ગુજરાતમાં એક એવુ મંદિર છે જ્યાં કોઈ મૂર્તિ જ નથી, ભારતનો નક્શો જ આ મંદિરની પ્રતિમા

Gujarat Tourism : ગાંધીજીની જન્મભૂમિ પર એક એવુ અનોખુ મંદિર આવેલું છે, જ્યાં મંદિરમાં મૂર્તિ નહિ પણ ભારત માતાનો નક્શો પૂજાય છે... આ મંદિર સંપૂર્ણપણે દેશભક્તિના રંગે રંગાયેલું છે 
 

ગુજરાતમાં એક એવુ મંદિર છે જ્યાં કોઈ મૂર્તિ જ નથી, ભારતનો નક્શો જ આ મંદિરની પ્રતિમા

Porbandar News અજય શીલુ/પોરબંદર : દેવી દેવતાઓ-ભગવાનના તો આપણા દેશમાં લાખો મંદિર આવેલા છે. પરંતુ પોરબંદરમાં દેશનું એકમાત્ર અનોખું એવું ભારત મંદિર આવેલું છે. ચાલો જોઇએ શું વિશેષતા છે પોરબંદરમાં આવેલ આ ભારત મંદિરની.

મંદિરમાં મૂર્તિને જગ્યા ભારતનો નક્શો
ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં આવેલ ભારત મંદિર કે જ્યાં આવતા જ આપને સમગ્ર ભારત દેશના દર્શનની અનુભુતિ થાય તેવું આ સુંદર સ્થળ છે. ગુજરાતના ભામાશા અને રાજ રત્ન સહિતના બિરુદ જેઓને મળ્યું છે તેવા નાનજી કાલિદાસ મહેતાએ જ્યુબેલી વિસ્તારમાં આશરે 64 વર્ષ પૂર્વે આર્ય કન્યા ગુરુકુળની સાથે ભારત મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ ભારત મંદિરમાં કોઇ ભગવાનની મૂર્તિઓ નહીં, પરંતુ અંદર પ્રવેશતા જ વિશાળ આખા ભારતખંડનો મારબલથી સુંદર ટોપોગ્રાફિક નક્શો જોવા મળે છે. 

ભારતનો ઈતિહાસ જોવા મળશે 
એટલે કે અવકાશમાંથી નજર પડે એવા નકશાનું નાનકડું રૂપ અહીં મૂર્ત સ્વરૂપે છે. આ નક્શાની ડિઝાઈન રાજરત્ન નાનજી કાલિદાસ મહેતાએ તૈયાર કરી હતી. અહી આ ભારત મંદિરમાં 64 સ્તંભો પર સુંદર રીતે સ્વાતંત્ર્ય સેનાનીઓથી લઈને ભારતના સંતો, કવિઓ સહિતના ચિત્રો કંડારવામાં આવ્યાં છે. મહાનુભાવોની વિશિષ્ટતાઓની સાથે દીવાલો પર ભારતના મુખ્ય જોવાલાયક ફરવાલાયક સ્થળોનાં ચિત્રો પણ સુંદર રીતે બનાવવામાં આવ્યા છે. 

ભારત દર્શનનો અનુભવ થાય છે
આર્ય કન્યા ગુરુકુળના અનુપમ નાગર જણાવે છે કે, પોરબંદરના આ ભારત મંદિરમાં ગયા બાદ આપને એકજ સ્થળ પર સમગ્ર ‘ભારત દર્શન’ નો અનુભવ થયા વિના રહેતો નથી. વિશાળ જગ્યામાં કુદરતી સૌંદર્ય વચ્ચે બનાવવામાં આવેલ આ ભારત મંદિરની મુલાકાતે દરરોજ મોટી સંખ્યામાં રાજ્ય સહિત દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. 

અહી આવતા પ્રવાસીઓ પણ આ અદભૂત સ્થાનની મુલાકાત બાદ એવું જણાવતા જોવા મળ્યા હતા કે, મંદિર એટલે અમોને એમ હતું કે કોઈ મંદિર હશે પરંતુ અહીં આવીને આ ભારત મંદિર જોઇને ખુબજ ખુશી અનુભવાઈ છે. કારણ કે અહીં ભારત દેશના મહાનુભાવોના એક સાથે દર્શન થાય છે. અહીં બાળકોથી લઈને સૌ કોઇએ એકવાર જરૂર આ સ્થળની મુલાકાત લેવી જોઈએ તેવુ પ્રવાસીઓએ જણાવ્યું હતું. 

ભારત મંદિરના મધ્યમાં આવેલ ભારતનો નકશો હોય સ્તંભો પર કંડારવામાં આવેલ સુંદર ચિત્રો અહી એક વખતની મુલાકાત સૌ કોઈ માટે કાયમી યાદગીર બની જાય તેમ છે. ભુગોળના વિદ્યાર્થીઓ હોય કે ઇતિહાસના તમામ વિદ્યાર્થીઓને પણ એકજ જગ્યા પરથી ખુબજ જાણકારી મળી શકે તેમ છે. ભારત દેશના એક માત્ર આ ભારત મંદિરની દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news