ગુજરાતમાં રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન યોજાશે, વિજેતાઓને મળશે લાખો રૂપિયાનો રોકડ ઈનામો
ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર મહિનામાં ગ્રામ્ય કક્ષાએથી લઈને રાજ્યકક્ષાએ સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવશે. જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગરઃ સૂર્ય નમસ્કાર અને યોગ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. શરીરને ફિટ તથા તંદુરસ્ત રાખવા માટે સૂર્ય નમસ્કાર અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. સદીઓ પહેલા આપણા સાધુ-સંતોએ આપણને સૂર્ય નમસ્કારની ભેટ આપી છે. સૂર્ય નમસ્કાર દરરોજ સવારે કરવાથી દિવસની શરૂઆત પણ સારી રહે છે. સૂર્ય નમસ્કારના સ્વાસ્થ્ય લાભ પણ છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન હાથ ધરવામાં આવશે. આ સાથે વિજેતાઓને લાખોના રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ કે, સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન થશે અને અંદાજે ૨ કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે. આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન અંતર્ગત તા.૬ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે. જેનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા તા.૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. તા.૧૫ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય તથા નપા / મનપા વોર્ડ કક્ષા સ્પર્ધા, તા.૧૯ ડિસેમ્બરના રોજ તાલુકા તથા ઝોન કક્ષા સ્પર્ધા, તા.૨૪ ડિસેમ્બરના રોજ જીલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને તા.૨૯ ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે.
મંત્રીએ ઉમેર્યુ કે, સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧, તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂા. ૧૦૦૦ તેમજ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે.
મંત્રીએ વધુ મહિતી આપતા જણાવ્યુ કે, રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડિજિટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યુ કે, સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.૧-જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે. એટલુ જ નહિ, આ જ દિવસે સમગ્ર રાજ્યમાં જિલ્લા/મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ ૧૯૦ જેટલા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લઇ નવા વર્ષના સૂર્યના કિરણને આવકારતા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજાશે.
નોંધનીય છે કે, ભારતીય સંસ્કૃતિની દેન “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા વિશ્વભરના નાગરિકોની આરોગ્ય સુખાકારીના ઉમદા હેતુથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૮મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા પ્રસ્તાવ મુક્યો હતો. જેને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુરી મળતા સમગ્ર વિશ્વમાં તા.૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, નાગરિકો યોગ કરતા થાય, નાગરિકો નિરોગી રહે અને સમગ્ર ગુજરાતમાં યોગમય માહોલ ઉભો થાય તેમજ યોગ પ્રવૃત્તિને વધુને વધુ વેગ મળે તે ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ”ની રચના કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે