VMCના ઓડિટમાં ભાંડો ફૂટ્યો: 431 કરોડની FD મુદ્દત પહેલા તોડી, 5 કરોડના વ્યાજનું નુકસાન
વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગો થકી આવક અને ખર્ચાઓનો દર વર્ષે ઓડિટ રિપોર્ટમાં હિસાબ થતો હોય છે. જેમાં મોટાભાગે એકાઉન્ટ વિભાગ દ્વારા કરવામાં આવતી ક્ષતિઓ, મનમાની અને ગોટાળાનો પર્દાફાશ થતો હોય છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: પાલિકાના એકાઉન્ટ વિભાગે ગયા વર્ષે વિવિધ બેંકોમાં મુકેલી 431 કરોડની ફિક્સ ડિપોઝિટો પાકતી મુદ્દત પહેલા જ ઉપાડી લીધી હોવાની ચોકાવનારી વિગતો ઓડિટ રિપોર્ટમાં સામે આવતાં હડકંપ મચી જવા પામ્યો છે. ડિપોઝિટો પાકતી મુદત પહેલા ઉપાડી લેતાં પાલિકાને અંદાજિત 5 કરોડના વ્યાજનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. તો 78.48 કરોડ એડવાન્સ પેટે જે તે ખાતાઓને આપ્યા હતા તેનો હિસાબ પણ મળ્યો નથી.
વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગો થકી આવક અને ખર્ચાઓનો દર વર્ષે ઓડિટ રિપોર્ટમાં હિસાબ થતો હોય છે. જેમાં મોટાભાગે એકાઉન્ટ વિભાગ દ્વારા કરવામાં આવતી ક્ષતિઓ, મનમાની અને ગોટાળાનો પર્દાફાશ થતો હોય છે. ત્યારે પાલિકાના ઓડિટ વિભાગે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષના આવક -જાવકનું ઓડિટ કર્યું હતું. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં એકાઉન્ટ વિભાગ દ્વારા બેંકોમાં રહેલા વધારાના નાણાંનું બેંક ફિક્સ ડિપોઝિટમાં સમયાંતરે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવીને રોકાણ કરવામાં આવે છે. ફંડની જરૂરિયાત મુજબ આવી ફિક્સ ડિપોઝિટ વટાવવામાં આવતી હોય છે. જોકે ગત વર્ષ જુલાઈ 2021 દરમિયાન એકાઉન્ટ વિભાગે જુદી જુદી ખાનગી બેંકોમાં કરેલી 431 કરોડની ફિક્સ ડિપોઝિટો પાકતી મુદત પહેલા જ ઉપાડી લીધી હતી.
આ બાબત પાલિકાના ઓડિટ વિભાગને ઓડિટ દરમિયાન ધ્યાને આવી હતી. જેથી ઓડિટ શાખાએ એકાઉન્ટ વિભાગને 8 ફેબ્રુઆરી 2022ના રોજ પત્ર લખીને મુદ્દત મુદ્દત પૂર્વે વટાવવામાં આવેલી ફિક્સ ડિપોઝિટ ઉપર કોઈ વ્યાજનું નુકસાન થયું છે કે કેમ? તથા અચાનક આવી ફિક્સ ડિપોઝીટો મુદત પૂર્વે વટાવવા અંગે કઈ પરિસ્થિતિ ઉભી થયેલી છે? તે જણાવવા પત્ર લખ્યો હતો, પરંતુ એકાઉન્ટ વિભાગએ આ બાબતે કોઈ જ સ્પષ્ટતા ઓડિટ વિભાગમાં કરી ન હતી. જેથી ઓડિટ વિભાગએ ઓડિટ રિપોર્ટમાં તે બાબતનો ઉલ્લેખ કર્યો છે અને મુદત પૂર્વે વટાવેલ ફિક્સ ડિપોઝિટ પર થયેલ વ્યાજના નુકસાનની કઈ પરિસ્થિતિને કારણે થઈ હતી? તેની તલસ્પર્શી તપાસ કરવી જરૂરી છે તેવું સૂચન પણ કર્યું છે.
એકાઉન્ટ વિભાગની મનમાની ઉપરાંત ઓડિટ રિપોર્ટમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં કોર્પોરેશન આકસ્મિક અથવા અનિવાર્ય સંજોગોમાં વિકાસ, નિભાવણી કે અન્ય વહીવટી કામો તથા ખરીદી માટે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવી અધિકારીઓને એડવાન્સ નાણાં આપે છે. એ પછી કામો પૂર્ણ થયેથી તેના ફાઇનલ હિસાબોના જમા ખર્ચના બિલ ખાતા મારફતે ઓડિટ વિભાગથી માન્ય કરાવવાના હોય છે. તેમાં ઓડિટ દરમિયાન આવા 78.48 કરોડના એડવાન્સનો કોઈ હિસાબ જ મળ્યો નથી. જેમાં 48 ખાતાઓના એડવાન્સ જમા ખર્ચ શૂન્ય છે જ્યારે 73 ખાતાઓના જમા ખર્ચ 13.74 ટકા છે.
સમગ્ર મામલે ચીફ એકાઉન્ટન્ટે ખુલાસો કર્યો છે કે કામગીરીની વ્યસ્તતાના કારણે ઓડિટ વિભાગને જવાબ નથી આપી શકાયો અને પાલિકાને વ્યાજનું કોઈ નુકશાન થયું નથી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ પણ એકાઉન્ટ અને અન્ય વિભાગોને ક્લીનચીટ આપી પાલિકાને કોઈ નુકશાન ન થયા હોવાનો દાવો કર્યો.
મહત્વની વાત છે કે એકાઉન્ટ વિભાગે ખાનગી બેંકમાંથી એફડી તોડી સરકારી બેંકમાં જમા કરાવતા વ્યાજનું નુકશાન થયું તે હકીકત છે. સાથે જ જે તે વિભાગને એડવાન્સ પેટે આપેલા નાણાંનો હિસાબ ન આપનાર અધિકારીઓ સામે જો કાર્યવાહી કરવામાં આવે તો નાણાં ક્યાં વપરાયા તેનો પર્દાફાશ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે