શપથ સમારોહ વખતે વિજય રૂપાણીએ પણ સીએમ યોગીની જેમ તોડ્યો અંધવિશ્વાસ!

વિજય રૂપાણીએ બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા.
શપથ સમારોહ વખતે વિજય રૂપાણીએ પણ સીએમ યોગીની જેમ તોડ્યો અંધવિશ્વાસ!

અમદાવાદ: વિજય રૂપાણીએ બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ સાથે જ  તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જેમ એક અંધવિશ્વાસને તોડવાનું પણ કામ કર્યું. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપે બપોરે 12.39 મિનિટ પર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવાનું મુહૂર્ત કઢાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભાજપ આ સમયને ખુબ જ શુભ માની રહ્યો હતો. ભૂતકાળમાં ભાજપની સરકાર શપથગ્રહણ આ જ સમયે કરતી હતી. વિજય રૂપાણી જ્યારે પહેલીવાર મુખ્યમંત્રી બન્યાં ત્યારે તેમણે વિજય મુહૂર્તમાં જ શપથ લીધા હતાં. પરંતુ આ વખતે તેમણે સમય કરતા વહેલા 11.20 મિનિટ પર શપથ ગ્રહણ કર્યાં અને શુભ સમય અંગેની અંધશ્રદ્ધાને તોડી. 

યોગી આદિત્યનાથે 29 વર્ષ જૂનો અંધવિશ્વાસ તોડ્યો

આ  જ રીતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 29 વર્ષ જૂનો અંધવિશ્વાસ તોડ્યો અને નોઈડા પહોંચ્યા હતાં.  એવી માન્યતા હતી કે જો મુખ્યમંત્રી નોઈડા આવે તો તેમની ખુરશી જતી રહે. આ અંધશ્રદ્ધાને યોગીએ તોડી. મુખ્યમંત્રી બન્યા બાદ જ્યારે પીએમ મોદીનો 25 ડિસેમ્બરે નોઈડામાં કાર્યક્રમ નક્કી થયો ત્યારે ખુબ ચર્ચાઓ હતી  કે શું સીએમ યોગી નોઈડા આવશે? આ માન્યતાને યોગીએ  તોડી અને તેઓ  કાર્યક્રમમાં સામેલ થયાં. 

સૌથી પહેલા આ વાત  ચર્ચામાં ત્યારે આવી જ્યારે વર્ષ 1982માં યુપીના મુખ્યમંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ નોઈડામાં વીવી ગિરિ શ્રમ સંસ્થાનનું ઉદ્ધાટન કરવા આવ્યાં હતાં. ત્યારબાદ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યાં. વર્ષ 1988માં યુપીના મુખ્યમંત્રી વીર બહાદુર સિંહ ફિલ્મ સિટી સ્થિત એક સ્ટુડિયોમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યાં. ત્યાં તેમણે કાલિંદી કુંજ પાર્કનું ઉદ્ધાટન કર્યુ હતું. ત્યારબાદ થોડા મહિનાઓની અંદર મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યાં. વીર બહાદુર સિંહના મુખ્યમંત્રી પદથી હટાવાયા બાદ નારાયણદત્ત તિવારી યુપીના મુખ્યમંત્રી બન્યાં. તેઓ  પણ નોઈડાના સેક્ટર 12 સ્થિત નહેરુપાર્કનું ઉદ્ધાટન કરવામાં 1989માં આવ્યાં હતાં. થોડા સમય બાદ તેમને પણ પદેથી હટાવાયા હતાં. 

વર્ષ 1994માં યુપીના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ નોઈડા સેક્ટર 40 સ્થિત ખેતાન પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યાં. યાદવે મંચ પરથી કહ્યું કે હું આ માન્યતાને તોડીને જઈશ કે જે મુખ્યમંત્રી નોઈડા આવે છે તેની ખુરશી જાય છે. પરંતુ ત્યારબાદ થોડા સમયમાં જ તેમને પદેથી હટાવાયા. 

અખિલેશ યાદવ ગયા નથી નોઈડા

ત્યારબાદ તો એવું થઈ ગયું કે જે યુપીના મુખ્યમંત્રી બને તેને નોઈડા જતા ડર લાગે. વર્ષ 2000માં જ્યારે ડીએનડી ફ્લાયઓવરનું ઉદ્ધાટન થયું ત્યારે યુપીના તત્કાલિન મુખ્યમંત્રી રાજનાથ સિંહે નોઈડા જવાની જગ્યાએ દિલ્હીથી જ તેનું ઉદ્ધાટન કર્યું. માયાવતીએ આ માન્યતાને 2008માં તોડી. તે નોઈડામાં એક સાર્વજનિક સભાને સંબોધિત કરવા આવ્યાં. ત્યારબાદ સતત ચારવાર નોઈડા આવ્યાં. માયાવતીના ગયા બાદ અખિલેશ યાદવ યુપીના મુખ્યમંત્રી બન્યાં. પરંતુ પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ ક્યારેય અહીં આવ્યાં નહીં. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news