Vadodara: વડોદરા શહેરમાં સ્વચ્છતાના દાવા વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય, મનપાની બેદરકારીથી સ્થાનિકો ત્રાહિમામ

ચોમાસું હવે દૂર નથી, હાલના સમયે શહેરોમાં તંત્ર પ્રિ મોન્સૂન કામગીરીમાં વ્યસ્ત હોવું જોઈએ. જો કે વડોદરા શહેરમાં એવું નથી. કેવી કામગીરી થઈ રહી છે, તેનો પુરાવો છે આ દ્રશ્યો. 

Vadodara: વડોદરા શહેરમાં સ્વચ્છતાના દાવા વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય, મનપાની બેદરકારીથી સ્થાનિકો ત્રાહિમામ

રવિ અગ્રવાલ, વડોદરાઃ રાજ્યમાં ચોમાસાને આડે હવે એક મહિના જેટલો સમય બાકી છે. જો કે વડોદરા મહાનગર પાલિકાએ હજુ પ્રિ મોન્સૂનની કામગીરી શરૂ નથી કરી. શહેરની મુખ્ય કાંસ ડ્રેનેજના પાણીથી ભરાયેલી છે. ગંદકીના થર જામેલા છે. દબાણો થઈ ગયા છે, થતા સત્તાધીશો જાગતાં નથી.

વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી કાંસ ગંદકીનો પર્યાય બની ગઈ છે. એવું નથી કે આ સ્થિતિ હમણા જ સર્જાઈ છે, કાંસમાં ગંદકીની સમસ્યા લગભગ કાયમી છે. ભૂખી, મસિયા અને રૂપારેલ જેવી શહેરની મુખ્ય ત્રણ  કાંસ ખુલ્લી ગટરમાં ફેરવાઈ ગઈ છે. વરસાદ વિના કાંસમાં પાણી ભરાયેયા છે. ગંદગીનો પાર નથી.

નિઝામપુરાની ભૂખી કાંસમાં તો મનપાના ઈજારદારે જ દબાણ કરી લીધું છે. પીપીપી ધોરણે તૈયાર થઈ રહેલા ટ્રાન્સપોર્ટ હબની કામગીરીમાં કાંસની આડે દિવાલ બનાવી દેવાઈ છે, કાંસ પર દબાણ કરાયું છે, જેના કારણે ડ્રેનેજનું પાણી આગળ જતું અટકી ગયું છે. 

કાંસમાં દબાણ કરાય કે તેમાં ભરાયેલા ડ્રેનેજના પાણીને ખાલી ન કરાય તો ચોમાસામાં તેની કિંમત સામાન્ય જનતાએ ચૂકવવી પડે છે. વરસાદી પાણીને નિકાલ માટે જગ્યા ન મળતાં પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળે છે. લગભગ દર ચોમાસામાં આ સ્થિતિ સર્જાય છે, પણ સત્તાધીશો જાગતા નથી.

વડોદરાના ગોત્રીથી ભાયલી સુધીની વરસાદી કાંસમાં તો મનપાએ જ પુરાણ કરી દીધું છે. કલ્યાણ ધામ હવેલીનું બાંધકામ થતા વરસાદી કાંસ પર RCC સ્લેબ ભરીને કાંસમાં પુરાણ કરી દેવાયું છે. ગોકુલનગર પાસેની કાંસમાં પુરાણ થતા વગર વરસાદે કાંસ પાણીથી છલોછલ ભરાઈ છે, લોકો અસહ્ય ગંદકી અને મચ્છરોનો ત્રાસનો સામનો કરી રહ્યા છે. દુર્ગંધથી લોકો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર છે. અનેક વખત મનપાના સત્તાધીશોને રજૂઆત કરી હોવા છતા કોઈ ફરક નથી પડતો.
 
શહેરને સ્માર્ટ સિટી બનાવવા મથતા વડોદરા મનપા સત્તાધીશો જો આ દ્રશ્યો જોઈને જાગતાં ન હોય, તો તેમના હોવાનો મતલબ શું છે. હજુ પણ સત્તાધીશોનો દાવો છે કે કામગીરી થઈ રહી છે.

મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભલે પ્રિ મોન્સૂન કામગીરી ચાલતી હોવાનો દાવો કરતા હોય, પણ હાલની સ્થિતિ તમારી સામે છે. સવાલ એ છે કે શહેરની અંદરની કાંસમાં ગટરનું પાણી ઠલવાઈ કેવી રીતે શકે. મનપાના અધિકારીઓ આમ કરનારા લોકો સામે કેમ પગલાં નથી લેતા. કેમ કામગીરી ફક્ત દેખાડો બની રહે છે.

જો વડોદરા મનપાના અધિકારીઓ અને સત્તાધીશો ચોમાસું બેસાતાં પહેલા કાંસની સફાઈ કરાવી દે તો જ પ્રિમોન્સૂન કામગીરી થઈ કહેવાય. બાકી કામગીરી તો કાગળ પર પણ થાય જ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news