કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ અંગે અત્યાર સુધીનાં સૌથી મોટા સમાચાર, કૃપા કરીને ખાસ વાંચી લેજો
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતમાં કોરોના રાક્ષસ ફૂંફાડા મારી રહ્યો છે. જો કે કોરોનાના કેસ વિસ્ફોટ હોવા છતા પણ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા નહીવત્ત છે. સામાન્ય શરદ ઉધરસની જેમ આ કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ બિમાર દર્દીમાંથી જતો રહેતો હોવાનાં કારણે લોકો બિન્દાસ્ત બન્યા છે. આવી જ સ્થિતિ સમગ્ર દેશમાં અને યુરોપના કેટલાક દેશોમાં કોરોનાનો ડર ઘટ્યો છે. કડક નિયંત્રણોમાં મોટા ફેરફાર કરાયા છે. વિશ્વમાં સ્પેને પ્રથમ એવો દેશ બન્યો જેણે કોરોનાને ફલૂની શ્રેણીમાં મૂકી સારવાર કરવાની શરૂઆત કરી છે.
સ્પેન દ્વારા લોકોને કોરોના સાથે જીવન જીવવાની ટેવ પાડવા અનુરોધ કરવાની પહેલ કરી છે. ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે એવામાં સ્પેન સહિત યુરોપના કેટલાક દેશોએ કોરોના સામે લડવાની રણનીતિમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે. બ્રિટન પણ આગામી ટૂંક સમયમાં કોરોના મહામારીને સ્થાનિક સંક્રમણ ગણવાની દિશામાં વિચારણા કરી રહ્યું છે. સ્પેનથી પ્રેરાઈ વિશ્વના અનેક દેશો ભવિષ્યમાં મહામારીના કડક નિયંત્રણો દૂર કરે એવી શક્યતા છે. કોરોનાને ફલૂ ગણવા મામલે સ્પેન દ્વારા કરાયેલા નિર્ણય અંગે ઝી 24 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલ સાથે વાત કરી હતી.
ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું કે, અન્ય દેશોના મુકાબલે ભારતમાં ઓમીક્રોનના કેસો પછીથી આવવાની શરૂઆત થઈ છે. ઓમીક્રોન વેરિયન્ટનો જે જરૂરી ડેટા જોઈએ હજુ એ આપણી પાસે અન્ય દેશોની તુલનામાં ઉપલબ્ધ નથી. આપણે કોરોનાને ફ્લૂ ગણવો કે કેમ એના માટે આગામી 1 મહિનાનો ઇંતેજાર કરવો જોઈએ. જેથી વધુ ડેટા એકત્ર કરી એનો અભ્યાસ કરી શકાય. આગામી 1 મહિનામાં વધુ સ્પષ્ટતા સાથે કહી શકાશે કે કોરોનાને આપણે ફલૂની શ્રેણીમાં મૂકી શકીએ કે નહીં તે અંગે નિર્ણય થઇ શકે. ડોક્ટર રજનીશ પટેલે કહ્યું જે હાલ તો દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધ્યું છે પણ રાહતનું વાત એ છે કે હોસ્પિટલાઈઝેશન નહિવત થઈ રહ્યું છે. રાજ્યમાં હજારો તો દેશમાં લાખો કેસો આવી રહ્યા છે, પરંતુ વેન્ટિલેટર પર દર્દીને સારવાર આપવાની. જે અગાઉ જરૂરિયાત ઉભી થઇ હતી એવી પરિસ્થિતિ અત્યાર સુધીમાં બિલકુલ જોવા નથી મળી રહી.
અમદાવાદ સિવિલમાં એક સમયે જ્યાં 3 હજાર દર્દીઓ કોરોનાની સારવાર લેતા હતા, અત્યારે માત્ર 39 દર્દીઓ જ સારવાર હેઠળ છે, જેમાંથી માત્ર 6 દર્દીઓ ICU માં સારવારમાં છે. ઓમીક્રોન વેરિયન્ટના કિસ્સામાં મોટાભાગના દર્દીઓ જાતે જ આઇસોલેટ થઈને 4 કે 5 દિવસમાં સાજા થઈ રહ્યા છે. બીજી લહેરમાં જે પ્રકારે ગંભીર દર્દીઓ સારવાર માટે આવતા હતા એવા આ વખતે સારવાર માટે નથી આવી રહ્યા. આ વખતે ગંભીર દર્દીઓની સંખ્યા ખૂબ જ ઘટી છે. ઓક્સિજનની જરૂરિયાત દર્દીઓને નથી પડી રહી, જે રાહતના સમાચાર છે. અત્યાર સુધી જે જોવા મળી રહ્યું છે એ જોતાં એક મહિનાનો વધુ ડેટા સામે આવે તો સ્પેન સહિત યુરોપના અન્ય દેશો દ્વારા જે પ્રકારે કોરોનાને ફલૂ ગણવો અથવા અન્ય કેટલાક નિયંત્રણ હળવા કરવા એ અંગે વધુ વિશ્વાસ સાથે આપણે પણ નિર્ણય લઈ શકીએ. હાલના તબક્કે અન્ય વેરિયન્ટ પણ આપણી વચ્ચે હોવાથી કઈ કહેવું વહેલું ગણાશે તેવું તેમણે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે