કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકારે લીધેલા શાળા-યુનિવર્સિટી અંગેના નિર્ણયને સરળતાથી સમજો
Trending Photos
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા નિર્ણયોની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી. કોલેજ-યુનિવર્સિટીઝ માટેના મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા, સચિવ વિનોદ રાવ અને વરિષ્ઠ અધિકારીઓની મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી તાકીદની બેઠકમાં આ નિર્ણયો કરવામાં આવ્યા છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયો અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. શિક્ષણમંત્રીએ આ નિર્ણયો અંગે કહ્યું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતી ધ્યાનમાં રાખી તકેદારીના પગલાં રૂપે આઠ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તા.૧૯મી માર્ચ-ર૦ર૧-શુક્રવારથી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવામાં આવશે. આ આઠ મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ-હોમલર્નીંગ અપાશે તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં અવાશે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ પણ જણાવ્યું કે, આ આઠ મહાનગરોમાં ઓફલાઇન શિક્ષણ તા.૧૦ એપ્રિલ-ર૦ર૧ સુધી બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં હાલના સમયપત્રક મુજબ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ આઠ મહાનગરપાલીકા સિવાયના અન્ય તમામ વિસ્તારોમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સ્વૈચ્છિક રીતે જે વિદ્યાર્થીઓ આવશે તેમના માટે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય ચાલુ રહેશે. એટલું જ નહિ, પ્રથમ પરીક્ષા તેના નિયત કાર્યક્રમ મુજબ તા.૧૯ માર્ચથી તા.ર૭ માર્ચ દરમ્યાન ઓફલાઇન પદ્ધતિએ લેવામાં આવશે. હાલમાં ચાલતું ઓનલાઇન-હોમલર્નીંગ શિક્ષણ ચાલુ રખાશે.
ચુડાસમાએ જણાવ્યું કે, આઠ મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં હાલની પદ્ધતિ મુજબ અને સમયપત્રક મુજબ ઓનલાઇન/ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે તેમજ સ્વૈચ્છિક રીતે ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણની હાલની વ્યવસ્થા યથાવત રહેશે તેવો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ બેઠકમાં રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીઝ માટે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે અંગે તેમણે કહ્યું કે, તા.૧૯ માર્ચ-ર૦ર૧ શુક્રવારથી તા.૧૦ એપ્રિલ સુધી નિર્ધારીત સ્નાતક-ગ્રેજ્યુએટ કક્ષાની ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ અંગે નવેસરથી સમયપત્રક યુનિવર્સિટીઓ જાહેર કરશે.
શિક્ષણમંત્રીએ ઉમેર્યુ કે, તા.૧૦ એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઇન અપાશે. યુનિવર્સિટીની હોસ્ટેલ ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓ તેમના હોસ્ટેલ રૂમમાં રહીને શિક્ષણ મેળવી શકશે. રાજ્યની યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક-પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાઓ, ઓફલાઇન કલાસીસ તથા પી.જી.ના તમામ પ્રેકટીકલ ચાલુ રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યુ કે, આ નિર્ણય રાજ્યની તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓ માટે લાગુ પડશે.
મહત્વપુર્ણ જાહેરાતો...
* ૧૯ માર્ચથી ૧૦ એપ્રિલ સુધી સ્નાતક કક્ષાની ઓફલાઇન પરીક્ષા મોકૂફ
* યુનિવર્સિટીઓ નવેસરથી સમયપત્રક જાહેર કરશે
* ૧૦ એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઇન અપાશે
* અનુસ્નાતક – પી.જી. પરીક્ષાઓ – ઓફ લાઇન કલાસીસ – પ્રેકટીકલ ચાલુ રહેશે
* રાજ્યની તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓને આ નિર્ણય લાગુ પડશે
* પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટેના નિર્ણયો
* આઠ મહાનગરોમાં પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તા.૧૯ માચર્થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ
* તા.૧૦ એપ્રિલ સુધી ઓનલાઇન-હોમ લર્નીંગ શિક્ષણ અપાશે
* રાજ્યના અન્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રીતે શાળાઓમાં આવનારા વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય ચાલુ રખાશે
* પ્રથમ પરીક્ષા નિર્ધારીત સમયાનુસાર તા.૧૯ માર્ચથી તા.ર૭ માર્ચ દરમ્યાન ઓફલાઇન લેવાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે