સુરત પોલીસની કામગીરીને સલામ, આકાશપાતાળ એક કરીને વેપારીનું ગુમ થયેલું હીરાનું પેકેટ શોધી આપ્યું

Surat Police : સુરતના નાના વેપારીનું ગુમ થયેલુ હીરાનું પેકેટ શોધવું કચરાના ઢગલામાંથી સોય શોધવા જેવું કામ હતું, છતા સુરત પોલીસની ટીમ હિંમત ન હારી અને શોધી કાઢ્યું 
 

સુરત પોલીસની કામગીરીને સલામ, આકાશપાતાળ એક કરીને વેપારીનું ગુમ થયેલું હીરાનું પેકેટ શોધી આપ્યું

Surat News : પોલીસ કર્મચારીઓ ક્યારેક એવી કામગીરી કરે છે કે આંખમાં આસુ આવી જાય. સુરત પોલીસની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. સુરતમાં એક નાના એવા હીરા વેપારીનું સાડા ત્રણ લાખની કિંમતના હીરાનુ પેકેટ પડી ગયું હતું અને શોધખોળ કરવા છતાં પણ તે મળ્યું નહિ હતું. આ બાદ તેણે રાંદેર પોલીસ મથકે જઈ રજૂઆત કરી હતી. નાના વેપારીની મદદે આવીને સુરત પોલીસની ટીમે સિંઘમ જેવું કામ કર્યું છે. એક પેકેટને શોધવા માટે આકાશપાતાળ એક કરી નાંખ્યા હતા. સતત બે દિવસ સુધી પોલીસે સીસીટીવી ફૂટેજ ફંફોળી હીરાનું પેકેટ શોધી કાઢ્યુ હતું. સુરત પોલીસની આ સરાહનીય કામગીરી કરી હતી. હીરા વેપારીને સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે બોલાવી હીરાનું પેકેટ પરત આપવામાં આવ્યું હતું.  

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ સવજીભાઈ કળથીયા રાંદેર પોલીસ મથકે રડતા-રડતા આવ્યા હતા. જેથી રાંદેર પોલીસ દ્વારા તેમને સાંત્વના આપવામા આવી હતી. બાદમાં તેઓએ કહ્યું હતું કે "સાહેબ મારૂં હીરાનું પેકેટ ક્યાંક પડી ગયું છે અને તેમા સાડા ત્રણ લાખની કિંમતના હીરા છે અને હું નાનો એવો હીરાનો વેપારી છું. હમણાંજ મારા પિતાને બીમારીના કારણે બે ઓપરેશન કરવા પડ્યા છે, જેમા પણ ખૂબ ખર્ચો થયો છે અને આ હીરા પડી જતા મારો પરિવાર મોટી આર્થિક મુશ્કેલીમા મૂકાઈ જશે. હું સવારના સાડા નવ વાગ્યાનો મારૂં હીરાનું પેકેટ શોધું છું પણ મને મળતું નથી અને છેલ્લી આશારૂપે પોલીસ સ્ટેશન આવેલ છું. હીરા વેપારીની વાત સાંભળી રાંદેર પીઆઈ એ.એસ.સોનારાએ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. 

વેપારીએ પોલીસને જણાવ્યું કે, હુ સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે સવારના આશરે નવેક વાગ્યે પોતાના 10 વર્ષીય પુત્રના એડમિશનના કામે ગયો હતો. તેથી પોલીસે સૌથી પહેલા અહીંથી સી.સી.ટી.વી કેમેરા ચેક કરવાનું ચાલુ કર્યું હતું. તેના બાદ હીરા વેપારી જ્યાં જ્યાંથી પસાર થયા, ત્યાં ત્યાં સુરત પોલીસની ટીમે ચેકિંગ કર્યું. ઝીણામા ઝીણી તપાસ કરી. વેપારીએ જે રુટ બતાવ્યો તે આખા રુટ પર પોલીસે શોધખોળ હાથ ધરી હતી. 

પોલીસ માટે મોટી ચેલેન્જ એ હતી કે, હીરાનું પડીકું નાની એવી પ્લાસ્ટીકની પારદર્શક ઝીપ બેગમા મૂક્યું હતું અને આટલા મોટા વિસ્તારમા તેને શોધવાનું કામ રૂના ઢગલામાંથી સોય શોધવા બરાબર હતું. હીરા વેપારી પણ એક આખો દિવસ રાંદેર પોલીસની ટીમ સાથે રહ્યા હતા અને ખુબ સીસીટીવી ફૂટેજ અને તપાસ કરવા છતાં હીરાનું પેકેટ નહી મળતા તેઓએ પણ હીરાનું પેકેટ મળવાની આશા છોડી દીધી હતી. જો કે રાંદેર પોલીસે હાર માની ના હતી. 

સુરત પોલીસે હાલમા જ 250 જેટલા નવા સી.સી.ટી.વી કેમેરા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવ્યા છે. જેથી પોલીસને વિશ્વાસ હતો કે તેમની મહેનત રંગ લાવશે. હીરા વેપારીએ જણાવેલા રૂટ પર શોધખોળ ચાલુ હતી. આ દરમ્યાન સી.સી.ટી.વી કેમેરાની મદદથી પાલનપુર પાટીયા રોટલાપીર બાવાની દરગાહ પાસે આવતા ત્યાં આ વિપુલભાઈ ખિસ્સ્માંથી રૂમાલ કાઢતા હતા તેનો દૂરનો વ્યુ સી.સી.ટી.વી મા જોવા મળ્યો હતો. તેમજ થોડીવાર પછી એક ટેમ્પો જેમા મિનરલ વોટરની બોટલોની ડિલીવરી થતી હોય છે તે ટેમ્પોનો ચાલક આ જગ્યાએ કોઈ મુવમેંટ કરતો હોય તેવું જોવા મળ્યુ હતું. દૂરનો વ્યુ મળતા આ રૂટના અન્ય સીસીટીવી મારફતે મિનરલ વોટર વાળૉ ટેમ્પો આઈડેન્ટીફાય કર્યા હતા અને તેના આધારે ટેમ્પો ચાલકના ઘરે રાંદેર પોલીસની ટીમ પહોંચી હતી. 

ટેમ્પા ચાલકની પૂછપરછ કરતા ટેમ્પા ચાલકે કબૂલાત કરેલ કે, હીરાનું પેકેટ તેને મળ્યું છે. અને જે-તે સ્થિતિમાં તેણે રાખેલ હતું. આ બનાવની જાણ સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરને કરવામાં આવી હતી. જેથી હીરા વેપારીને પોલીસ કમિશ્નર કચેરી ખાતે બોલાવી હીરાનું પેકેટ પરત કરવામાં આવ્યું હતું. સાડા ત્રણ લાખની કીંમતના હીરા જે તે સ્થિતિમા પરત મળી જતા હીરા વેપારીની આંખમાંથી હર્ષના આંસુ નીકળી આવ્યા હતા. તેઓએ રાંદેર પોલીસની કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ સુરત પોલીસ કમિશ્નર દ્વારા આ સરાહનીય કામગીરી કરનારા પોલીસકર્મીઓને ૫ હજારનું ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરાયા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news