જીવ બચાવવા માટે પાણીયુદ્ધ : વીંછીયાના બે ડઝન ગામોમાં પાણી નથી, હિજરત કરવાનો વારો આવ્યો

ગુજરાતમાં આ વર્ષે પૂરતો વરસાદ વરસ્યો છે અને તમામ ડેમો પાણીથી છલકાઈ ગયા હતા, ત્યારે સૌથી ઓછો વરસાદ વિછીયા તાલુકામાં નોંધાયો હતો. ઓછા વરસાદને લઈને વીંછીયાં તાલુકાના અનેક તળાવ ખાલીખમ છે અને સરકાર દ્વારા આ વર્ષે પીવાના પાણીની કોઈ સમસ્યા નહિ રહે તેવા દાવા કર્યા હતા. પરંતુ રાજકોટ જિલ્લાનું જસદણ અને વીંછીયામાં કંઈક અલગ જ સ્થિતિ છે. અહીં પાણી માટે લોકો રીતસરના વલખા મારવા પડી રહ્યા છે. જયારે ખેતરમાં ઉનાળુ પાક માટે પિયત માટે પાણી જ નથી, હવે જો સરકાર પાણીની કોઈ વ્યવસ્થા નહિ કરે તો અહીંથી લોકોને હિજરત કરવાનો સમય આવશે.
જીવ બચાવવા માટે પાણીયુદ્ધ : વીંછીયાના બે ડઝન ગામોમાં પાણી નથી, હિજરત કરવાનો વારો આવ્યો

નરેશ ભાલિયા/રાજકોટ :ગુજરાતમાં આ વર્ષે પૂરતો વરસાદ વરસ્યો છે અને તમામ ડેમો પાણીથી છલકાઈ ગયા હતા, ત્યારે સૌથી ઓછો વરસાદ વિછીયા તાલુકામાં નોંધાયો હતો. ઓછા વરસાદને લઈને વીંછીયાં તાલુકાના અનેક તળાવ ખાલીખમ છે અને સરકાર દ્વારા આ વર્ષે પીવાના પાણીની કોઈ સમસ્યા નહિ રહે તેવા દાવા કર્યા હતા. પરંતુ રાજકોટ જિલ્લાનું જસદણ અને વીંછીયામાં કંઈક અલગ જ સ્થિતિ છે. અહીં પાણી માટે લોકો રીતસરના વલખા મારવા પડી રહ્યા છે. જયારે ખેતરમાં ઉનાળુ પાક માટે પિયત માટે પાણી જ નથી, હવે જો સરકાર પાણીની કોઈ વ્યવસ્થા નહિ કરે તો અહીંથી લોકોને હિજરત કરવાનો સમય આવશે.

ડઝનેક ગામોમાં પીવાનું પાણી નથી 
પીવાના પાણીને લઈને રાજકોટ જિલ્લાના જસદણ અને વીંછીયાની હાલત ખુબ જ ગંભીર છે. અહીં પાણીના એક બેડા પાણી માટે ઠેક ઠેકાણે ભટકવું પડે છે. પાણીના બેડા અને અન્ય વાસણો સાથે પાણી માટે ભટકતા લોકોના દ્રશ્યો અહીં સામાન્ય છે. ઘરમાં પાણીની વ્યવસ્થા કરવા માટે ઘરના તમામ લોકો પાણી માટે મહેનત કરતા જોવા મળે છે. લાખવાડ, રેવાણીયા, પાનેલીયા, પાટીયાળી, દેવધરી, સનાળા, વનાળા, ગોખલાણા, ગુંદાળા(જામ), કોટડાભાડેર, આંકડીયા(સરતાનપર), આંબરડી, ઓરી, ગોરૈયા, નાનામાત્રા, કનેસરા સહિતના અનેક ગામોમાં હાલ પાણીની મોટી સમસ્યા છે.

આખેઆખા પરિવાર પાણી લાવવાના કામમાં જોડાય છે 
આ સહિત અનેક ગામો હાલ પીવાના પાણીની સમસ્યા સામે જજુમી રહ્યા છે, અહીં એક બેડું પીવાના પાણી માટે ગામ માંથી દૂર સિમ વિસ્તારમાં જવું પડે છે. પાણી માટે જાણે કે અહીં દૂર દૂર સુધી ભટકવું પડે છે. પાણી લાવવા માટે ઘરના દરકે સભ્ય જોડાઈ જાવું પડે છે, ત્યારે તમામ લોકો પોતાના પરિવારને મદદ કરી રહ્યા છે. જે બતાવે છે કે અહીં પાણીની કેવી હાલત હશે. કહેવાય છે કે જળ એ જ જીવન. તે અહીં ખરેખર સાચું દેખાઈ રહ્યું છે. કારણ કે જીવનની મુખ્ય જરૂરિયાત એવા પાણી માટે અહીંના લોકો એક જીવન યુદ્ધ લડી રહ્યા છે.

22 તળાવ અને ચેકડેમ પણ કામના નથી
સ્થાનિકો હીનાબેન સોલંકી અને મુકેશ રાજપરા કહે છે કે, જસદણ અને વિછિયા તાલુકામાં અંદાજિત 22 જેટલા નાના મોટા ચેક ડેમો અને તળાવ આવેલ છે અને હાલની પરિસ્થતિ જોતા 19 જેટલા જળાશયો પાણી વગરના કોરાધાકોર છે અને રમતગમતના મેદાન જેવા લાગી રહ્યા છે. માત્ર 3 જળાશયો જેમાં આલણસાગર ડેમમાં-18 ફૂટ, આધીયા ડેમમાં-17 ફૂટ અને રાજાવડલા ડેમમાં-9 ફૂટ જ પાણી ભરેલું છે. જસદણ અને વિંછિયાના લોકોને ઉનાળામાં પીવાનું પાણી પૂરું પડવું હોય તો પાણી પૂરતું નથી અને તેના માટે પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. ત્યારે સરકાર સૌની યોજના દ્વારા તળાવો ભરવામાં આવે તે પણ જરૂરી છે.

પીવા પાણી નથી, તો ખેતી માટે શું કરવું 
જસદણ અને વિંછિયામાં લોકોમાટે પીવાના પાણીની સમસ્યા જ નહિ, પંરતુ ખેતીમાં આનાથી વિશેષ સમસ્યા અને મુશ્કેલી છે. અહીં ઉનાળામાં વાવેતર માટે પાણીની કોઈ વ્યવસ્થા જ નથી. પિયત માટે તો કોઈ ડેમ કે તળાવમાં પાણી નથી. સાથે સાથે ખેતરોમાં બોર અને કૂવાના તળિયા દેખાય છે અને કુવા કે બોરમાંથી પિયત માટે એક ટીપું પાણી પણ મળે તેમ નથી. પશુ માટે માંડ થોડું ઘણું પાણી બચ્યું છે. જેને લઈને ખેડૂતોને તો ઉનાળુ પાક લઈ શકે નહિ લઇ શકે. જેને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. 

વીંછીયાના ખેડૂત ખીમજીભાઇ જોગરાજીયા કહે છે કે, વરસાદના પગલે લોકોને આશા હતી કે આ વર્ષે પાણીની કોઈ સમસ્યા નહિ રહે, પરંતુ સરકારની અયોગ્ય નીતિ અને કોઈ આયોજન ન હોવાથી હાલ આ ગામડાઓ પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે. સાથે જ ગામડામાં મહિલાઓના જણાવ્યા પ્રમાણે, 20 દિવસે અથવા મહિને એક વખત જ પાણી આપવામાં આવે છે, અને લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે.

જસદણ અને વીંછીયાની પાણીની સમસ્યા સરકારને દેખાતી નથી. આ વિસ્તારના પ્રાંત અધિકારી કેવી ભટ્ટીએ કહ્યુ કે, બધું સલામત છે અને લોકોને પાણીની કોઈ સમસ્યા નહિ રહે તે માટે સરકાર કામ કરી રહી છે, સાથે જો કોઈ ગામડામાં પાણી સમસ્યા હશે તો ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. અધિકારી ભલે આવી વાતો કરી રહ્યા છે, ત્યારે આ વિસ્તારની પાણીની સમસ્યા કોઈને દેખાતી નથી તે ચોક્કસ છે. ઘરે ઘરે નળ જળની મોટી વાતો કરતી સરકાર જસદણ અને વિછિયામાં પાણીની કોઈ વ્યવસ્થા જ કરી નથી શકી, ત્યારે અહીંના લોકો અને ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરે તે જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news