પાણી માટે પોકાર: ઉનાળો હજી તો શરૂ જ થયો ત્યાં ભાવનગરમાં પાણી માટે વલખા

ઉનાળો આવતાની સાથે રાજ્યના અનેક ગામોમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. ભાવનગર જીલ્લાનું છેવાડાનું ગામ એવા અધેલાઈ કે જ્યાં તંત્રની અણઆવડતને લઇ આ ગામના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. આ ગામને પાણી પૂરું પડતી માલપર લાઈનમાં છેલ્લા ૩૬ દિવસથી અનિયમિત અને અપૂરતું પાણી આપવામાં આવતું હોય આ ગામની મહિલાઓને ૨ કિમી દુર સંપમાં પાણી ભરવા જવું પડે છે. એ પણ માત્ર પીવા પુરતું જ હોય ત્યારે પાણી વગર આ ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વહેલી તકે પાણી નહિ મળે તો હાઈવે ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.
પાણી માટે પોકાર: ઉનાળો હજી તો શરૂ જ થયો ત્યાં ભાવનગરમાં પાણી માટે વલખા

ભાવનગર : ઉનાળો આવતાની સાથે રાજ્યના અનેક ગામોમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. ભાવનગર જીલ્લાનું છેવાડાનું ગામ એવા અધેલાઈ કે જ્યાં તંત્રની અણઆવડતને લઇ આ ગામના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. આ ગામને પાણી પૂરું પડતી માલપર લાઈનમાં છેલ્લા ૩૬ દિવસથી અનિયમિત અને અપૂરતું પાણી આપવામાં આવતું હોય આ ગામની મહિલાઓને ૨ કિમી દુર સંપમાં પાણી ભરવા જવું પડે છે. એ પણ માત્ર પીવા પુરતું જ હોય ત્યારે પાણી વગર આ ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વહેલી તકે પાણી નહિ મળે તો હાઈવે ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.

ભાવનગર જીલ્લાનું છેવાડાનું અને ૧૦૦૦ ની વસ્તી ધરાવતું ગામ એવું અધેલાઈ કે જ્યાં છેલ્લા ૩૬ દિવસથી સાવ અનિયમિત અને અપૂરતું પીવાનું પાણી મળતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠાય છે. આ ગામમાં હજુ મહીપરીયેજના પાણીની લાઈન ના હોય હાલ માલપરા જલમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ એક તરફ રાજ્ય સરકાર પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા સૌની યોજના અને જલ સે નલ જેવી યોજનાં હેઠળ લોકોને ઘરે ઘરે પાણી પહોચાડવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. પરંતુ સરકારની શાખને ધૂળમાં મેળવવાની કામગીરી આ સરકારના કર્મચારીઓ જ કરી રહ્યા છે. 

અહી માલપરા જલમ માં પાણી નથી એવું નથી પરંતુ તંત્રની મેલીમુરાદ કહો કે અણઆવડત કે પછી આંતરિક સંકલનનો અભાવ જેના કારણે આ ગામ છતાં પાણીએ પાણી વગર ટળવળી રહ્યું છે. આ ગામના છેવાડે ગ્રામપંચાયત દ્વારા ૨૦ વર્ષ પહેલા એક સંપ બનાવામાં આવ્યો છે. જેમાં માલપરા જલમનું પાણી લાઈન મારફતે પહોચે છે અને ત્યાર બાદ તેમાંથી પાણીનું ગામમાં વિતરણ શક્ય બને છે, પરંતુ માલપરા જલમનું પાણી વેળાવદર -મીઠાપરા-કાનાતળાવ-બાવલીયાળી-જસવંતપુર-ભડભીડ-કોટડા ગામના લોકોને એકાંતરે પણ એક જ સમયે આપવામાં આવતું હોવાથી પાણીનું પ્રેસર સાવ ઓછું હોય છે. 

સતત ૧૨ કલાક પાણી આવે ત્યારે સંપમાં માત્ર ૩ ફૂટ પાણી ભરાય છે. જે માત્ર અડધા ગામને આપી શકાય તેમ હોય બાકીના લોકો પાણી વગરના રહે છે. જેથી આ ગામની મહિલાઓને ઘરમાં પીવાના પાણીની જરૂરિયાત માટે બે કિલોમીટર દુર પાણી ભરવા સંપ પર જવું પડે છે. જ્યાં દોરી વડે પાણી સીંચી અને લોકો પીવા પુરતું પાણી પોતાના ઘરે લઇ જતા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે. મહિલાઓની સાથે નાની બાળાઓ પણ માથા પર ઘડો લઇ પાણી ભરવા જતા હોય તેવા દ્રશ્યો આજના સમયમાં આ સરકાર માટે એક શરમજનક બાબત કહી શકાય કારણ કે આવા બાળકો અભ્યાસ માટે સમયમાં આપે કે ઘરકામમાં તે એક મોટો સવાલ છે. 

જયારે માલઢોર રાખતા માલધારીઓની હાલત પણ દયનીય છે, કારણ કે જ્યાં પોતાને પીવા પુરતું પાણી ઉપલબ્ધ નથી ત્યાં માલઢોરના માટે પીવાના પાણીની અલગ વ્યવસ્થા કરવી પડે છે. જેમાં માલધારીઓ પોતાના ઘરે સ્વખર્ચે પાણીના ટાંકા મંગાવી તેની જરૂરિયાત સંતોષી રહ્યા છે. અધેલાઈ એટલે ભાલ વિસ્તારનું ગામ હોય દરિયો માત્ર ૧૧ કિમી દુર છે. જેથી અહી તળમાં માત્ર ૭ થી ૧૦ ફૂટે પાણી મળે છે પણ એટલી ખારાશ વાળું હોય છે કે તે માલઢોર પણ પી શકતા નથી. ત્યારે વહેલી તકે આ ગામની પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ મહિલાઓ કરી રહી છે.

ગામના સરપંચ દ્વારા પાણી મામલે કલેકટર, ડીડીઓ, કાર્યપાલક ઇજેનેર વગેરેને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી જેના પગલે કલેકટર દ્વારા ૧૨ દિવસ પૂર્વે સ્થળ મુલાકાત લઇ પાણી અંગે યોગ્ય કામગીરી કરવા પાણી વિભાગના અધિકારીઓને સુચના આપી હતી, પરંતુ આજદિન સુધી આ અંગેનું કોઈ નિરાકરણ ના આવતા આજે ગ્રામજનોએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ જો અગામી ૧૦ દિવસમાં અધેલાઈ ગામની પાણીની સમસ્યા નહિ ઉકેલાઈ તો ભાવનગર-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરવાંની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી.

GUJARAT CORONA UPDATE: 13 નવા કેસ, 4 રિકવર એક પણ મોત નહી
આ અંગે પાણી પુરવઠા વિભાગના એન્જીનીયર એ જણાવ્યું હતું કે માલપરા થી વિતરણ કરવામાં આવતા પાણીમાં કાપ મુકાયો છે, જે માટે સૂચના આપી દીધી છે તેમજ પાણી ની લાઈનમાં અન્ય કોઈ પણ જગ્યાએ ભંગાણ કે લીકેજ અંગે તપાસ ચાલી રહી છે, જે પૂર્ણ થતા ગામલોકો ને સત્વરે પાણી મળી રહે એવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news