જો તમે પૈસાદાર છો અને કોઈની મદદ કરવાનું વિચારો છો તો ચેતી જજો, નહિ તો રોવાનો વારો આવશે

builder fraud : વડોદરા શહેરના એક સિનિયર સિટીઝને પોતાના પરિચિતોને આર્થિક મદદ કર્યા બાદ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો

જો તમે પૈસાદાર છો અને કોઈની મદદ કરવાનું વિચારો છો તો ચેતી જજો, નહિ તો રોવાનો વારો આવશે

જયંતિ સોલંકી/વડોદરા :વડોદરામાં વગોવાયેલું સુખધામ રેસિડેન્સી બિલ્ડર ગ્રુપ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ વખતે આ બિલ્ડર ગ્રુપ પર આરોપ લાગ્યો છે સવા કરોડની છેતરપીંડીનો. સુખધામ રેસિડેન્સીના બિલ્ડર દંપતીએ સિનિયર સિટીઝનને કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં રોકાણની લાલચ આપી 1.25 કરોડનો ચૂનો ચોપડ્યો છે. 

જો તમે આર્થિક રીતે સદ્ધર છો અને કોઈની મદદ કરવાનો વિચાર કરી રહ્યા છો તો ચેતી જજો. કારણ કે, વડોદરા શહેરના એક સિનિયર સિટીઝને પોતાના પરિચિતોને આર્થિક મદદ કર્યા બાદ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. અકોટાની શ્રી નગર સોસાયટી ખાતે ગિરીરાજ કોમ્પ્લેક્સમાં રહેતા સિનિયર સિટીઝન પ્રફુલભાઇ પટેલે ગોત્રી પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, સુખધામ રેસિડેન્સી ગ્રુપના બિલ્ડર દંપતી સ્વેતા બક્ષી અને તેના પતિ હિરેન બક્ષીએ તેમની સાઇટના કન્ટ્રક્શન માટે 50 લાખ રૂપિયા માંગ્યા હતા અને જે ડ્રાફ્ટ મારફતે તેમને આપ્યા હતા. આ રીતે આ બિલ્ડર દંપતીએ સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઈ વધુ 75 લાખ રૂપિયાની માંગ કરતા તેમને ફરી એક વાર કન્સ્ટ્રક્શનના વ્યવસાય માટે મદદ કરી હતી અને આ બિલ્ડર દંપતીએ બે મહિનામાં લીધેલી રકમ પરત આપવાની બાંહેધરી આપી હતી.

સંબંધોની શરમે આર્થિક મદદ કરનાર આ સિનિયર સિટીઝને સમય મર્યાદા પૂર્ણ થયા બાદ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેથી આ બિલ્ડર દંપતીએ ગોળગોળ જવાબો આપી હાથ અદ્ધર કરી લેતા સિનીયર સિટીઝન પ્રફુલભાઈ પટેલને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. જેથી પ્રફુલભાઈએ સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકે છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસ દ્વારા સમગ્ર મામલે બિલ્ડર દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપી સ્વેતા હિરેન બક્ષીની ધરપકડ કરી છે. જ્યારે કે, બિલ્ડર હિરેન બક્ષી હાલ વિદેશમાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જેથી તેના આધારે પોલીસ દ્વારા આરોપીના પાસપોર્ટની તપાસ સહિત એમ્બેસીની મદદ લેવામાં આવી રહી છે. 

મહત્વ નું છે કે, વડોદરા શહેરના વાઘોડિયા રિંગરોડ પર આવેલી સુખધામ રેસિડેન્સી બિલ્ડર ગ્રુપ અગાઉ પણ ગ્રાહકો સાથે પૈસાની લેતીદેતી મામલે વિવાદમાં આવી ચૂક્યું છે. આ ગ્રુપના અન્ય એક પાર્ટનર દર્પણ શાહ દ્વારા ગ્રાહકો પાસેથી પૈસા લીધા બાદ દસ્તાવેજ નહિ કરી આપી લાખોની છેતરપીંડી કરવાના ગુનામાં અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે સુખધામ રેસિડેન્સી ગ્રુપના વધુ એક બિલ્ડર દંપતી વિરુદ્ધ સવા કરોડની છેતરપીંડીનો આરોપ લાગતા વડોદરા શહેરની બિલ્ડર લોબીમાં કાનાફૂસી શરૂ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news