બનાસકાંઠામાં શિયાળાથી જ પાણીની બુમ, ખેડૂતોએ મામલતદાર કચેરી બહાર ધરણા શરૂ કર્યા

બનાસકાંઠામાં શિયાળાથી જ પાણીની બુમ, ખેડૂતોએ મામલતદાર કચેરી બહાર ધરણા શરૂ કર્યા
  • પાણીના ઠાલા વચનોથી કંટાળેલા ખેડૂતોએ આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું
  • બમણી આવક કરવાની વાતો વચ્ચે જેટલી આવક થાય છે તેટલી રહે તો પણ પુરતું છે

અલ્કેશ રાવ/બનાસકાંઠા : જિલ્લાના દિયોદર, લાખણી અને થરાદ પંથક માંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ઢોલ સાથે 5 તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં લાખણી મામલતદાર કચેરીએ પહોંચી ધરણા ઉપર બેઠા છે. ખેડૂતોની માંગ છે કે જ્યાર સુધી કેનાલમાં પાણી નહિ છોડાય ત્યાર સુધી તેમના ધરણા ચાલુ રહશે. તેમજ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને ન્યાય નહિ મળે તો એકપણ નેતાઓને તેમના ગામમાં ઘુસવા નહિ દે. રાજ્યનો છેવડાનો જિલ્લો બનાસકાંઠા હંમેશા પાણીની અછત ભોગવતો આવ્યો છે. જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી અનેકવાર પાણીની બુમરાડ ઉઠે છે ત્યારે વધુ એકવાર પાણીનો પોકાર સામે આવ્યો છે. 

ખેડૂતો સરકાર અને તંત્રને ઢંઢોળવા માટે ઢોલનગારા લઇને પહોંચ્યા
જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર, લાખણી અને થરાદ પંથકમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાના અને કાંકરેંજના ચાંગા પંપિંગ સ્ટેશનના તમામ 6 પંપિંગ સ્ટેશન ચાલુ કરવાના અનેક વાયદાઓ બાદ કોઈ જ પરિણામ ન આવતા લાખણી, દિયોદર અને થરાદ, ડીસા અને કાંકરેજ પંથકના ખેડૂતો પંપિંગ સ્ટેશન ચાલુ કરવા અને કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ઢોલ વગાડતા લાખણી મામલતદાર કચેરીએ આવી પહોંચ્યા હતા. ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને તાત્કાલિક પમ્પીગ સ્ટેશન ચાલુ કરી પાણી છોડવાની માંગ સાથે મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેઠા છે. 

પાણી નહી આવે ત્યાં સુધી અમારૂ આંદોલન યથાવત્ત જ રહેશે...
ખેડૂતોનું કહેવું છે કે પાકની સિઝન શરૂ હોવા છતાં કેનાલમાં પાણી નથી એક બાજુ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવ્યા છે પણ પાણી વગર પાક મુરઝાઇ રહ્યા છે. જેથી જો તાત્કાલિક પાણી નહિ છોડાય તો તેવો તેમના ધરણા ચાલુ રાખશે અને જ્યાર સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાર સુધી અહીં જ બેસી રહેશે. જોકે જ્યાર સુધી પાણી નહિ મળે ત્યાર સુધી કોઈપણ રાજકીય નેતાઓને પોતાના ગામોમાં પ્રેવશ નહિ આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. અમને ચાંગા પમ્પીગ સ્ટેશથી 6 પમ્પો ચાલુ કરી અમને સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવામાં આવે નહિ તો અમે અહીં જ ધરણા ઉપર બેસી રહેશું. કોઈ નેતાને ગામમાં નહિ આવવા દઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news