રાજ્યસરકારનો મહત્વનો નિર્ણય, આ યોજના હેઠળ વડિલોને ચુકવાશે 75 ટકા સુધી સહાય

પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઈ મોદીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજનાનો લાભ વધુ વરિષ્ઠ નાગરિકો મેળવી શકે તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે

રાજ્યસરકારનો મહત્વનો નિર્ણય, આ યોજના હેઠળ વડિલોને ચુકવાશે 75 ટકા સુધી સહાય

બ્રીજેશ દોશી, ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રાજ્યના વરિષ્‍ઠ નાગરિકો-સિનીયર સિટીજન્‍સને તીર્થધામોના દેવદર્શન કરાવવાની આ રાજ્ય સરકારની વિશિષ્‍ટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત ગૌરવ દિવસથી આ યોજનાનો શુભારંભ કરાવ્યો છે. વરિષ્‍ઠ વડિલોનું યાત્રાપૂણ્ય સાડા 6 કરોડ ગુજરાતીઓના સમગ્ર ગુજરાતના વિકાસ, શાંતિ સલામતિ સમૃધ્‍ધિને સમર્પિત કરવાની ખેવના સાથે આ યોજનાનું વધુને વધુ વડીલો લાભ લઈ શકે તે આશયથી રાજ્ય સરકારે યોજનાના ધારાધોરણોમાં નોંધપાત્ર ફેરફારો કર્યાં છે, તેના પરિણામે વધુને વધુ વડીલો આ યોજનાનો લાભ લઈ શકશે.

પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઈ મોદીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજનાનો લાભ વધુ વરિષ્ઠ નાગરિકો મેળવી શકે તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. આ યોજના હેઠળ હાલમાં એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.)નું ભાડું અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની 50 ટકા રકમ સહાય આપવામાં આવતી હતી, તેના બદલે હવે એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), એ.સી. કોચ, સ્લીપર કોચનું ભાડુ અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની 75 
ટકા કે તેથી વધુ રકમની સહાય અપાશે. 

તેમણે ઉમેર્યું કે, ગુજરાતના યાત્રાધામોના બે રાત્રિ અને ત્રણ દિવસ (60 કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો હતો, જેના બદલે હવે ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (72 કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત 75 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક એટેન્ડન્ટને તે 60 વર્ષથી નીચેની ઉંમરના હોય તો પણ લઈ શકતા હતાં, તેમાં સુધારો કરીને હવે 70 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના એટેન્ડન્ટને લઈ જઈ શકશે. 

મંત્રીએ ઉમેર્યું કે, વડીલો અરજીમાં યાત્રા ક્યારે કરવા માંગે છે, તે સ્પષ્ટ દર્શાવવાનું હતું અને મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન અથવા મંજૂરી મળ્યા બાદ બે માસમાં યાત્રા કરવાની જોગવાઈ હતી અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ ગણાતી હતી, અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી મંજૂરી મેળવવાની રહેતી હતી તથા આવી મંજૂરી મેળવ્યા વિના કરેલ યાત્રા માટે સહાય મળવાપાત્ર થતી નહોતી, જેના સ્થાને હવે યાત્રાની તારીખના એક અઠવાડિયા પૂર્વે અરજી કરવાની રહેશે અને મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમિયાન અથવા મંજૂરી મળ્યા બાદ બે માસમાં યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે, અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી મંજૂરી મેળવવાની રહેશે. આવી મંજૂરી મેળવ્યા વિના કરેલ યાત્રા માટે સહાય મળવાપાત્ર થશે નહીં.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 30 વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય ગણાતી હતી, તેના સ્થાને હવે ઓછામાં ઓછા 27 વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય ગણી લાભ આપવામાં આવશે. તેમજ  એસ.ટી. ની સુપર બસ (નોન એ.સી.)/એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.) અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની 50 ટકા રકમની સહાય મળતી હતી, જે હવે બસના ભાડાની સહાય ઉપરાંત અન્ય સગવડો જેવી કે, ભોજન તેમજ રોકાણની સુવિધા માટે યાત્રાના દિવસ મુજબ વ્યક્તિદીઠ અમુક ઉચ્ચક રકમની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. જો વ્યક્તિ આધારકાર્ડની સ્વયં પ્રમાણિત નકલ રજુ કરેલ હોય તો તેને બે પાસપોર્ટ સાઈઝના ફોટા રજુ કરવાની જરૂરીયાત રહેશે નહીં તેમ અગાઉ ઠરાવવામાં આવ્યું હતું પરંતુ હવે લાભાર્થીએ આધારકાર્ડ ફરજિયાત રજૂ કરવાનું રહેશે. 

મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ એસ.ટી. ડેપો ખાતેથી શ્રવણ તીર્થ દર્શન યોજના અંગેની એસ. ટી. નિગમ અથવા માન્ય ખાનગી ટ્રાવેલ્સની બસો મારફતે અરજી એસ.ટી. ડેપો ખાતેથી સ્વીકારવામાં આવતી હતી,  જેમાં ડેપો મેનેજરે આ અરજીઓની ચકાસણી કરતા હતાં અને પ્રવાસ પૂર્ણ થયા બાદ આ અંગેની દરખાસ્ત સંપૂર્ણ વિગત સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને મોકલતા હતાં, જેના પેટે એસ.ટી.ના ડેપો મેનેજરને એસ.ટી.ની કે ખાનગી ટ્રાવેલ્સની બસ હોય તે પ્રત્યેક બસ દીઠ રૂ।. 500/- (અંકે રૂપિયા પાંચસો પૂરા)ની પ્રોત્સાહક રકમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચૂકવવામાં આવતી હતી. જેના બદલે હવે ગુજરાત વાહન વ્યવહાર નિગમની 16 વિભાગીય કચેરીઓમાં બોર્ડના એક-એક પ્રોજેક્ટ આસિસ્ટન્ટની નિમણૂંક કરવામાં આવશે, જે એસ.ટી/ખાનગી બસ મારફતે પ્રવાસની અરજીઓ સ્વીકારશે તેને મંજૂરી માટે બોર્ડ ખાતે મોકલાવશે. પ્રત્યેક બસ દીઠ રૂપિયા 500/-ની પ્રોત્સાહક રકમ ગ્રુપ લીડર/કો-ઓર્ડીનેટર/તલાટી/સરપંચ/પ્રોજેક્ટ આસિસ્ટન્ટને ચૂકવવામાં આવશે, આમ રોજગારની નવી તકો પૂરી પાડવાનો પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગરીબ-મધ્‍યમ વર્ગના લોકો આર્થિક સંકડામણના કારણે ધર્મ સ્‍થળોના પ્રવાસથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વૃધ્‍ધ વરિષ્‍ઠ નાગરિકો રાહત દરે યાત્રાધામોના દર્શન કરી શકે તે માટે અમલમાં મુકાઈ છે. સમગ્ર દેશમાં આ પ્રકારની યોજના સૌ પ્રથમ ગુજરાતમાં શરૂ કરાઇ છે ત્યારે આ યોજનાનો વધુને વધુ વરિષ્‍ઠ નાગરિકોને લાભ લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news