World Cancer Day : કોરોના કરતાં પણ ખતરનાક છે કેન્સર, 2025 સુધીમાં ગુજરાતમા કેન્સરના 79,217 દર્દી હશે

દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ સતત વધી રહ્યો છે. કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવા અને વિશ્વમાં કેન્સરનું પ્રમાણ ઘટાડવાના હેતુથી 4 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં દર વર્ષે જુદી જુદી થીમ પર વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day ) ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે ‘ક્લોઝ ધ કેર ગે’ એટલે કે ‘કેન્સર (cancer) ની સારવારમાં અંતર ઘટાડીએ’ની થીમ પર વિશ્વ કેન્સર દિવસની વિશ્વભરમાં ઉજવણી કરાઈ રહી છે.

World Cancer Day : કોરોના કરતાં પણ ખતરનાક છે કેન્સર, 2025 સુધીમાં ગુજરાતમા કેન્સરના 79,217 દર્દી હશે

અતુલ તિવારી/અમદાવાદ :દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ સતત વધી રહ્યો છે. કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવા અને વિશ્વમાં કેન્સરનું પ્રમાણ ઘટાડવાના હેતુથી 4 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં દરવર્ષે જુદી જુદી થીમ પર વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day ) ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે ‘ક્લોઝ ધ કેર ગે’ એટલે કે ‘કેન્સર (cancer) ની સારવારમાં અંતર ઘટાડીએ’ની થીમ પર વિશ્વ કેન્સર દિવસની વિશ્વભરમાં ઉજવણી કરાઈ રહી છે.

ક્લોઝ ધ કેર ગેપ કેમ્પેઇનનો હેતુ વિશ્વભરમાં કેન્સરની સારસંભાળમાં રહેલી અસમાનતાઓને સમજી તેને દૂર કરવાનો છે. લોકો કેન્સર (Cancer Cured By TrueWorship) ના પડકારને ખુલ્લા મને સ્વીકારીને તેની હકીકતો તરફ ધ્યાન કેન્દ્રીત કરીને સારવાર કરાવે છે. આપણે સૌએ એક વાત સમજવી રહી કે કેન્સર જેવા ભયાવહ રોગને હરાવવો મુશ્કેલ નથી. પરંતુ એના માટે સમજદારી અને યોગ્ય સમયે સચોટ સારવાર મળે તે ખૂબ જરૂરી છે. કેન્સરને કેવી રીતે સમજી શકાય, તેને હરાવવા માટે શું ઉપાય છે એની સમજ સમાજમાં પ્રવર્તે એ સમયની માંગ બની છે.

WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ, વિશ્વભરમાં વર્ષ 2020માં 1 કરોડ 93 લાખ કેન્સરના નવા દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 99 લાખ જેટલા દર્દીઓનું મૃત્યુ થયું છે. છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી જે કોરોનાએ વિશ્વમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે, એના કરતાં પણ અનેકગણો વધુ મૃત્યુઆંક કેન્સરના દર્દીઓમાં જોવા મળી રહ્યો છે. ગ્લોબોકેનના એક અંદાજ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં દર વર્ષે કેન્સરના અંદાજે 2 કરોડ 15 લાખ જેટલા કેસ નોંધાશે. જો આ અંદાજ સાચો ઠરે તો કેન્સર સામે જાગૃતિ લાવવી જરૂરી રહી છે. જેથી મૃત્યુઆંક પર કાબુ મેળવી શકાય. ભારતમાં જોવા મળી રહેલી કેન્સરની સ્થિતિની વાત કરીએ તો દર 1 લાખની વસ્તીએ 70 થી 90 જેટલા દર્દીઓ કેન્સરથી પીડિત છે. ગ્લોબોકેનના વર્ષ 2020 ના આંકડા પ્રમાણે, ભારતમાં 13 લાખ કેસ કેન્સરના નોંધાયા હતા. જે વર્ષ 2030 સુધીમાં વધીને 15 લાખ સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.

કેન્સર અંગે ગુજરાતની સ્થિતિ પર એક નજર કરીએ તો, વર્ષ 2020 માં દેશમાં 13.92 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા, જેમાંથી 69,660 કેસ ગુજરાત રાજ્યમાં નોંધાયા, જે વધીને વર્ષ 2025 સુધીમાં 79,217 થવાનો અંદાજ છે. અમદાવાદ શહેરી કેન્સર રજિસ્ટ્રીના રિપોર્ટ પ્રમાણે, દર 1 લાખની વસ્તીએ પુરુષોમાં 98 અને સ્ત્રીઓમાં 77 નવા કેન્સરના દર્દીઓ જોવા મળી રહ્યા છે.

કેન્સર શરીરના અલગ અલગ ભાગમાં થતો એક ભયાવહ રોગ છે. ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરના 50 ટકા દર્દીઓમાં ગર્ભાશયના મુખ (સર્વાઇકલ), સ્તન (બ્રેસ્ટ) અને મોઢા (ઓરલ)નું  કેન્સર જોવા મળ્યું છે. કેન્સર સામે સમયસર લડવા સ્ક્રીનીંગ એટલે કે પ્રાથમિક તબક્કે કેન્સરના લક્ષણોની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનીંગ શક્ય છે. તમાકુ, ધુમ્રપાન કે અન્ય પ્રકારનું વ્યસન કરતા વ્યક્તિના મોઢાની તપાસ કરીને ઓરલ કેન્સરનું નિદાન કરી શકાય છે. સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધતુ જોવા મળી રહ્યું છે. પરંતુ જો શરૂઆતના તબક્કામાં જ તેનું નિદાન કરીએ તો તેને રોકી પણ શકાય છે. સ્તન કેન્સરના નિદાન માટે ઘરે બેઠા પણ જાત તપાસ કરી શકાય છે. તેમજ મેમોગ્રાફી અને સોનોગ્રાફી જેવા ટેસ્ટ સરળતાથી કરાવી શકાય છે. એ સિવાય સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર પણ અનેક લોકોને થતું જોવા મળી રહ્યું છે. જેના નિદાન માટે પેપ ટેસ્ટ કરાવી શકાય છે. જેથી ઝડપથી નિદાન થઈ શકે.

આજથી થોડા વર્ષો પહેલા કેન્સર એટલે કેન્સલ એવી ગેરમાન્યતા સમાજમાં પ્રવર્તતી હતી. પરંતુ જો કેન્સરની પ્રથમ તબક્કામાં જ જો યોગ્ય અને સચોટ સારવાર લેવામાં આવે તો તેને દૂર કરી શકાય છે, બીજા અને ત્રીજા તબક્કામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબૂમાં લાવી શકાય છે. પરંતુ એના માટે કેન્સરના જુદા જુદા સ્ટેજ વિશે સમજવું જરૂરી છે. કેન્સરના વિવિધ તબક્કા કેન્સરની ગાંઠના કદ, લસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અન્ય અંગોમાં થયેલ ફેલાવાને ધ્યાનમાં લઈને કેન્સરનો સ્ટેજ નક્કી થાય છે.

કેન્સર પ્રથમ સ્ટેજમાં હોય ત્યારે કેન્સરની ગાંઠ 2 સેન્ટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો ના થયો હોય તો રોગ તેના પ્રથમ તબક્કામાં છે તેવું ગણવામાં આવે છે. બીજો સ્ટેજ એટલે જ્યારે કેન્સરની ગાંઠનું કદ 2 થી 5 સેન્ટીમીટર વચ્ચેનું હોય તથા તેનો ફેલાવો લસિકા ગ્રંથિમાં થતો હોય. જ્યારે ત્રીજો સ્ટેજ એટલે જ્યારે કેન્સરની ગાંઠનું કદ 5 સેન્ટીમીટર કરતાં વધારે હોય અને તેનો ફેલાવો વધુ લસિકા ગ્રંથિઓમાં થયો હોય. કેન્સરનો ચોથો સ્ટેજ એટલે જ્યારે ગાંઠનું કદ ખૂબ જ વધી જાય અને તે શરીરના અન્ય અંગોમા પ્રસરે છે. 

ICMR ના NCDIR (National Centre For Disease Informatics And Research) વર્ષ 2021 ના રિપોર્ટ પ્રમાણે દેશમાં વર્ષ 2020માં 13.92 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ 3.77 લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થયા. ભારતમાં દર 8 મિનિટે 1 સ્ત્રીનુ મૃત્યુ ગર્ભાશયના મુખના કેન્સર અને દર 13 મિનિટે 1 સ્ત્રીનુ મૃત્યુ સ્તનના કેન્સરના કારણે થાય છે.

અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 20,000 જેટલા કેન્સરના નવા કેસ નોંધાય છે, જેમાંથી 28.84 % દર્દી અન્ય રાજ્યમાંથી સારવાર માટે ગુજરાતમાં આવે છે. જેમાં રાજસ્થાનના 12%, મધ્ય પ્રદેશના 11.4% અને મહારાષ્ટ્રના 1% દર્દીઓનો સમાવેશ થાય છે. GCRIમાં આવતા કુલ લ કેસમાંથી 50% દર્દીઓ માત્ર મોઢા, સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરના નોંધાય છે

ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ જ્યાં કેન્સરના દર્દીની રોબોટ દ્વારા થાય છે
GCRIના ડૉ. પ્રિયાંક રાઠોડે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, સમયની સાથે સતત જુદી જુદી ટેકનોલોજીનથી વિશ્વભરને લાભ થતો રહ્યો છે. હવે તો કેન્સરની કેટલીક સારવાર રોબોટ દ્વારા પણ શરૂ કરાઇ છે. ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ જ્યાં કેન્સરના દર્દીની રોબોટ દ્વારા રેડિયોથેરાપી સારવાર અપાઈ રહી છે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગના સહયોગથી અમદાવાદ સિવિલ મેડિસીટીની G.C.R.I. હોસ્પિટલમાં 45 કરોડના ખર્ચે સાયબર નાઇફ-રોબોટિક મશીન કાર્યરત થયુ છે. 5 મી.મી. સુધીના કદના સાદા અને કેન્સરના ટ્યુમરનું ન્યુનત્તમ આડઅસર સાથે 360 ડિગ્રી સચોટ નિદાન અને સારવાર કરવામાં આવે છે. કિડની, લીવર, ફેફસા જેવા સંવેદનશીલ કેન્સરગ્રસ્ત થયેલા અંગોમાં સર્જરી શક્ય ન હોય ત્યારે સાયબર નાઇફની મદદથી રેડિયોથેરાપી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ છે. ગુજરાતના કેન્સરની સારવાર આપતી સિવિલ કેમ્પસમાં આવેલી GCRI માં વર્ષ 2021 દરમિયાન રેડિયોથેરાપીના 5356 સેશન આપવામાં આવ્યા હતા.

કેન્સરના જોખમી પરિબળો
એક સર્વે અનુસાર, 15 થી 49 વર્ષના લોકોમાં રહેલા કેન્સરના જોખમી પરિબળો જોવા મળે છે. જેમાં દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓ, અઠવાડિયામાં ફક્ત એક જ વખત લીલા શાકભાજી ખાતા 89.5 ટકા પુરૂષો અને 89.8 ટકા સ્ત્રીઓ, જ્યારે ફક્ત એક જ વખત ફળનું સેવન કરતા 44.6 ટકા પુરૂષો અને 52.3 ટકા સ્ત્રીઓ, ગૃહીણીઓમાં રસોડામાં ચૂલાના ઉપયોગથી થતા ઘુમાડાથી 38 ટકા ,જ્યારે વધુ વજન અથવા મેદસ્વિપણાથી 19.9 ટકા પુરૂષો અને 22.6 ટકા સ્ત્રીઓ, હાયપર ટેન્સનથી 20.3 ટકા પુરૂષો અને 20.6 ટકા સ્ત્રીઓ અને ડાયાબિટીસથી 16.9 ટકા પુરૂષો અને 15.8 ટકા સ્ત્રીઓમાં કેન્સર થવાનું રિસ્ક અંશતઃ વધુ જોવા મળ્યુ છે.

કેન્સરની જો સમયસર સારવાર કરાવવામાં આવે તો કેન્સરને હરાવવું મુશ્કેલ નથી. કેન્સરની સારવાર વિશે વાત કરીએ તો મુખ્યત્વે ત્રણ પદ્ધતિથી કેન્સરની સારવાર થાય છે. જેમાં શસ્ત્રક્રિયા જેમાં કેન્સર થયેલાં ભાગને કાઢી નાંખવામાં આવે છે. ત્યારબાદ વિકિરણ સારવાર એટલે કે રેડિયોથેરાપી જેમાં કેન્સર કોષોનો નાશ કરવામાં આવે છે. ત્યારબાદ કિમોથેરાપી જેમાં કેન્સર વિરોધી દવાઓ આપવામાં આવે છે, જે ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. એ સિવાય પેલિએટિવ કેર જેમાં કેન્સરનાં દુખાવા અને અન્ય તકલીફોની સારવાર આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news