સુરતમાં એક્સપાયરી તારીખના રેમડેસિવિર દર્દીને પધરાવનાર ભાજપી નેતાનો પુત્ર નીકળ્યો
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતમાં એક્સપાયરી ડેટના ઇન્જેક્શન વેચવાના પ્રકરણમાં પોલીસ કમિશનરે સમગ્ર તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. જેમાં પોલીસે તપાસ કરતા ઝડપાયેલો આરોપી દિવ્યેશ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર નીકળ્યો છે. તેણે આ ઇન્જેક્શન કેપી સંઘવી હોસ્પિટલના મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ પાસેથી ખરીદ્યા હતા. જેમાં પોલીસે મેડિકલ સ્ટોર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વિશાલ અવસ્થીની પણ ધરપડક કરી છે. જ્યારે દિવ્યેશને કોર્ટમાં રજુ કરી ૩ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.
સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસો અગાઉ રેમડેસિવિર ઈન્જેક્શનની થતી કાળાબજારી ઝડપી પાડી હતી અને હવે સુરતમાં એક્સપાયરી ડેટના ઈન્જેક્શન વેચતા હોવાનું રેકેટ ઝડપાયું છે. ઘટના કંઇક એમ છે કે, પુણાગામ સ્થિત આવેલી પ્રમુખ પાર્ક સોસાયટી પાસે રહેતા કાપડ વેપારી જીગ્નેશભાઈ જયસુખભાઈ માલાણીના મામાનો દીકરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના માટે રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર પડી હતી. દરમ્યાન કાપડ વેપારી જીગ્નેશભાઈને મિત્રો થકી વાયા વાયા અડાજણ સ્થિત આનંદ વાટિકામાં રહેતા દિવ્યેશ સંજયભાઇ પટેલ સાથે સંપર્ક થયો હતો.
જીગ્નેશભાઈએ દિવ્યેશને ફોન કરીને સંપર્ક કર્યો હતો અને એક ઇન્જેક્શનના ૭ હજાર રૂપિયા થશે તેમ જણાવ્યું હતું. આ દરમ્યાન ઈન્જેક્શનની ખાસ જરૂર હોય જીગ્નેશભાઈ ૭ હજાર રૂપિયા આપવા તૈયાર થઇ ગયા હતા અને ૬ ઇન્જેક્શનના ૪૨ હજાર રૂપિયા ચૂકવી તેની પાસેથી અઠવાગેટ નજીક ઇન્જેક્શન મેળવી લીધા હતા. પરંતુ ઇન્જેક્શન જીગ્નેશભાઈને શંકા જતા ઈન્જેકશ એક્ષ્પાયરી ડેટના હતા. અને બાદમાં દિવ્યેશ નામના વ્યક્તિને બોલાવી તેને ઝડપી પાડી સરથાણા પોલીસ મથકમાં લઇ આવ્યા હતા. આ સમગ્ર મામલે સરથાણા પોલીસે જીગ્નેશ સામે ગુનો નોંધ્યો છે અને તે ઇન્જેક્શન ક્યાંથી લાવ્યો, ઇન્જેક્શન એક્સપાયરી ડેટના છે કે કેમ તે અંગે તપાસ શરુ કરી હતી.
આ દરમ્યાન આ કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોપવામાં આવી હતી. અને દિવ્યેશને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દિવ્યેશની કડક પૂછપરછ કરતા તેણે આ ઇન્જેક્શન અમરોલી છાપરાભાઠા ખાતે રહેતા મિત્ર વિશાલ ઇન્દ્રકુમાર અવસ્થી પાસેથી ૫૪૦૦ રૂપિયામાં ખરીદ્યા હતા તેવુ જણાવ્યું. આરોપી વિશાલ અવસ્થી કે.પી. સંઘવી હોસ્પિટલમાં મેડીકલ સ્ટોરમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશાલ અવસ્થીની પણ ધરપકડ કરી હતી. અને તેણે પણ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.
વધુમાં પોલીસ તપાસમાં ઇન્જેક્શન એક્સપાયરી ડેટના હતા અને તેની મૂળ રકમ કરતા બમણી રકમ લઈને વેચવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. એક્સપાયરી ડેટના ઈન્જેકશ દિવ્યેશ પટેલ જેની પાસેથી લાવ્યો હતો તે વિશાલ અવસ્થી રીંગરોડ સ્થિત કે.પી. સંઘવી હોસ્પિટલ અને ઉધના વિસ્તારની જીવન જ્યોત હોસ્પિટલના મેડિકલ સ્ટોરનો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. પોલીસે વિશાલની પણ રાતોરાત ધરપડક કરી હતી. તેની પૂછપરછમાં ઉપરોક્ત બંને મેડીકલ સ્ટોરમાંથી ૮ ઇન્જેક્શન એક્સપાયરી ડેટ વાળા ઇન્જેક્શનનો નિકાલ કરવા માટે આપ્યા હતા. પરંતુ વિશાલે નિકાલ કરવાને બદલે ૬ ઇન્જેક્શન દિવ્યેશને વેચી દીધા હતા. જો કે દિવ્યેશ ઝડપાઈ જતા તેણે ૨ ઈન્જેકશનનો નિકાલ કરી દીધો હોવાનું પોલીસને જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો સવારથી લાઈનમાં ઉભા રહે છે. અને મહામારીના આ સમયમાં પણ આવા આરોપીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રૂપિયા કમાવવા માટે આવા કીમિયા અજમાવી રહ્યા છે. હાલ આ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ મામલે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ પ્રકારણમાં પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે