ગુજરાતના ધોરણ-12ના લાખો વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત, આ તારીખે લેવાશે પરીક્ષા
Trending Photos
- આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે
- ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈ પણ આજ તારીખથી લેવામાં આવશે
ઝી મીડિયા/બ્યૂરો :ધોરણ12ની પરીક્ષા અંગેની ચર્ચા માટે આજરોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. જેમાં નક્કી થયા પ્રમાણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ની પરીક્ષાઓ હાલની પદ્ધતિ પ્રમાણે જ લેવામાં આવશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા તારીખ 1 જુલાઈથી ચાલુ થશે. ગુજરાતના 6 લાખ 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બહુ વિકલ્પ અને ભાગમાં ત્રણ કલાકની પરીક્ષા રહેશે. સાથે જ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે. તેમજ ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે.
- દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે.
- સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે
- વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે
- કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે
- વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે
- સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે
આ પણ વાંચો : રાજકોટમાં સ્થિતિ વધુ ગંભીર, બ્લેક ફંગસના દર્દીની દરેક વિગત દિલ્હી મોકલાશે
પરીક્ષા કેન્દ્રોમાં વધારો કરાશે
આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ ર૦ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે.
કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે ફરીથી લેવાશે પરીક્ષા
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.૧/૭/ર૦ર૧થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે.
આ પણ વાંચો : હાઈકોર્ટે કોર્પોરેશનની ઝાટકણી કાઢીને પૂછ્યું, ફાયર NOC ના હોય તેવી હોસ્પિટલમાં દર્દીને દાખલ જ કેમ કર્યા?
ધોરણ-10ના રિપીટરની પરીક્ષા પણ 1 જુલાઈએ લેવાશે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, કોરોના ગ્રસ્ત વિદ્યાર્થીઓની પરીક્ષા નિયત સમયમર્યાદામાં ન આપી શકે તો તેઓની પરીક્ષા 25 દિવસ પછી લેવામાં આવશે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈ પણ આજ તારીખથી લેવામાં આવશે. તેમણે નવા શૈક્ષણિક સત્ર વિશે કહ્યું કે, શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર અંગે સરકાર બે-ત્રણ દિવસમાં નવી ગાઇડલાઇન જાહેર કરશે. ફીના ધોરણથી માંડીને પ્રવેશ અને શાળાનું સંચાલન તમામ વસ્તુઓ નવી ગાઇડલાઇનમાં સમાવેશ કરાશે. ધોરણ 10 ના વિધાર્થીઓને પરીક્ષા ફી પરત આપવા સરકારનો કોઈ નિર્ણય નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે