સાવધાન! ખરીદીના બહાને જ્વેલર્સમાં આ રીતે દાગીનાની ચોરી: ભેદ ઉકેલવા 40 CCTV ખંગોળ્યા
વાડજ વિસ્તારમાં આવેલા જવેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગ્રાહકના સ્વાંગમાં એક મહિલા અને બે પુરુષો જવેલર્સની દુકાનમાં વેપારીની નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ચોર ગેંગની ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદનાં વાડજ વિસ્તારમાં આવેલા જવેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગ્રાહકના સ્વાંગમાં એક મહિલા અને બે પુરુષો જવેલર્સની દુકાનમાં વેપારીની નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ચોર ગેંગની ધરપકડ કરી છે.
આ ઘટના છે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા આભૂષણ જ્વેલર્સની. ગત તારીખ 30 એપ્રિલના રોજ દુકાન ખોલતાની સાથે જ ત્રણ લોકો દુકાનમાં પ્રવેશે છે અને વેપારી પાસે સોનાની વસ્તુ માંગે છે તે બતાવતા સમયે વેપારીનું ધ્યાન ન હોય ત્યારે દોઢ લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાની ચોરીને અંજામ આપે છે. જોકે વેપારીને ખ્યાલ આવતા તેણે વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
વાડજ પોલીસે પ્રવીણ ઉર્ફે અરવિંદ દંતાણી, કરણ ઉર્ફે કાલુ દંતાણી તેમજ ભારતીબેન દંતાણીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે ત્રણેય લોકોએ ચોરીનાં ઇરાદે એક સાથે મળીને નીકળ્યા હતા અને જ્વેલર્સની દુકાનમાં વેપારી નજર ચૂકવી ચોરીને અંજામ આપ્યો હતો. ત્રણેય આરોપીઓ એકબીજાના પરિચિત છે. ત્રણેય આરોપીઓએ છકડો રીક્ષા ભાડે કરી આભૂષણ જ્વેલર્સ સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ સોનાની ખરીદી કરવાના બહાને ચોરી કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રવીણ ઉર્ફે અરવિંદ દંતાણી વિરુદ્ધ અગાઉ કડી પોલીસ સ્ટેશન તેમજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જ્યારે આરોપી કરણ ઉર્ફે કાલુ દંતાણી વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
વાડજ પોલીસે જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા 40 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હાલ તો પોલીસ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ત્રણેય દ્વારા અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ આ ઉપરાંત જે છકડો રીક્ષા લઈને આરોપીઓ ચોરી માટે આવ્યા હતા. તેના માલિક અથવા અન્ય કોઈ ચોરીની ઘટનામાં સામેલ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે