અંતરિક્ષમાંથી જૂઓ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નો નજારો, 597 ફૂટની ઊંચાઈએથી આવા દેખાય છે 'સરદાર'!

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ ફોટો 597 ફૂટની ઊંચાઈએથી ખેંચવામાં આવ્યો છે. 182 મીટર ઊંચી દુનિયાની આ સૌથી ઊંચી પ્રતિમા આકાશમાં પણ ઘણી મોટી ઊંચાઈએથી દેખાય છે 

અંતરિક્ષમાંથી જૂઓ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નો નજારો, 597 ફૂટની ઊંચાઈએથી આવા દેખાય છે 'સરદાર'!

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ગૌરવ પ્રાપ્ત કરી ચૂકેલી સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' અત્યારે દુનિયાનું સૌથી મોટું આકર્ષણ છે. તેને જોવા માટે અત્યારે હજારો લોકોનો ધસારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 1.10 લાખથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા એક જ દિવસે 27 હજાર લોકો પહોંચી જતાં ટિકિટ બારી પણ બંધ કરવી પડી હતી. 

હવે, સ્ટેચ્યુ ઓફ યુનિટી 597 ફૂટની ઊંચાઈએથી લેવાયા બાદ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. વિશ્વની સૌથી ઊંચી 182 મીટર ઊંચી સરદાર પટેલની આ પ્રતિમા આકાશમાંથી પણ ઘણી ઊંચાઈએથી સ્પષ્ટ રીતે દેખાય છે.

અમેરિકાના સેટેલાઈટ નેટવર્ક 'પ્લેનેટ' દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો છે. 15 નવેમ્બરના રોજ આ ફોટો સેટેલાઈટની મદદથી ખેંચવામાં આવ્યો હતો.

— Planet (@planetlabs) November 15, 2018

શુક્રવારે ગુજરાત સરકારે પણ નવી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટૂંક સમયમાં જ રેલવે અને હવાઈ માર્ગથી પણ જોડવામાં આવશે, જેથી વધુ ને વધુ પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે. 

ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કેવડિયામાં સરદાર સરોવર ડેમની બરાબર સામે આવેલા સાધુ બેટ ખાતે કરવામાં આવ્યું છે. અહીં, નજીકનું સૌથી મોટું રેલવે સ્ટેશન અને એરપોર્ટ વડોદરાનું છે. અહીંથી, સડકમાર્ગે કેવડિયા પહોંચવાનું રહે છે. 

શુક્રવારે નવી દિલ્હીમાં વાઈબ્રન્ટના પ્રચાર માટે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે ઈન્ડિયન એરપોર્ટ ઓથોરિટી અને રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યાર બાદ તેમણે આ જાહેરાત કરી હતી. 

1 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબર, 2018ના રોજ સરદાર વલ્લ્ભભાઈના જન્મદિવસે કરવામાં આવ્યું હતું. 1 નવેમ્બરના રોજ તેને જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે અને હવે વિદેશી પ્રવાસીઓના આગમનની પણ શરૂઆત થઈ ચૂકી છે. 

રાજ્યના મુખ્ય સચિવ (પ્રવાસન) એસ.જે. હૈદરે રવિવારે (11 નવેમ્બર)ના રોજ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને જોવા માટે 1 નવેમ્બરથી અત્યાર સુધીમાં લગભગ 1.10 લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે. શનિવારે અહીં 28,409 લોકો આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ હવે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news