સુરતમાં ધોરણ-12ના વિદ્યાર્થી પર સાથી છાત્રોનો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
પૂર્વ વિદ્યાર્થી સહિત ચાર લોકો સ્કૂલ શરૂ થાય તે પહેલાં હુમલો કરીને નાસી છુટ્યા
Trending Photos
સુરતઃ સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી લોકભારતી શાભામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હુમલાખોરો નાસી છુટ્યા હતા. આ ઘટનામાં વિદ્યાર્થીને હાથ પર ઈજા પહોંચી હતી.
શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી લોકભારતી શાળામાં આશિષ જગતાપ નામનો વિદ્યાર્થી ધોરણ-12માં અભ્યાસ કરે છે. તે આજે સવારે જ્યારે શાળાએ આવી રહ્યો હતો ત્યારે શાળાની નજીક ચાર વ્યક્તિએ તેને અટકાવ્યો હતો અને અચાનક જ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે તુટી પડ્યા હતા. જોકે, આશિષ ચેતી જતાં સ્વબચાવ માટે ભાગીને શાળામાં ઘુસી ગયો હતો.
સ્કૂલ સંચાલકો દ્વારા આ અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘાયલ વિદ્યાર્થીએ જણાવ્યું કે, એક પૂર્વ વિદ્યાર્થી સહિત ચાર લોકોએ તેના પર હુમલો કર્યો હતો. હાલ, હુમલો કરવાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. વિદ્યાર્થી પર હુમલો થયાની જાણ થતા સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ગણા સમયથી કિશોર વયના વિદ્યાર્થીઓમાં આપસી ઝઘડા કે યુવતીઓ માટે અદાવત રાખીને હુમલાની ઘટનાઓ રાજ્યની શાળાઓમાં વધી રહી છે. વડોદરા શહેરનો કિસ્સો સૌને યાદ હશે, જેમાં એક વિદ્યાર્થીએ માત્ર તેને સ્કૂલે આવવાનું ગમતું ન હોવાથી સ્કૂલ બંધ રખાવા માટે ધોરણ-9ના વિદ્યાર્થીની શાળાના બાથરૂમમાં જ ઘાતકી હત્યા કરી દેવાઈ હતી. કુમળી વયના કિશોર વયના વિદ્યાર્થીઓમાં હિંસક વૃત્તિ વધતી હોવાની બાબત વાલીઓમાં ચિંતા પેદા કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે