સુરતનો વેપારી સાડીનો ઓર્ડર આપવાના બહાને બન્યો હનીટ્રેપનો શિકાર, એક પોલીસ કર્મચારી જ નીકળ્યો આરોપી

surat crime news : સુરત પોલીસે જાહેરમાં મૂકેલ સજેશન બોક્સમાં એવી ફરિયાદ આવી કે ખુદ પોલીસ કર્મચારી જ આરોપી નીકળ્યો

સુરતનો વેપારી સાડીનો ઓર્ડર આપવાના બહાને બન્યો હનીટ્રેપનો શિકાર, એક પોલીસ કર્મચારી જ નીકળ્યો આરોપી

તેજશ મોદી/સુરત :અનિલ કપૂરની ફિલ્મ નાયક તો તમે જોઈ હશે, આ ફિલ્માં એક બોક્સ જાહેર રસ્તા પર મુકવામાં આવ્યું હતું. જેમાં લોકો પોતાની સમસ્યા, કોઈ સૂચન કે માહિતી સરકાર સુધી પહોંચાડી શકે છે. બસ આ ફિલ્મ જેવું જ સુરત પોલીસે આયોજન કર્યું છે. સુરતના ઉમરા પોલીસ મથક દ્વારા પોતાના વિસ્તારમાં કેટલીક જગ્યાઓ પર સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિએ પોતાની સાથે બનેલી હનીટ્રેપની ઘટનાની વિગત આપી હતી. આ અંગેની માહિતીને આધારે એક આરોપીની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ સામે છે. ઘટના અંગે એસીપી એ કે વર્માએ માહતી આપતા જણાવ્યું હતું કે, અડાજણ પાટિયા ખાતે રહેતા કાપડ વેપારીએ જોગસ પાર્ક પાસેના સજેશન બોક્સમાં ચિઠ્ઠી નાંખી હતી. જેના આધારે ઉમરા પોલીસે અઠવાલાઇન્સ પોલીસ હેડ કવાર્ટરના જમાદાર જયેશ લાધુ યાદવ તેમજ જિજ્ઞેશ હસમુખ જીયાવીયા, દેવેન્દ્ર જોષી અને એક મહિલા તેમજ પીએસઆઈની ઓળખ આપી ફોન પર વાત કરનાર રસીક પટેલ સામે ગુનો નોંધી જિજ્ઞેશની ધરપકડ કરી છે. 

વેપારીના ફોન પર 8 દિવસ પહેલા કોલ આવ્યો હતો. ફોન કરનારે ગામડે સાડીનો હોલસેલ વેપાર કરતો હોવાનું કહી સાડી ખરીદવાની વાત કરી હતી. વેપારીને માર્કેટને બદલે ઘોડદોડ રોડ પર સંબંધીને ત્યાં મળવા બોલાવતા વેપારી ઘોડદોડ રોડ બેંકની ગલીમાં પુજા એપાર્ટમેન્ટમાં ગયા હતા. ફ્લેટમાં ગયા પછી મહિલાએ પાણી આપી વેપારીની બાજુમાં બેસી ગઈ હતી. એટલામાં દરવાજો ખોલી 3 જણા આવ્યા હતા. 3 પૈકી એક પોલીસના યુનિફોર્મમાં હતો. તેણે પોતાનું નામ કે.કે.પરમાર આપ્યું હતું. અન્ય બેમાં એકનું નામ રોહિત પટેલ અને બીજાનું કનકસિંહ આપ્યું હતું. 

ત્રણેયે ઉમરા પોલીસના ડી સ્ટાફના નામે દમ મારી ‘5 લાખ આપી છુટ્ટો થઈ જા...’ કહી ખિસ્સામાંથી 10 હજાર કાઢી લીધા હતા. વેપારીએ બોક્સમાં ચિઠ્ઠી મુકતા ગુનો ઉકેલાયો છે. એસીપી એકે વર્માએ જણાવ્યું હતું કે, જમાદાર જયેશ યાદવ અગાઉ ખંડણીના ગુના પકડાયો હતો. જયેશ અગાઉ પુણા અને SOGમાં ફરજ બજાવતો હતો. વેપારીને જે ફલેટમાં બોલાવ્યો તેમાં જિજ્ઞેશ અન્ય બે યુવતી સાથે રહેતો હતો. જેનુ મહિનાનું ભાડુ 18 હજાર હતું. પોલીસ યુનિફોર્મમાં કે.કે.પરમારની ઓળખ આપનાર પોલીસ હેડ કવાર્ટરનો જમાદાર જયેશ યાદવ હતો. રોહિત પટેલની ઓળખ આપનાર જિજ્ઞેશ તેમજ કનકસિંહના નામે દેવેન્દ્ર જોષી હતો. પોલીસે અન્ય આરોપીઓને શોધવા દોડધામ શરુ કરી છે, ત્યારે મહત્વની વાત એ છે કે પોલીસના સજેશન બોક્સને કારણે લોકો પોલીસે માહિતી આપતા થયા છે, આમ આ પ્રયોગ હાલ તો સફળ થયો હોય તેવું કહી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news