મોડાસા માર્કેટ યાર્ડ ઘઉંની મબલખ આવકથી ઉભરાયું

અરવલ્લી જીલ્લામાં ઘઉંનો પાક તૈયાર થઇ જતા મોડાસા માર્કેટ યાર્ડ ખાતે ઘઉંની મબલખ આવક ચાલુ થઇ છે. જોકે ખેડૂતોને માર્કેટમાં ટેકાના ભાવ કરતા ઘઉંની ગુણવત્તા મુજબના ભાવ મળતા ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવાના છોડી માર્કેટમાં વેચી રહ્યા છે

મોડાસા માર્કેટ યાર્ડ ઘઉંની મબલખ આવકથી ઉભરાયું

સમીર બલોચ, અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં ઘઉંનો પાક તૈયાર થઇ જતા મોડાસા માર્કેટ યાર્ડ ખાતે ઘઉંની મબલખ આવક ચાલુ થઇ છે. જોકે ખેડૂતોને માર્કેટમાં ટેકાના ભાવ કરતા ઘઉંની ગુણવત્તા મુજબના ભાવ મળતા ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવાના છોડી માર્કેટમાં વેચી રહ્યા છે. જેથી મોડાસા માર્કેટ યાર્ડ હાલ ઘઉંની મબલખ આવકથી ઉભરાયું છે.

અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સીઝનમાં ખેડૂતોએ 55 હજાર હેકટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ સાનુકૂળ વાતાવરણને કારણે જિલ્લામાં ઘઉંના પાકનું મબલખ ઉત્પાદન થયું છે જેના કારણે હાલ ખેડૂતો ઘઉંનો પાક લઇ મોડાસા એપીએમસીમાં મોટી સંખ્યમાં વેચવા આવી રહ્યા છે. મોડાસા માર્કેટયાર્ડમાં હાલ રોજની 8,000 બોરી જુદી જુદી જાતના ઘઉંની આવક થઈ રહી છે જેના કારણે યાર્ડ સવારે ઘઉંની મબલખ આવકથી ઉભરાઈ રહ્યું છે.

આ સાથે સાથે ગુણવત્તા સભર ઘઉં ધરાવતા ખેડૂતોને ઘઉંના ભાવ 350થી 425 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ મળી રહ્યા છે. જે ટેકાના ભાવ કરતા પ્રતિ 20 કિલોએ 40 રૂપિયા વધુ મળી રહ્યા છે અને ઘઉંના રૂપિયા પણ તરતજ રોકડા થઈ જાય છે. બીજી તરફ સરકારે ઘઉંની ટેકાના ભાવે સોમવારથી ખરીદી ચાલુ કરી છે પણ અત્યાર સુધીમાં ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવામાં નીરસતા દાખવી છે. હાલ ખેડૂતો મોટી સંખ્યામાં ઘઉંનો મબલખ પાક લઇ મોડાસા એપીએમસી ખાતે વેચવા આવી રહ્યા છે.

Live TV:- 

સમગ્ર મામલે મોડાસા એપીએમસીના સ્ક્રેતારીએ જણાવ્યું હતું કે જીલ્લામાં ઘઉંનું સારું ઉત્પાદન થતા હાલ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો રોજની 8,000 બોરી ઘઉં લઇ વેચવા આવી રહ્યા છે. આ ખેડૂતોને તેમના ઘઉંની ગુણવત્તા મુજબ ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે અને માર્કેટમાં મોટા પ્રમાણમાં આવી ઘઉં વેચી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news