શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો! વિરોધ યથાવત, અનેક સેન્ટરો પરથી શિક્ષકો ગાયબ

મીડિયા સાથે વાત કરતા ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ઘનશ્યામ પટેલે કહ્યુ કે, અમે શિક્ષણમંત્રીને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેમણે અમારી વાત સાંભળવાની ના પાડી દીધી હતી. મહાસંઘના અધ્યક્ષે કહ્યું કે, આ બે લાખ શિક્ષકોનું અપમાન છે. તેમણે આ સાથે દાવો કર્યો કે સરકાર હોલ ટિકિટ ડાઉનલોડ કરવાના ખોટા દાવાઓ કરી રહી છે.

શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો! વિરોધ યથાવત, અનેક સેન્ટરો પરથી શિક્ષકો ગાયબ

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શરૂ થઈ રહ્યું છે. બીજી તરફ શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણ સજ્જતા સર્વેક્ષણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોમવારે પત્રકાર પરિષદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ હતુ કે 1.18 લાખ શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી છે, પરંતુ તેમનો આ દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે. રાજ્યના લાખો શિક્ષકોએ આ સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો છે. બે કલાકે સર્વેક્ષણ શરૂ થવાનું છે અને અનેક સેન્ટરો પર શિક્ષકો હાજર નથી. 

શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી
શિક્ષણ મંત્રીએ યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, આ સર્વેક્ષણ મરજીયાત છે. કોઈ શિક્ષકો માટે તેને ફરજીયાત કરવામાં આવ્યું નથી. બીજીતરફ આજે શિક્ષકોને જે ડર હતો તે સાચો પડ્યો છે. મરજીયાત સર્વેક્ષણની વાત કરતા શિક્ષણ વિભાગ તરફથી આમંદના એક શિક્ષકને નોટિસ ફટકારવામાં આવી છે. આણંદના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ટીકા કરનાર શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી તેમની પાસે જવાબ માંગ્યો છે. તો નોટિસમાં કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

શિક્ષક મહાસંઘે લગાવ્યો ગંભીર આરોપ
મીડિયા સાથે વાત કરતા ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ઘનશ્યામ પટેલે કહ્યુ કે, અમે શિક્ષણમંત્રીને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેમણે અમારી વાત સાંભળવાની ના પાડી દીધી હતી. મહાસંઘના અધ્યક્ષે કહ્યું કે, આ બે લાખ શિક્ષકોનું અપમાન છે. તેમણે આ સાથે દાવો કર્યો કે સરકાર હોલ ટિકિટ ડાઉનલોડ કરવાના ખોટા દાવાઓ કરી રહી છે. તેમણે કહ્યું કે, કોરોનામાં અમારી પાસે મૃતદેહ ગણાવવામાં આવ્યા, અમારી પાસે તીડ ઉડાવવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, અત્યાર સુધી શિક્ષકોને દબાવવામાં આવ્યા છે, પરંતુ હવે શિક્ષકો તેનો વિરોધ કરશે. 

રાજ્યભરમાં શિક્ષકોનો વિરોધ
આજે યોજાનારા શિક્ષણ સજ્જતા સર્વેક્ષણનો રાજ્યભરના શિક્ષકો વિરોધ કરી રહ્યાં છે. સવારથી જ સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ સહિત અનેક શહેરોમાં શિક્ષકો વિરોધ કરી રહ્યાં છે. એટલે કે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ મામલે શિક્ષણ વિભાગ અને શિક્ષકો આમને-સામને આવી ગયા છે. 

શિક્ષક સંઘે કર્યો છે બહિષ્કાર
રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘનો દાવો છે કે 95 ટકા શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. જો કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શિક્ષકો માટે મરજિયાત હોવાની સ્પષ્ટતા રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી કરાઈ છે. પરંતુ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સર્વેક્ષણનું સમર્થન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 1થી 8ના અંદાજે બે લાખ જેટલા શિક્ષકોએ સર્વેક્ષણનો ભાગ બનવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. 

રાજ્યમાં પ્રથમવાર શિક્ષક સજ્જતા પરીક્ષા લેવાનો વિરોધ થઈ રહ્યો છે. આ અંગે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ પ્રદેશ અધ્યક્ષે ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી. શિક્ષકો HTAT, TAT, PTC, બી.એડ., સ્નાતક અને અનુસ્તાક થયા બાદ શિક્ષકો પસંદગી પામતા હોય છે ત્યારે શિક્ષકો માટે આ સર્વેક્ષણ તેમને છેતર્યા, તેમનું અપમાન કરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સર્વેક્ષણ ફરજીયાત પરીક્ષા હોય એવું લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news