ન બાળકીનો ફોટો હતો, ન અપહરણકારની માહિતી, તો પણ આ રીતે પોલીસે શોધી કાઢી

આ ત્રણ વર્ષની બાળકીને છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ શોધી રહી હતી. કારણ કે પાંડેસરા ક્ષેત્રપાલ નગર ગોવાલક રોડ ઉપર રહેતી ત્રણ વર્ષની દિકરીને પડોશમાં રહેતો સંજય રાવળ નામનો યુવક પોતાની સાથે રમવા લઈ ગયો હતો.

ન બાળકીનો ફોટો હતો, ન અપહરણકારની માહિતી, તો પણ આ રીતે પોલીસે શોધી કાઢી

તેજશ મોદી, સુરત : ભલે તમારા પડોશી સાથે તમારે ગમે એટલો સારો સંબંધ હોય પરંતુ તમારા બાળકો પર તમારે ધ્યાન રાખવું જ પડશે. કારણ કે ક્યારેક વધારે પડતો ભરોસો તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આવી જ એક ઘટના સુરત (Surat) માં બની છે. જેમાં એક પાલકની ત્રણ વર્ષની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ હતી. ગુમ થનાર બાળકીનો કોઈ ફોટોગ્રાફ નહીં હોવા છતાં પોલીસે બાળકીને સફળતા પૂર્વક શોધી કાઢી હતી. બાળકીના ઘરની બાજુમાં જ રહેતો પાડોશી તેનું અપહરણ કરીને લઈ ગયો હતો. અપહરણ કરનાર અંગે પણ કોઈ માહિતી ન હતી, છતાં પોલીસે તેને ઝડપી પાડી બાળકીને છોડાવી હતી.

આ ત્રણ વર્ષની બાળકીને છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ શોધી રહી હતી. કારણ કે પાંડેસરા ક્ષેત્રપાલ નગર ગોવાલક રોડ ઉપર રહેતી ત્રણ વર્ષની દિકરીને પડોશમાં રહેતો સંજય રાવળ નામનો યુવક પોતાની સાથે રમવા લઈ ગયો હતો. સંજયે બાળકીના પાલક પિતાને કહ્યું કે હું બાળકીને થોડીવાર રમાડવા લઈ જાઉં છું, જોકે દીકરી લાંબો સમય થયો હોવા છતાં પરત ન ફરતા પાલક પિતાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 

જોકે તપાસ બાદ પોલીસે બાળકીના અપહરણની ફરિયાદ નોંધી હતી. એસીપી જે કે પંડ્યાએ જણાવ્યું હતું કે પાંડેસરા પોલીસે તપાસ તો શરૂ કરી હતી, પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે બાળકીનો કોઈ ફોટો ન હતો, ત્યાં જ અપહરણ કરનાર સંજયનો પણ ફોટોગ્રાફ કે તેનું કોઈ ચોક્કસ સરનામું ન હતું. આમ બાળકી અને અપહરણકારને કેવી રીતે શોધવા તે પોલીસ માટે સૌથી મોટી મુશ્કેલી હતી. જેથી પોલીસે અલગ અલગ ભાષાઓમાં દસ હજારથી વધુ પોસ્ટર છપાવીને બાળકીના ગુમ થયા અંગેની માહિતી સ્થાનિક લોકો સુધી પહોંચાડી હતી. 

પોલીસને એક માહિતી મળી હતી કે આરોપી સંજય કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી પાંડેસરા પોલીસની અલગ અલગ ટીમ તમામ કેટરીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોનું નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. સંજયનું કોઈ ચોક્કસ સરનામું પણ ન હોવાથી પાંડેસરા વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં તેને શોધવામાં આવ્યો હતો. પોલીસે તેને શોધવા માટે અલગ અલગ વિસ્તારના 250થી વધુ સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા જેમાં આરોપી પોતાની સાથે ત્રણ વર્ષીય બાળકી લઈ જતો હોવાનું દેખાયું હતું. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. 

સીસીટીવી (CCTV) ના આધારે પોલીસે (Police) જે તે વિસ્તારના લોકોનો સંપર્ક કર્યો હતો જેમાં આરોપી સંજય અંગે કેટલીક મહત્વની બાબતો જાણવા મળી હતી. પાંડેસરા પોલીસે સંજય અંગે મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં બાતમી મળી હતી કે તે પોલીસે સુરત રેલવે સ્ટેશન પર આવવાનો છે, જેને પગલે ત્યાં વોચ ગોઠવી હતી. સુરત રેલવે સ્ટેશન પર આવતા જ આરોપી સંજયની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પૂછપરછ કરતાં તેને પહેલા તો બાળકી વિશે કશું પણ જાણતો ન હોવાનું કહ્યું હતું, જોકે પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ બતાવતા સંજયે અપહરણની વાત સ્વીકારી બાળકીને પંચમહાલ જિલ્લાના કાતોલી ગામ ખાતે પોતાના કૌટુંબિક મામીના ઘરે મૂકી આવ્યો હોવાની કબૂલાત કરી હતી.

પાંડેસરા પોલીસે પંચમહાલ પહોંચીને દીકરીનો કબજો લઈ લીધો હતો. હાલ દીકરીને ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવી છે, આમ પોલીસે બાળકી અને આરોપી અંગેની કોઈ પણ ચોક્કસ માહિતી ન હોવા છતાં ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ખૂબ મહેનત કરી બાળકીને શોધી કાઢી અપહરણકર્તાને ઝડપી પાડ્યો હતો. જોકે અપહરણ શા માટે કર્યું હતું તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે. આ ઘટના થી એક વાત તમામ માતા - પિતાએ સમજી જવી જોઈએ કે તમારા બાળકોને કોઈ પણ પડોશી ભલે રમવા માટે લઈ જાત પરંતુ તેના પર તમારે ધ્યાન રાખવું પડશે, કારણે કે અનેક કિસ્સાઓમાં પડોશી જ હેવાન નીકળતો હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news