દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમો થયો હતો મોગલ માનો જન્મ, જાણો તેનો ઈતિહાસ

ગુજરાતમાં મોગલ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં છે. મોગલ માતાજીના ઘણા મંદિરો રાજ્યમાં આવેલા છે. આજે અમે તમને મોગલ માતાજીના જન્મસ્થળ એવા ભીમરાણા મોગલ ધામ અને માતાજીના ઈતિહાસ વિશે માહિતી આપીશું. 
 

દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમો થયો હતો મોગલ માનો જન્મ, જાણો તેનો ઈતિહાસ

દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં મોગલ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં છે. તો ગુજરાતમાં મોગલ માતાજીના ઘણા મંદિરો પણ આવેલા છે. જેમાંથી કચ્છના કબરાઉ, પછી ભગુડા મોગલ ધામ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમાં આવેલું મોગલ ધામ. દ્વારકા જિલ્લાનું ભીમરાણા ગામ મોગલ માતાજીનું જન્મસ્થાન માનવામાં આવે છે. આ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા પહોંચે છે. આજે આપણે મોગલ ધામ ભીમરાણાની વાત કરીશું. 

મોગલ માતાજીનું જન્મસ્થાન
મોગલ માના પિતા એટલે ‘દેવસુર ધાંધણીયા’ અને માતા એટલે ‘રાણબાઈ મા’. કહેવામાં આવે છે કે માતાજીનો જન્મ થયો ત્યારે તેઓ બોલતા નહોતા. એ સમયે બધા કહી રહ્યાં હતા કે મોગલ મુંગા છે. મોગલ માતા પોતાના ગામ ભીમરાણામાં મોટા થવા લાગ્યા હતા. જ્યારે તેઓ 40 વર્ષના હતા ત્યારે તેમને લગ્ન થયા હતા. મોગલ માતાજીની જાન જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગોરડિયા ગામેથી આવી હતી. ધામધૂમથી તેમના લગ્ન થયા હતા. કહેવાય છે કે તે સમયે રિવાજ હતો કે દીકરીની સાથે કામ કરવા અન્ય કોઈ છોકરીને મોકલવામાં આવતી હતી. આઈ વાંજિને મા મોગલની સેવા કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જાન જૂનાગઢ જવા માટે નીકળી ગયા. રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલો પૂછ્યા પણ તે બોલ્યા નહિ પછી ચારણ અને આઈ વાંજિ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.જાન આવતા મોગલમાના સાસરિયામાં ચારણને થયું કે મેં વાંજિને સાબાશી નથી આપી માટે ચારણ વાંજિની બાજુ મા ગયા અને તેમને કહ્યું કે વાહ વાંજિ તું તો કામની બાઈ લાગે છે.એમ કહીને તેની સાથે તાળી લીધી. ચારણ સમાજમાં રિવાજ છે કે કોઈ પર સ્ત્રીને અડાય નહિ. 

આ જોતા જ મોગલ આઈ કે જેઓ 40 વર્ષથી બોલતા ન હતા એ બોલી ઉઠ્યા એ ચારણ આ તો આપણી બેન દીકરી કહેવાય એની તાળી ન લેવા.એટલું કહેતા મોગલનું આ મહાકાળીરૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડયા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે.

વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે ‘તાર તોય મારી તું ને માર તોય મારી તું’ એટલે માંએ દયા દેખાડી વાંજીને ખોળામાં લીઘી હતી. તો આ કારણે વાંજિ આજે પણ ભીમરાણા મોગલ મા સાથે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના મંદિરના પટાંગણમાં મેલડી મા, સિકોતેર મા, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે.

મોગલ મા ગોરવીયાળીની ધરતીમાં સમાય ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાયા ત્યારે માના શબ્દો હતા કે ચારણો માટે હંમેશા આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ ન અવતરે. નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે. ચારણો વિશેષ માં મોગલને માને છે.

ઉપરાંત આઈએ જણાવ્યું કે, ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોષાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરીવાર છે તે દર ત્રણ વર્ષે માંને આ પોષાક પહેરાવે એટલા માટે મોગલ માંનો તરવાળો રાતના ૧૨ વાગ્યે પહેરાય છે અને એ વખતે માંનો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માંના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે.

કેવી રીતે મોગલધામ ભીમરાણા પહોંચી શકાય
મોગલ ધામ ભીમરાણામાં મોગલ માનું મોટું મંદિર આવેલું છે. સાથે અહીં અન્ય માતાજીના મંદિરો પણ આવેલા છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં દર્શન માટે જાય છે. મોગલધામ ભીમરાણા ગામમાં આવેલું છે. આ ભીમરાણા ગામ દ્વારકાથી મીઠાપુર જતા રસ્તામાં આવે છે. દ્વારકાથી મીઠાપુર જતાં સમયે દ્વારકાથી લગભગ 10-12 કિલોમીટર બાદ મુખ્ય રોડ પરથી ભીમરાણા ગામ જવાનો રસ્તો આવેલો છે. આ ભીમરાણા ગામમાં મોગલ મા સાક્ષાત દર્શન આપવા બેઠા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news