આ છે ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગામ, જ્યાં એક રસોડે એકસાથે જમે છે આખા ગામના લોકો

Chandanki Village : મહેસાણાના બહુચરાજીમાં આવેલું ચાંદણકી ગામ દેશનું એકમાત્ર એવુ ગામ છે, જ્યા તમામ લોકો એક રસોડે જમે છે... વસુધૈવ કુટુમ્બકમની ભાવના આ ગુજરાતના આ ગામમાં જોવા મળે છે

આ છે ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગામ, જ્યાં એક રસોડે એકસાથે જમે છે આખા ગામના લોકો

Mahesana News : એક આદર્શ ગામ તરીકે તમને કોઈ ગામનું નામ લેવું હોય તો કયુ લો. ત્યારે આંખ મીંચ્યા વગર ગુજરાતના એક જ ગામનું નામ મોઢે આવે. એ છે મહેસાણાના બેચરાજી તાલુકાનું ચાંદણકી ગામ. આ ગામની ખાસિયત છે કે, આ ગામમાં કોઈના ઘરે ચુલો સળગતો નથી. ચુલો માત્ર ગામમાં એક જ જગ્યાએ પેટવાય છે અને આખું ગામ એક રસોડે જમે છે. 21 મી સદીમાં માનવામા ન આવે તેવો આ કિસ્સો છે. પરંતુ આ સાચું છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના આ ગુજરાતના આ ગામમાં જોવા મળે છે. તેથી જ ચાંદણકી ગામ ગુજરાતના નક્શામાં અનોખું ગામ તરીકે તરી આવ્યું છે. 

ગામમાં મોટાભાગના વૃદ્ધો, સંતાનો વિદેશમાં
મહેસાણા જિલ્લામાં આવેલ તીર્થધામ બહુચરાજીથી અંદાજે5 કિલોમીટર દૂર ચાંદણકી ગામ આવેલું છે. આ ગામમાં અંદાજે એક હજારની વસતી છે. આ ગામમાં 1000ની વસ્તી સામે 900 લોકો તો અમેરિકા અને અમદાવાદમાં સ્થાયી થયા છે. મોટાભાગના લોકો વૃદ્ધ છે. આ એવા વૃદ્ધો છે, જેમના સંતાનો ધંધા-રોજગાર અર્થે દેશ-વિદેશમાં વસવાટ કરે છે. વતન તેમજ વૃધ્ધ મા-બાપથી દુર રહેતા સંતાનોને ઢળતી ઉંમરમાં માતાઓને ભોજન બનાવવાની કડાકુટ ન રહે તે માટે હંમેશા ચિંતા કોરી ખાતી હતી. ગામના વડીલોને જમવાની ચિંતામાંથી મુક્ત કરવા તેમના સંતાનોએ એકસંપ થઈ ગામમાં જ તમામ વડીલો એક જ રસોડે જમે તેવી અનોખી વ્યવસ્થા ઉભી કરી દીધી.

ઘંટનાદ થતા જ બધા ભેગા થાય છે
એક રસોડે જમવાની પ્રથા અનોખી છે. ત્યારે તેના માટે કેટલાક નિયમો છે. ચાંદણકી ગામમાં સવારના અગ્યાર વાગે ઘંટનાદ થતાં જ તમામ વૃધ્ધો ઘરના દરવાજા બંધ કરીને નીકળી પડે છે. ગામના પ્રવેશદ્વારની ડાબી બાજુએ આવેલ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે પહોંચી જાય છે. મંદિર પરિસરમાં થોડી જ વારમાં ટેબલ-ખૂરશી ગોઠવાઈ જાય છે અને વડીલોને સન્માનભેર ભોજન પીરસવાનું શરૂ થઈ જાય છે. આમ, એકસાથે બધા સુખદુખના સાથીની જેમ ભેગા મળીને જમે છે. તો વડીલો એકબીજાને ભોજન પણ પિરસે છે. 

આ પ્રથાથી ફાયદો
આ પ્રથાનો ફાયદો એ છે કે, એકસાથે જમતા વડીલો એકબીજાના સુખદુખના સાથી બનીગ યા છે. પરિવાર વિદેશમાં હોઈ ઘરમાં વાત કરવા કોઈ હોતું નથી. તેથી આ પ્રકારે બધા ભેગા મળે એટલે સમય પણ પસાર થઈ જાય. આજે આ ગામમાં રહેતા દરેક વૃદ્ધને ગામમાં એકલા રહેવાનો કોઈ વસવસો નથી કે પછી પોતાના બાળકો સાથે નહિ રહેવાનો પણ વસવસો નથી.

કોઈ ઘરે રસોઈ બનાવતું નથી 
આ વરિષ્ઠ વૃધ્ધોએતો એવું આયોજન કરી દીધું કે કોઈએ પોતાના ઘરમાં રસોઈ જ બનાવવી નથી પડતી. અને સવાર બપોર સાંજ એક જ રસોડામા ચા-પાણી અને જમવાનું થાય છે. જી હા એ જાણીને નવાઈ લાગશે  કે દરરોજ 60 જેટલા વૃધ્ધો એક જ રસોડે જમે છે. અને રસોઈ બનાવવાની કોઈ ઝંઝટ જ નહિ.  

જો દરેક ગામ, સોસાયટી આવા વિચારો અપનાવે તો વૃદ્ધાશ્રમ બને જ નહિ. સાથે જ વિદેશ રહેતા સંતાનોને પણ માતાપિતાની ચિંતા કોરી નહિ ખાય, એકબીજા સાથે આ રીતે સુખદુખના સાથી બનીને રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news