21 ડિસેમ્બરથી રાજકોટ AIIMSની મેડિકલ કોલેજનું શિક્ષણ કાર્ય થશે શરૂ

આવતીકાલથી શરૂ થતી AIIMS ની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરાવવામાં આવશે.

21 ડિસેમ્બરથી રાજકોટ AIIMSની મેડિકલ કોલેજનું શિક્ષણ કાર્ય થશે શરૂ

રક્ષિત પંડ્યા, રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને AIIMS ની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે AIIMS મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી આવતીકાલથી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ કરવામાં આવનાર છે. આવતીકાલથી શરૂ થતી પ્રથમ બેચમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુલ શરૂઆત કરવામાં આવનાર છે.

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટ જામનગર હાઇવે પર ખંઢેરી ગામ ખાતે 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે એઇમ્સ હોસ્પિટલની મેડીકલ કોલેજનું શિક્ષણ કાર્ય 21 ડિસેમ્બર 2020 ના રોજ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની બેન્ચથી કરવામાં આવશે. આ માટે 17 જેટલા શિક્ષકોની નિમણુક પણ કરવામાં આવી છે. આવતીકાલે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે જે કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુલ માધ્યમથી જોડાશે.

આવતીકાલથી શરૂ થતી AIIMS ની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝ્યોલોજી અને બાયો કેમેસ્ટ્રી નો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરી ની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. તો સાથેજ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે.. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ માં જગ્યાની ફાળણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એઇમ્સ હોસ્પિટલનું ખાતમુરત કરવામાં આવશે. આ સાથે જ જૂન 2022 સુધીમાં એઇમ્સ સંપૂર્ણ તૈયાર થઇ જવાનો સંકેત જોવાઇ રહ્યો છે જે બાદ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના લોકો માટે આરોગ્ય ની આધુનિક સુવિધા ઘર આંગણે મળી રહેશે જેથી મુંબઇ કે દિલ્લી સુધી આરોગ્ય સારવાર માટે જવું નહીં પડે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news