ઉનાળો બેઠો નથી ને ગુજરાના આ શહેરમાં પાણીનો કકળાટ શરૂ, મહિલાઓ રોષે ભરાતાં પોલીસ સાથે ઝપાઝપી
માધાપર વિસ્તારમાં આવેલી સત્યમ, શિવમ, સુંદરમ સોસાયટીના મહિલાઓનું કહેવું હતું કે, 15 વર્ષ થી તેઓ આ વિસ્તારમાં વસવાટ કરે છે. કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યા તે બાબતને બે વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ મનપાના શાસકો દ્વારા ભર ઉનાળે આજીડેમ છલકાવવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મહાનગરપાલિકા ખાતે ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો પોકાર ઉઠ્યો છે. મહાનગરપાલિકાના નાપાણીયા શાસકો સામે મહિલાઓનો પાણીદાર વિરોધ જોવા મળ્યો હતો.
રાજકોટ શહેરમાં આજે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ બોર્ડ મળ્યું હતું. મહાનગરપાલિકા ખાતે મળેલ જનરલ બોર્ડમાં આજે બજેટને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં પાણી વેરામાં સૂચવેલ વધારો તેમજ મિલકત વેરામાં સૂચવેલ વધારો સહિતના કરવેરાના વધારાને બહુમતીના જોરે મંજુર...મંજુર...મંજુર કરી બહાલી આપી દેવામાં આવી. તો બીજી તરફ સમગ્ર મામલે જ્યારે બજેટને લઈ જનરલ બોર્ડમાં પાણીવેરો વધારાને બહાલી આપવામાં આવી રહી હતી, ત્યારે મહાનગરપાલિકાની કચેરી ખાતે મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો.
મહાનગરપાલિકા ખાતે એકઠી થયેલી મહિલાઓ દ્વારા પાણી આપો પાણી આપોનો પોકાર લગાવવામાં આવ્યો હતો. માધાપર વિસ્તારમાં આવેલી સત્યમ, શિવમ, સુંદરમ સોસાયટીના મહિલાઓનું કહેવું હતું કે, 15 વર્ષ થી તેઓ આ વિસ્તારમાં વસવાટ કરે છે. કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યા તે બાબતને બે વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં આજે પણ તેમની સોસાયટીમાં પાણીના ટેન્કર મારફતે જ તેમને પાણી આપવામાં આવી રહ્યું છે. શહેરના અન્ય વિસ્તારોમાં 20 મિનિટ પાણી આપવામાં આવે છે જ્યારે કે આ સોસાયટીની રહેવાસી મહિલાઓને ઘર દીઠ એકાતરા 150 લીટર પાણી જ આપવામાં આવી રહ્યું છે.
તો બીજી તરફ મહિલાઓનો પાણીદાર વિરોધ જોઈને વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા જનરલ બોર્ડ છોડી મહિલાઓ પાસે દોડી ગયા હતા. ત્યારે સ્થાનિક મહિલાઓએ પોતાના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજાનો પણ ઉધડો લીધો હતો. તો બીજી તરફ બાબુ ઉધરેજાએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આપની સોસાયટીને મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા અને માત્ર બે વર્ષનો સમય વીત્યો છે. ત્યારે બે ત્રણ વર્ષમાં તમામ કામો ન થાય તેના માટે સમયની હજુ જરૂર છે.
તો બીજી તરફ મહિલાઓ કોર્પોરેટરની વાતથી સંતુષ્ટ ન થતાં તેઓએ મેયરને મળવાની જીદ પકડી હતી. ત્યારે મહિલાઓ ચાલુ જનરલ બોર્ડે મેયર સુધી ન પહોંચે તે માટે વિજિલન્સ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા મહાનગરપાલિકાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે વિજિલન્સ અને સ્થાનિક મહિલા પોલીસ અને વિરોધ કરી રહેલી મહિલાઓ વચ્ચે એક તબક્કે ઘર્ષણ પણ થયું હતું. વિજિલન્સ અને સ્થાનિક પોલીસ દ્વારા વિરોધ કરી રહેલી મહિલાઓની અટકાયત કરવા માટેની તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી.
જોકે દરમિયાન જનરલ બોર્ડ પૂર્ણ થઈ જતા મહિલાઓને મેયર ચેમ્બર સુધી જવા દેવામાં આવી હતી તેમ જ મેયર સમક્ષ રજૂઆત પણ કરવા દેવામાં આવી હતી. ત્યારે મેયર પ્રદીપ ડવ દ્વારા મહિલાઓને ખાતરી આપવામાં આવી હતી કે, આગામી એક મહિનામાં તેમને ત્યાં પાણીની લાઈન નાખવાનું કામકાજ શરૂ થઈ જશે. તેમજ સોસાયટીનો રીસર્વે કરાવી જેટલા ઘર છે તે દીઠ 150 લીટર કરતા મહત્તમ બનશે તેટલું પાણી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2013 બાદ થી આ સિલસિલો શરૂ છે. મનપાની ચૂંટણી પૂર્વે જુદા જુદા ગામડાઓને મહાનગરપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવે છે. મનપાની હદમાં સમાવેશ થતા ની સાથે તેમના પર વધુ કરવેરા પંચાયતની સરખામણીએ નાખવામાં આવે છે. પરંતુ જ્યારે લોકો કરવેરા વધતા સુવિધાની માંગ કરે છે ત્યારે શાસકો કામ થઈ જશે તેવા વચનો આપે છે. ત્યારે એક તરફ પાણી વેરાનો ડામ તો બીજી તરફ પૂરતું પાણી ન મળવાની ફરિયાદ. કઈ રીતે રાજકોટ મનપા ઉકેલ લાવે છે તે પણ જોવું મહત્વનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે