બદલાયું સુરત જેલનું દ્રશ્ય! કેદીઓનાં અભ્યાસ માટે બનાવવામાં આવ્યા આધુનિક સ્માર્ટ કલાસ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે રૂપિયા 18 લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે રૂપિયા 18 લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું છે. મંત્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદિવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા છે.
ગૃહરાજ્યમંત્રીએ બંદિવાનોને અનુરોધ કરતાં કહ્યું હતુ કે, આવેશમાં આવી ભુલથી કોઇ ગુનો થયો હોય અને એ ગુનાનું પ્રાયશ્ચિત કરી ફરી સુધરવાની તક મળે તો આ તક ઝડપી લઇ શ્રેષ્ઠ જીવન જીવવાની કોશિષ કરજો. જેલ અને સમાજમાં સમતોલ વાતાવરણ જળવાઈ રહે એના માટે સરકાર કટિબદ્ધ છે. બંદિવાનોના પરિવારને નિયમ મુજબ જેલમાં મુલાકાત કરાવી પરિવારજનો સાથે સ્નેહનો તંતુ જળવાઈ રહે એવો જેલ તંત્રને અનુરોધ કર્યો હતો.
વધુમા તેમણે કહ્યું કે, જેલમાં બંદિવાનો સાથે યોગ્ય વર્તન થાય, તેમની માનસિકતામાં પરિવર્તન આવે તેમજ જેલમાંથી મુકત થયા બાદ સભ્ય સમાજનો હિસ્સો બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંદિવાનો પણ સારા લેખક, ઉત્તમ ચિત્રકાર અને પારંગત રસોઈયા અને અભ્યાસમાં નિપૂણ હોય છે. જેલમાં સંગીતના માધ્યમ દ્વારા વ્યક્તિની માનસિકતા બદલાવવા માટેના અનોખા પ્રયાસ થઈ રહ્યા છે.
સ્માર્ટ કલાસ વિશે તેમણે કહ્યું હતું કે, જિલ્લાની અનેક શાળાઓમાં સ્માર્ટ કલાસ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે,પરંતુ પહેલીવાર લાજપોર જેલમાં બંદિવાન ભાઇઓ માટે સુવિધાયુક્ત લર્નિંગ ઝોન બનાવવામાં આવ્યો છે, જેના થકી જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઇઓ પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરી જેલમાંથી બહાર આવી શ્રેષ્ઠ જીવન જીવી શકશે. આ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ થકી અનેક બંદિવાન ભાઇઓના જીવનમાં શિક્ષણનો દીપક પ્રજ્વલિત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે