કોર્ટે ફેનિલને કહ્યુ, ગ્રીષ્માને મારતો વીડિયો અમે 35 વાર જોયો, તેમાં તમારા પ્રેમ જેવુ કંઈ લાગતુ નથી

Grishma Vekariya murder case verdict : ગ્રીષ્મા વેંકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતું. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે સરાજાહેર ગળુકાપી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી હતી, ત્યારે આખરે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે 

કોર્ટે ફેનિલને કહ્યુ, ગ્રીષ્માને મારતો વીડિયો અમે 35 વાર જોયો, તેમાં તમારા પ્રેમ જેવુ કંઈ લાગતુ નથી

ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર રાજ્યને હચમચાવી દેતા સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ કેસમાં દોષિત ફેનિલને દોષિત જાહેર કર્યો હતો, તો આજે દોષિત ફેનિલને સજા સંભળાવવામાં આવશે. ત્યારે કોર્ટે સુનાવણીમાં કહ્યુ હતું કે, ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર કોર્ટમાં જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં બંને વચ્ચે કોઈ પ્રેમ હોય એવું જણાતું નથી.

કોર્ટે પુરાવા માટે 35 વાર જોયો વીડિયો
ફેનિલને દોષિત જાહેર કરતા કોર્ટે કહ્યું કે, જે લોકોએ આ વીડિયો ઉતાર્યો છે તે અનાયાસે ઉતાર્યો છે. જે કેસનો મહત્વનો પુરાવો બન્યો છે. આ પુરાવો સત્ય સાબિત થયો છે. અમારા માટે આ વીડિયો જોવો મુશ્કેલ ન હતો. ન્યાય માટે અમે વારંવાર તેને જોયો. બચાવ પક્ષે ફેનિલ ગ્રીષ્મા માટે જે પ્રેમની વાત કરી તે વીડિયોમાં ક્યાંય જણાતી નથી. આરોપીની માનસિકતા બહુ જ ક્રુર છે. 

ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતું. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે સરાજાહેર ગળુકાપી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો અને રાજ્યભરમાંથી આરોપી ફેનિલને કડક સજાની માગ ઉઠી હતી. આ કેસમાં સરકારે ત્વરિત એક્શન લેતા SITની રચના કરી હતી અને SITએ આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટમાં 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.

તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે
કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. જે બાદ 16 એપ્રિલની મુદ્દતમાં આરોપીના વકીલ હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. જેના કારણે કોર્ટે 21 એપ્રિલે સુનાવણીમાં હત્યારા ફેનિલને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યા બાદ પૂછ્યું હતું કે, તમને મૃત્યુદંડ કેમ ન આપવો? નિસહાય હથિયાર વગરની યુવતીનો મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે કહ્યું કે જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે? કોર્ટે પૂછેલા પ્રશ્નો એક પણ વખત ફેનિલે જવાબ ન આપ્યો. કોર્ટે કહ્યું કે સજા પહેલા કોર્ટ સમક્ષ અંતિમ વખત તમે તમારી વાત મૂકી શકો છો. જો કે, કોર્ટે વારંવાર ફેનિલને પૂછયું તમારે કંઈ કહેવું હોય તો કહી શકો છો પરંતુ ફેનિલ એક પણ શબ્દ બોલ્યો ન હતો.

હત્યા ઉશ્કેરાટમાં નહિ પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી
સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.

મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. જો કે આજના કોર્ટના સજાના એલાન પર સૌ કોઈની નજર હતી.

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news