નબળા બાંધકામની ખૂલી પોલ! રાજકોટમાં આધુનિક ST બસપોર્ટમાં છતમાંથી ટપકી રહ્યું છે પાણી
રાજકોટમાં વર્ષ 2020 માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આધુનિક બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે અહીં નબળા બાંધકામ ની પોલ ખુલ્લી હોય તેમ મુસાફરો જ્યાં બેસે છે તે વેઇટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે તો બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેટ પર જ ગટરના ગંદા પાણી વહેતા ચોમાસાની અનુભૂતિ થઈ રહી છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં રૂ.150 કરોડનાં ખર્ચે નિર્મિત આધુનિક બસપોર્ટમાં છતમાંથી ટપકતા પાણી, એન્ટ્રી ગેઇટ પર ગટરના ગંદા પાણી વહે છે. રાજકોટમાં વર્ષ 2020 માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આધુનિક બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે અહીં નબળા બાંધકામ ની પોલ ખુલ્લી હોય તેમ મુસાફરો જ્યાં બેસે છે તે વેઇટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે તો બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેટ પર જ ગટરના ગંદા પાણી વહેતા ચોમાસાની અનુભૂતિ થઈ રહી છે.
રાજકોટના ઢેબર રોડ પર વર્ષ 2020 માં રૂ.150 કરોડનાં ખર્ચે આધુનિક બસપોર્ટનું લોકાર્પણ થયું હતું. જે બાદ અહિં મોલ અને મલ્ટિપ્લેક્સનું નિર્માણ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે હકીકતમાં અહીં બસપોર્ટની બદતર હાલત જોવા મળી રહી છે. દરમિયાન આજે બસપોર્ટમાં મુસાફરો જ્યાં બેસે છે તે વેઇટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકી રહ્યું હતું. જેને લીધે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી અહીં એક ડોલ મૂકવામાં આવી હતી અને સ્વિપર સતત સફાઈ કરતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત બસપોર્ટના એન્ટ્રી ગેટ પાસે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ચોમાસામાં વરસાદ પડ્યો હોય અને પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાને પૂછતા તેમણે જણાવ્યું હતુ કે, બસપોર્ટની બહાર ભરાયેલા પાણી મામલે અગાઉ સાયોના ગૃપને નોટિસ ફટકારી હતી. જયારે આજે અહીં ભરાયેલું પાણી ગટરનું પાણી છે. જેથી ગુજરાતી ગટરની સમસ્યા મામલે રાજકોટ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી છે અને પ્લેટફોર્મ નંબર - 6 પાસે છત પરથી પાણી પડે છે તે બાબતે એજન્સીને સૂચના આપી દીધી છે.
ઉલ્લેખનિય છે કે 3 વર્ષ પહેલાં રાજકોટને આધુનિક બસપોર્ટ મળ્યું હતું અને આ જગ્યા પર મોલ, મલ્ટિપ્લેકસ સહીતની આધુનિક સુવિધાઓ ઊભી થશે તેવી જાહેરાત થઈ હતી. જોકે અહીં ગ્રાઉન્ડ ફ્લોર સિવાય ઉપરના 3 ફ્લોર પર મોટાભાગની દુકાનો ખાલી છે અને મોલ - મલ્ટિપ્લેકસની જગ્યાએ ખંઢેર હાલત જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે