લોકોને અયોધ્યા ખાતે તા.22મી જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર રીતે નિમંત્રણ મળ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે